દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના મામલામાં જર્મની કૂદ્યું, જાણો શું નિવેદન આપ્યુ
બર્લિન,તા.23.માર્ચ.2024
શરાબ ગોટાળામાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ યુરોપિયન દેશ જર્મની આ મામલામાં કૂદી પડ્યું છે.
જર્મનીના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ છે કે, કેજરીવાલની ધરપકડની ઘટના અમારા ધ્યાન પર આવી છે.ભારત એક લોકશાહી દેશ છે અને અમને આશા છે કે, ન્યાયપાલિકાની સ્વતંત્રતા તેમજ પાયાના લોકશાહી સિધ્ધાંતો સાથે જોડાયેલા ધારા ધોરણો આ મામલામાં લાગુ થશે.
વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, આરોપોનો સામનો કરી રહેલા કોઈ પણ વ્યક્તિની જેમ કેજરીવાલ પણ નિષ્પક્ષ અને તટસ્થ સુનાવણી માટેનો અધિકાર ધરાવે છે અને કોઈ પણ જાતના પ્રતિબંધ વગર તમામ પ્રકારના કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે.
જર્મનીના વિદેશ મંત્રાલયનુ નિવેદન આશ્ચર્ય પમાડે તેવુ છે.કારણકે કેજરીવાલની ધરપકડ ભારતનો આંતરિક મામલો છે.જોકે જર્મનીએ ભારતના આંતરિક મામલા અંગે પોતાની પ્રતિક્રિયા પહેલી વખત આપી હોય તેવુ નથી.આ પહેલા રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે હટાવાયા હતા ત્યારે પણ જર્મનીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી સામેની કાર્યવાહીમાં પણ લોકશાહીના સિદ્ધાંતો સમાન રીતે લાગુ થશે અને ન્યાય પાલિકાને સ્વતંત્ર રહીને કાર્યવાહી કરવાની છૂટ મળશે તેવી અમને આશા છે.
જર્મની માનવાધિકારોના સંરક્ષણની દુહાઈ કાયમ આપતું રહ્યું છે.રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં પણ યુક્રેનને લડવા માટે સૌથી પહેલા હથિયારો આપનારા દેશમાં જર્મની સામેલ હતુ.આમ બીજાના મામલામાં દખલગીરી કરવી એ જર્મની સરકાર માટે નવી વાત નથી.