શરમજનક! મહિલાઓની સુરક્ષા મામલે ભારત ટોપ-10 દેશોમાં પણ નહીં, શ્રીલંકા-નેપાળ આપણાં કરતાં સારા
Women Safety in World: ભારતમાં કોલકાતામાં મહિલા ડોક્ટર ઉપર જઘન્ય દુષ્કર્મ અને ત્યારબાદ કરાયેલી હત્યાના કિસ્સાએ ચારેતરફ મહિલાઓની સુરક્ષા અંગે ચર્ચા શરૂ કરી છે. દેશમાં બેટી પઢાઓ, બેટી બચાઓ જેવી જે કાગળ ઉપરની તુક્કાબાજી ચાલી છે તેને આ ઘટનાઓ છતી કરી નાખી છે. ભારતમાં મહિલાઓની સુરક્ષાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. નિર્ભયા કાંડ જેવા ભયાનક કેસ છતાં દેશમાં આજે પણ મહિલાઓની સુરક્ષામાં કોઈ મોટા સુધારા થયા નથી.
સુધારા અને સુરક્ષાના નામે જે ડિંડક ચાલી રહ્યા છે તે દરમિયાન વૈશ્વિક અહેવાલે મહિલા સુરક્ષા મુદ્દે ભારતને અરિસો બતાવ્યો છે. મહિલાઓની સુરક્ષા અને તેમને સ્વસ્થ સમાજ તથા સુરક્ષિત વાતાવરણ આપવાની વાત આવે છે ત્યારે ઘણા દેશો છે જેમના નામ ચર્ચાતા હોય છે.
ડેનમાર્ક મહિલાઓ માટે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશ, અફઘાનિસ્તાન સૌથી ખરાબ
વાસ્તવિક રીતે જ્યારે આવા દેશો અંગે ચર્ચા થઈ ત્યારે તેમાં યુરોપના દેશોની બોલબાલા છે. તાજેતરમાં જારી થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, મહિલાઓની સુરક્ષા મુદ્દે ડેનમાર્ક દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ છે. અહીંયા મહિલાઓની સુરક્ષા સૌથી ઉચ્ચ સ્તરે અને સંવેદના સાથે કરવામાં આવે છે. મહિલાઓ મુદ્દે કોઈપણ બાબતે બાંધછોડ કરાતી નથી. બીજી તરફ મહિલાઓ બાબતે અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી ખરાબ દેશ છે. અહીંયા મહિલાઓની હાલત અત્યંત કફોડી અને દયનિય હોવાના અહેવાલો છે.
સંશોધકો દ્વારા 2017 થી 2023 સુધીમાં મહિલાઓની સુરક્ષા માટે વિશ્વભરમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિમેન, પીસ એન્ડ સિક્યોરિટી ઈન્ડેક્સ દ્વારા વિવિધ દેશોનો અભ્યાસ કરાયો હતો. તેમાં અફઘાનિસ્તાન સૌથી છેલ્લા ક્રમે જ્યારે ડેનમાર્ક સૌથી મોખરે રહ્યા હતા. અફઘાનિસ્તાન કરતા ડેનમાર્કોના પોઈન્ટ્સ ત્રણ ગણા કરતા વધારે આવ્યા હતા. વૈશ્વિક સરેરાશ પણ આ વખતે સામાન્ય તફાવત થયો હોવાનું સામે આવ્યું છે.
આ અભ્યાસમાં સામે આવ્યું છે કે, મહિલાઓની સુરક્ષા બાબતે જે ટોચના 12 દેશો છે તે તમામ દેશો વિકસિત દેશોની યાદીમાં આવી છે. તે ઉપરાંત આ દેશોમાંથી નોર્ડિક કન્ટ્રિ તરીકે ઓળખાતા સાત દેશો ટોચના સાત ક્રમે આવે છે. ટોચના 10 સ્થાને આવેલા દેશોમાં ન્યૂઝીલેન્ડને બાદ કરતા બાકીના 9 દેશો સેન્ટ્રલ યુરોપ અને સેન્ટ્રલ-ઈસ્ટર્ન યુરોપના તથા સેન્ટ્રલ એશિયા સાથે જોડાયેલા દેશો છે.
