'દેશની સુરક્ષા માટે લીધેલા પગલાં...' પાકિસ્તાન પર ઈરાનના હવાઇ હુમલા અંગે ભારતે આપી પ્રતિક્રિયા
આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ : ભારત
Iran Attack on Pakistan | ઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હવે આ અંગે ભારતનું નિવેદન પણ આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે આ કાર્યવાહીનો નિર્ણય પોતાના રક્ષણ માટે લેવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયનું નિવેદન
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન પર ઈરાનના હવાઈ હુમલા બાદ મીડિયા દ્વારા ભારતની પ્રતિક્રિયા માંગવામાં આવી રહી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે કહ્યું, 'આ મામલો ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો છે. જ્યાં સુધી ભારતનો સવાલ છે. આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. સ્વ-બચાવમાં દેશ જે પગલાં લે છે તે અમે સમજીએ છીએ.
ઈરાને કર્યા હતા હવાઈ હુમલા
ઉલ્લેખનીય છે કે આ નિવેદન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા દેશના અશાંત પ્રાંતમાં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સના એક સભ્યને ગોળી મારી દેવાના થોડા કલાકોમાં આવ્યું છે. બલૂચિસ્તાનમાં જૈશ અલ-અદલના અડ્ડા પર ઈરાનના હવાઈ હુમલા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના પર ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું હતું કે અમે પાકિસ્તાનની અંદર આતંકી સંગઠન પર હુમલો કર્યો હતો. તેને ગાઝા સાથે કોઈ લેવાદેવા નથી. અમે નથી ઈચ્છતા કે હમાસ આતંકવાદી સંગઠન બને. હમાસ પેલેસ્ટાઈનની સ્વતંત્રતા માટે એક પ્રતિકારક જૂથ છે.