UNની મોટી જાહેરાત, અનેક દેશોમાં 6000 સૈનિકો તહેનાત કરનાર ભારતને ફરી સોંપી મોટી જવાબદારી
India re-elected to UN Peacebuilding Commission : વિશ્વભરમાં ભારતનું કદ વધવાની સાથે તેની ભૂમિકામાં પણ વધી રહી છે, જેના કારણે 193 દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થા (UN)માં ભારતને ફરી મોટી જવાબદારી સાથે સન્માન આપ્યું છે. સંસ્થાએ ભારતને યુએન શાંતિ સ્થાપના આયોગના સભ્ય બનાવવાની જાહેરાત કરી છે. યુએન દ્વારા 2025-2026 માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપન આયોગના સભ્ય તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે. આયોગમાં ભારતનો વર્તમાન કાર્યકાળ 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જોકે તેને ફરી એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે.
UNની PBCએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જાહેરાત કરી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટ કરી કહ્યું છે કે, ‘વર્ષ 2025-2026 માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગ (PBC)ના સભ્ય તરીકે ભારતની ફરી પસંદગી કરવામાં આવી છે. ભારત સંસ્થાના સભ્ય તરીકે, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપનમાં બહોળું યોગદાન આપવા માટે, વૈશ્વિક શાંતિ અને સ્થિરતાની દિશામાં કામ કરવા માટે પીબીસીમાં જોડાવવા માટે પ્રતિબદ્ધ છે.’
આ પણ વાંચો : અમેરિકાએ અદાણી ગ્રૂપ પર આરોપો મામલે કોઈ જાણકારી આપી ન હતીઃ વિદેશ મંત્રાલયનો ઘટસ્ફોટ
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગમાં કુલ 31 સભ્ય દેશ
ઉલ્લેખનીય છે કે, પીસીબમાં 31 સભ્ય દેશો છે. આ દેશોની પંસદગી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, સુરક્ષા પરિષદ અને આર્થિક તેમજ સામાજિક પરિષદ દ્વારા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્ય નાણાંકીય યોગદાન આપનારા દેશ અને ટોચનું સૈન્ય સુરક્ષા પ્રદાન કરનાર દેશ પણ તેના સભ્યો છે.
પીબીસીમાં ભારતનું સૌથી મોટું યોગદાન
ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં સૌથી વધુ વર્દીધારી કર્મચારીને તહેનાત કરી મોટું યોગદાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના અભિયાનો હેઠળ વર્તમાન સમયમાં ભારતના લગભગ 6000 સૈન્ય અને પોલીસકર્મીઓ અબેઇ, મધ્ય આફ્રિકન ગણરાજ્ય, સાયપ્રસ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લેબનોન, મધ્ય પૂર્વ, સોમાલિયા, દક્ષિણ સુદાન અને પશ્ચિમ સહારામાં તૈનાત છે. શાંતિ અભિયાન દરમિયાન લગભગ 180 ભારતીય સૈનિકોએ ફરજ નિભાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, જે યોગદાન આપનાર અન્ય દેશોના મુકાબલે સૌથી વધુ સંખ્યા છે.