તેવી જ રીતે મહિલાઓ માટે સૌથી ખરાબ દેશોની યાદીમાં આવેલા 10 દેશોને પછાત દેશો ગણાય છે અને તેમાંથી સાત દેશ તો સબ સહારન આફ્રિકાના છે. નવાઈની વાત એવી છે કે અફઘાનિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈરાક, સિરિયા અને યમન જેવા દેશો 2017થી અભ્યાસ શરુ કરાયો ત્યારથી સૌથી નીચેના ક્રમે જ આવે છે.
ત્રણ મુદ્દા અને ચાર પ્રકારોના આધારે તારણ કઢાયું
સંશોધકોએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અને જીવનધોરણ અંગે જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ કરાયો છે. ત્રણ મુખ્ય મુદ્દા અને ચાર પેટા પ્રકારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ઇન્ક્યુઝન એટલે કે મહિલાઓનો સામાજિક, રાજકિય અને આર્થિક બાબતોમાં સમાવેશ. બીજું જસ્ટિસ એટલે કે ફોર્મલ અને ઈનફોર્મલ બંને સ્તરે ભેદભાવ અને ન્યાયની સ્થિતિ. ત્રીજું સિક્યોરિટી એટલે કે વ્યક્તિગત, પારિવારિક, સામુદાયિક અને સામાજિક સુરક્ષાની સ્થિતિ.
આ ત્રણ મુખ્ય મુદ્દાના આધારે દરેક દેશને 0 થી 1ની વચ્ચે પોઈન્ટ આપવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, સંયુક્ત રાષ્ટ્રો, વર્લ્ડ બેન્ક, ગેલપ વર્લ્ડ પોલ જેવી આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના ડેટાના આધારે જ આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસના ત્રણ મુખ્ય મુદ્દામાં દરેકના ચાર પ્રકાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમાં સૌથી પહેલાં ઈન્ક્યુઝનની વાત કરીએ તો તેમાં એડ્યુકેશન, ફાઈનાન્સિયલ ઈન્ક્યુઝન, એમ્પ્લોયમેન્ટ, મોબાઈલનો ઉપયોગ અને પાર્લામેન્ટ્રી રિપ્રેઝન્ટેશન જેવા મુદ્દાને ધ્યાનમાં લેવાયા હતા. જસ્ટિસની વાત કરીએ તો તેમાં એબસન્સ ઓફ લીગલ ડિસ્ક્રિમિનેશન, એક્સેસ ટુ જસ્ટિસ, મેટર્નલ મોર્ટાલિટી અને સન બાયસ જેવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિય કરાયું હતું.
તેવી જ રીતે ઈન્ટિમેટ પાર્ટનર વાયોલન્સ, કોમ્યુનિટી સેફટી, પોલિટિકલ વાયોલન્સ ટાર્ગેટિંગ વિમેન અને પ્રોક્ઝિમિટી ટુ કોન્ફ્લીક્ટ જેવી બાબતોને સિક્યોરિટી હેઠળ સમાવવામાં આવી હતી. જાણકારોના મતે આ સુધાર 2017થી જ લાગુ કરવામાં આવ્યા હતા. કેટલાક નવા મુદ્દા એટલા માટે ઉમેરવામાં આવ્યા કારણ કે જૂના ફોર્મેટમાં ઘણી બધી બાબતો હવે ગૌણ થઈ ગઈ હતી અને નવી ઘણી બાબતો સામે આવી હતી જેની માહિતી મળવી જરૂરી હતી.
ઘરે, સમુદાયમાં અને સમાજમાં નેતા મહિલાઓની સુરક્ષા સળગતો પ્રશ્ન
આ અભ્યાસ દરમિયાન મહિલાઓની સુરક્ષાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને ઘરમાં, સમુદાયમાં અને સમાજમાં મહિલાઓની સુરક્ષાને અલગ અલગ સ્તરે ચકાસવામાં આવી હતી. મહિલાઓની સુરક્ષા આ વખતે ઈન્ટિમેટ પાર્ટનર દ્વારા થતી હિંસાને પણ ધ્યાને લેવાઈ છે. આ એક મુદ્દો એવો છે જેમાં મહિલાઓ સૌથી ઓછી ફરિયાદ કરતી હોય છે.
