ભારત ઓઇલ-ગેસ ખરીદી વધારવા તૈયાર પણ ટેરિફથી બચવાની ગેરંટી નહીં: PM મોદી-ટ્રમ્પની મુલાકાતની મોટી વાતો
PM Modi And Trump Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના બે દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળી દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ બેઠકો બાદ જાહેરાત કરવામાં આવી કે, ભારત વેપાર ખાધ ઘટાડવા માટે અમેરિકામાંથી એફ-35 લડાકૂ વિમાનો સહિત ઓઇલ એન્ડ ગેસ, ડિફેન્સ હાર્ડવેર પ્રોડક્ટ્સની ખરીદી વધારશે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટતા આપી છે કે, ભારત તેના (અમેરિકા) રેસિપ્રોકલ ટેરિફથી બચી શકશે નહીં.
બંને દિગ્ગજ નેતાઓએ દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરી હતી. જેમાં ટ્રમ્પે ગેરકાયદે વસતા ભારતીયોને પરત વતન મોકલવા, 26/11ના હુમલાનો ફરાર આરોપી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ કરવાનું વચન આપ્યું છે.
ભારત ટેરિફને તર્કસંગત બનાવશે?
ટ્રમ્પે અપેક્ષા વ્યક્ત કરી છે કે, ભારત અમેરિકાના માલ-સામાન પર ટેરિફ તર્કસંગત બનાવશે. તેમજ ડિફેન્સની ખરીદીમાં વ્યાપકપણે સહયોગ આપતાં ભારતને સ્ટીલ્થ ફાઇટર જેટ એફ-35 વેચવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની રેસિપ્રોકલ ટેરિફ પોલિસીના કારણે ભારત અમેરિકી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવા વિચારણા કરી શકે છે.
PM મોદી સાથે મુલાકાત પહેલાં લીધો નિર્ણય
પીએમ મોદી સાથેની મુલાકાત પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'કોઈ ફરક પડતો નથી કે, તે ભારત હોય કે, અન્ય કોઈ દેશ, અમે એટલો જ ટેરિફ લાદીશું જેટલો તેઓ અમારી પાસેથી વસૂલે છે. ભારતથી આયાત થતી ચીજો પર પણ એટલો જ ટેરિફ લાદવામાં આવશે, જેટલો તેઓ અમારી પાસેથી વસૂલે છે.'
ભારતે હાલમાં જ ટેરિફ ઘટાડ્યા
વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પહેલાં જ ભારતે અયોગ્ય અને ઊંચા ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે, ભારત જેટલો પણ સામાન અન્ય દેશો પાસેથી ખરીદે છે, તેના પર 14 ટકા ટેરિફ લાદે છે, જ્યારે ચીન 6.5 ટકા અને કેનેડા 1.8 ટકા ટેરિફ લગાવે છે. ટ્રમ્પે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ભારતના અન્યાયી ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ લગભગ $100 અબજ છે, વડાપ્રધાન મોદી અને હું સંમત થયા છીએ કે અમે લાંબા સમયથી ચાલતા અસંતુલનને દૂર કરવા માટે સંકલન કરીશું જેને છેલ્લા ચાર વર્ષમાં દૂર કરવાની જરૂર હતી.'