કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ભારત ભડક્યું, વિદેશ મંત્રાલયે કહ્યું, ‘વંશીય ગુનાથી સાવધ રહો’
3 Indian Student Murder In Canada : ભારત અને કેનડા વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થયા બાદ કેનેડા ભારત પર સતત ગંભીર આક્ષેપો કરતી રહે છે, તો બીજીતરફ ભારત પણ તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી જડબાતોડ જવાબ આપતું રહે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેનેડામાં એક સપ્તાહમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા થઈ છે, જેના કારણે ભારતે રોષ ઠાલવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ઘટના બાદ ઓટાવા સ્થિત ભારતીય હાઇ કમિશને કેનેડાના અધિકારીઓ સમક્ષ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.
અમારા માટે ભારતીયોની સુરક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ : જયસ્વાલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે (Randhir Jaiswal) કહ્યું કે, ‘કેનેડામાં ભારતીય નાગિરકોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેનેડામાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ભારતીયોની હત્યા કરવામાં આવી છે, જે એક કમનસીબ દુર્ઘટના છે. કેનેડામાં આપણા નાગિરકો સાથે થયેલી ભયાનક દુર્ઘટનાથી અમે દુઃખી છીએ.’
‘અમે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું’
તેમણે કહ્યું કે, ‘અમે મૃતકના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છે. આ ઘટના મુદ્દે આપણા ટોરોન્ટો અને વેનકુવરના ઉચ્ચ કમિશન અને કોન્સ્યુલેટ્સ સંભવ તમામ મદદ કરી રહ્યા છે. અમે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું. અમે કેનેડામાં ભારતીયો વિરુદ્ધની આ ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાવવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ.’
આ પણ વાંચો : અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદાને આવ્યા, ચંદ્રબાબુ-રેડ્ડી પર ગંભીર આરોપ
ભારતને બદનામ કરવાનો પ્રયાસ
સત્તાવાર આંકડા મુજબ કેનેડામાં ચાર લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેનેડા સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા વિઝા ન આપવાની ઘટનાના રિપોર્ટ અંગે પૂછવામાં આવતા જયસ્વાલે ‘રિપોર્ટને ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન ગણાવ્યું છે.’ તેમણે કહ્યું કે, કેનેડાની મીડિયા દ્વારા ભારતને બદનામ કરવા માટેનું આ એક ઉદાહરણ છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતીયોને વિઝા આપવા અમારું સાર્વભૌમ કાર્ય છે. જોકે જે લોકો આપણા દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડે છે, તેને વિઝા આપવાનો ઇન્કાર કરવો આપણો કાનૂની અધિકાર છે.
આ પણ વાંચો : અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર, કહ્યું- તેમનો વાંક નથી