જાણકારોના મતે આવા કિસ્સામાં મહિલાઓ સૌથી પહેલાં તો ફરિયાદ કરતા ડરે છે. તે ઉપરાંત તેને યોગ્ય અધિકારી કે વ્યક્તિ મળતી નથી જેના ઉપર વિશ્વાસ રાખીને તે પોતાની ફરિયાદ કરી શકે. આ સિવાય પોતાની બદનામી થવાનો અને પરિવારની બદનામી થવાનો ભય સૌથી મોટો હોય છે જેના કારણે પણ તે પોતાના બેડરૂમમાં થતી હિંસાને મુંગા મોઢે સહન કરી લે છે.
સામુદાયિક સુરક્ષાની વાત કરીએ તો વિશ્વમાં સરેરાશ 64 ટકા મહિલાઓ પોતાની આસપાસના વિસ્તારમાં એકલા હરવા ફરવામાં પોતાને સુરક્ષિત માને છે. કુવૈત, સિંગાપુર, યુએઈ અને ચીન જેવા દેશોમાં આ પ્રમાણ 90 ટકા જેટલું છે. ઈસ્ટ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં મહિલાઓની સામુદાયિક સુરક્ષાનો દર 83 ટકા જેટલો છે.
સાઉથ એશિયામાં શ્રીલંકાની સ્થિતિ સૌથી સારી
સાઉથ એશિયાના દેશોમાં મહિલાઓની સ્થિતિ વિશે વાત કરીએ તો જાણકારોના મતે શ્રીલંકા સૌથી સારો દેશ છે. વૈશ્વિક દ્રષ્ટિએ પણ ભારત જેવા મોટા દેશ કરતા શ્રીલંકામાં મહિલાનોની સ્થિતિ તમામ સ્તરે સારી છે. દુનિયાના 177 દેશોને આપવામાં આવેલા પોઈન્ટ પ્રમાણે શ્રીલંકા 0.743 પોઈન્ટ સાથે વિશ્વમાં 60મો ક્રમ આવે છે.
અભ્યાસમાં પાડવામાં આવેલા વિભાગોમાં સાઉથ એશિયામાં શ્રીલંકા મોખરે છે. અહીંયા ઇન્ક્લુઝન, જસ્ટિસ અને સિક્યોરિટી ત્રણેય મોરચે મહિલાનો બહોળી પ્રાથમિકતા અપાય છે અને તેના ઉપર પૂરતી કામગીરી કરવામાં આવે છે.
ત્યારબાદ માલદિવ્સ વૈશ્વિક સ્તરે 0.720 પોઈન્ટ સાથે 72મા ક્રમે અને સાઉથ એશિયામાં બીજા ક્રમે આવે છે. ભારતનો પાડોશી અને ખૂબ જ નાનકડો દેશ ભુતાન પણ તેનાથી આ મુદ્દે આગળ છે. મહિલાઓની સુરક્ષા, આર્થિક સક્ષમતા અને સલામતી મામલે ભુતાન 0.700 પોઈન્ટ સાથે વિશ્વમાં 82મા ક્રમે આવે છે. જ્યારે સાઉથ એશિયામાં તેનો ત્રીજો ક્રમ છે.
આ પણ વાંચો: બિહારમાં કાવડિયાઓ પર ફરી વળી પૂરપાટ ઝડપે દોડતી કાર, 5ને કચડી નાખતાં મોત, 10 ઈજાગ્રસ્ત
વૈશ્વિક સ્તરે ભુતાનની સાથે ચીનનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ સાઉથ એશિયામાં નેપાળ ચોથા ક્રમે આવે છે. વૈશ્વિક સ્તરે 0.944 પોઈન્ટ સાથે નેપાળ 112મા ક્રમે છે. ભારત આ ત્રણે મામલે વિશ્વમાં 0.595 પોઈન્ટ સાથે 128મા ક્રમે છે.
ટોગો અને લેબનોન જેવા નાના અને પછાત દેશોની સમાંતર ભારત 128મા ક્રમે છે. સાઉથ એશિયામાં તે પાંચમા ક્રમે આવે છે. ત્યારબાદ બાંગ્લાદેશ 131મા ક્રમે આવે છે. પાકિસ્તાન વૈશ્વિક યાદીમાં 158મા ક્રમે આવે છે.
સૌથી ખરાબ સ્થિતિ અફધાનિસ્તાનની છે જે 177મા ક્રમે આવે છે. જે સૌથી છેલ્લો ક્રમ છે અને ખરાબ દેશોની યાદીમાં ટોચના ક્રમ છે. ચિંતાની બાબત એ છે કે, મહિલાઓ માટે સૌથી ખરાબ 50 દેશોની યાદીમાં ભારત 50મા ક્રમે આવે છે.
ન્યાય મેળવવાના મુદ્દે પણ મોટી અસમાનતા
આર્થિક બાબતોમાં તો વૈશ્વિક સ્તરે અસમાનતા જોવા મળી જ રહી છે પણ બીજી તરફ મહિલાઓને ન્યાય મળવા મુદ્દે પણ વૈશ્વિક સ્તરે વિશાળ અસમાનતા દેખાઈ રહી છે. સંશોધકો દ્વારા આ વખતે ન્યાય મુદે બે નવા પેટા પ્રકારો ઉમેરવામાં આવ્યા છે. તેમાં મહિલાઓને રાયની ઉપલબ્ધી એટલે કે મહિલાઓ ખરેખર ન્યાય મેળવવી સુધી પહોંચી શકે છે.
બીજું છે મેટર્નલ મોર્ટાલિટી. આ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને જ્યારે અભ્યાસ કરાયો ત્યારે મોટાપાયે અસમાનતા સામે આવી હતી. મહિલાઓને ન્યાય મળવાની વ્યવસ્થા અને શક્યતાઓ, મહિલાઓ પોતાનો કેસ લઈને કોર્ટ સુધી જઈ શકે તેવી શક્યતા અને વ્યવસ્થા, તેમને નિષ્પક્ષ ન્યાય મળવાની પ્રક્રિયા અને શક્યતા, મહિલાઓના અધિકારોની જાળવણી અને તેના માટે થતી ન્યાયિક પ્રક્રિયા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને દેશોને 0થી 4 સુધીના પોઈન્ટ આપવામાં આવ્યા હતા.
આમ જોવા જઈએ તો દુનિયાના કોઈપણ દેશને 4 પોઈન્ટ મળ્યા નહોતા. તેમ છતાં ડેનમાર્કને આ મુદ્દે 3.96 પોઈન્ટ મળ્યા હતા. બીજી તરફ અફધાનિસ્તાન માત્ર 0.37 પોઈન્ટ સ્કોર કરી શક્યું હતું. ત્યાં તાલિબાનોના શાસનમાં મહિલાઓને ન્યાય મળવાની નહીવત શક્યતાઓ દેખાઈ રહી છે.
આ સેક્ટરમાં મોટાભાગે વિકસિત દેશોને સારા પોઈન્ટ મળ્યા હતા. તેની સરેરાશ 3.53 પોઈન્ટ આવી હતી. મહિલાઓ માટે સૌથી ખરાબ દેશો ઉપર નજર કરીએ તો તેમાં આવતા ટોચના બાર દેશોમાંથી 9 દેશોમાં મહિલાઓ માટે ન્યાય વ્યવસ્થા ખૂબ જ કથળેલી છે.
આર્થિક સ્વતંત્રતા સૌથી મોટું પરિબળ રહ્યું છે
મહિલાઓ બાબતે જ્યારે વિવિધ મુદ્દા વિચારીએ કે જોઈએ તો તેમાં આર્થિક સ્વતંત્રતા ખૂબ જ મોટો ભાગ ભજવે છે. મહિલાઓને રોજગારી અને આર્થિક સ્વતંત્રતા કે માત્ર આર્થિક બાબતો વિશે વિચારીએ તો તેમાં વૈશ્વિક સ્તરે ખૂબ જ મોટો તફાવત અને ફેરફાર જોવા મળે છે.
રોજગારી અને આર્થિક બાબતોમાં વૈશ્વિક સ્તરે મોટી અસમાનતાઓ પણ રહેલી છે. દુનિયામાં મહિલાઓને રોજગારી આપવાની વાત આવે તો વૈશ્વિક સરેરાશ માત્ર 53 ટકા આવે છે. બીજી તરફ માડાગાસ્કર, સોલોમન આઈલેન્ડ અને બુરુની જેવામાં મહિલાઓ માટે રોજગારી 90 ટકા સુધી છે તેની સામે યમનમાં માત્ર 6 ટકા છે.
આર્થિક બાબતોમાં મહિલાઓના સમાવેશ તરફ નજર કરીએ તો પણ વિશાળ અસમાનતા છે. દુનિયાના 30 દેશોમાં મહિલાઓને આર્થિક બાબતોમાં સાંકળવાનું પ્રમાણ 95 ટકા છે જ્યારે 8 દેશો એવા છે જેમાં તે 10 ટકા કે તેનાથી ઓછું છે.
વૈશ્વિક સ્તરે મહિલાઓનું આર્થિક બાબતોમાં જોડાણ વધી રહ્યું છે. તેમની આર્થિક બાબતોની ભાગીદારી અને જોડાણ 2014માં 59 ટકા હતા જે હવે વધીને 71 ટકા સુધી પહોંચી ગયા છે તે ખરેખર મોટી બાબત છે.
બીજી તરફ ચિંતાજનક વાત એવી પણ છે કે, અફધાનિસ્તાન અને સાઉથ સુદાન જેવા દેવામાં પાંચ ટકાથી પણ ઓછી મહિલાઓ પાસે પોતાના વ્યક્તિગત બેન્ક એકાઉન્ટ છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નાળામાં ખાબકી, 3નાં મોત, 22 ઘાયલ
ભારતમાં માત્ર વાતો, નક્કર કામ નહીં
અભ્યાસમાં સ્પષ્ટ દેખાય છે કે, સ્ત્રીઓની સુરક્ષા, ન્યાય અને દુષ્કર્મ જેવી ઘટનાઓની વાત કરીએ તો તેમાં મોટા સુધારા માત્ર કાગળ ઉપર થયા છે. સામુદાયિક રીતે, પારિવારિક રીતે કે પછી સામાજિક અને રાજકીય રીતે તેમાં ખાસ ફેર પડ્યો નથી. આર્થિક રીતે મહિલાઓની સમાન તક અને અવસર મળે છે અને તેઓ આર્થિક રીતે આગળ વધી રહી છે પણ સેક્સ્યુઅલ વાયોલન્સ અને રેપ કે ગેંગરેપ જેવા કિસ્સામાં કાયદા અને ન્યાય વ્યવસ્થા હજી પણ ખસ્તાહાલ છે.
સૌથી પહેલાં બાબત કે છોકરી સામે છોકરાના જન્મની સરેરાશ જોઈએ તો આજે પણ તે 100 બાળકીઓની સામે 108 બાળકની છે. ઓનલાઈન માધ્યમોમાં મહિલાઓની તસવીરો અને વીડિયોને ડીપ ફેક અને મોર્ડિંગ દ્વારા દૂરુપયોગ કરવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે.
ભારતીય સાંસદ ચંદ્રાણી મુર્મુની તસવીરો મોર્ફ કરીને અશ્લિલ સામગ્રીઓમાં તેનો ઉપયોગ કરાયાની ફરિયાદો થઈ હતી. આ ઉપરાંત ભારતના જ એક રાજકીય પક્ષના મોટા નેતા સામે એક મહિલાએ ભ્રષ્ટાચારના આરોપો કર્યા ત્યારે પક્ષના લોકો દ્વારા મહિલા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વ્યાપક દુષ્પ્રચાર કરાયો હતો. બ્રાઝિલ, રશિયા, સુદાન, યુક્રેન જેવા દેશોમાં પણ આવી પોલિટિકલ ગેમ્સમાં મહિલાઓનો ભોગ લેવાય છે.
2022માં જ પોલિકિટલ રાઈવલરી અને બેનિફિટ માટે મહિલાઓના દુષ્પ્રચાર કરવાની અને તેમને બદનામ કરવાની 125 મોટી ઘટનાઓ બની હતી અને તેની ગંભીર નોંધ લેવાઈ હતી. સાઉથ એશિયામાં આ સૌથી મોટી સંખ્યામાં બનેલી ઘટના પણ ગણાવાય છે.