બજેટમાં વિરોધ પક્ષ શાસિત રાજ્યોની ઉપેક્ષાના આરોપ સાથે 'ઇન્ડિયા'ના દેખાવો
- બજેટથી ભારતના સંઘીય માળખાની પવિત્રતા પર હુમલો : રાહુલ
- બજેટ વિરુદ્ધના દેખાવોના ભાગરૂપે કોંગ્રેસના મુખ્યપ્રધાનો 27 જુલાઇએ યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે
- બજેટના વિરોધમાં રાજ્યસભામાં વિપક્ષના સાંસદોનો વોકઆઉટ : બજેટમાં જે રાજ્યોના નામ લેવાયા નથી તેનો અર્થ એ નથી કે ત્યાં સરકારી યોજનાઓ ચાલતી નથી : નિર્મલા
નવી દિલ્હી : ગઇકાલે રજૂ કરવામાં આવેલા બજેટમાં વિરોધ પક્ષ શાસિત રાજ્યો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના આરોપ સાથે ઇન્ડિયા બ્લોકના સાંસદોએ આજે સંસદ પરિસરમાં દેખાવો કર્યા હતાં. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ બજેટે ભારતના સંઘીય માળખાની પવિત્રતા પર હુમલો કર્યો છે.
રાહુલ ગાંધી ઉપરાંત, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય પાર્ટીના વડા સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસના વિવિધ સાંસદો, તૃણમુલ, ડીએમકે અને ડાબેરીઓ પણ આ દેખાવોમાં જોડાયા હતાં.
બજેટ વિરુદ્ધ દેખાવો કરતી વખતે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ જણાવ્યું હતું કે આ બજેટ પ્રજા વિરોધી છે અને કોઇને પણ ન્યાય આપવામાં આવ્યો નથી. તેઓ સ્પેશિયલ પેકેજની વાત કરતા હતાં પણ કોઇ રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો નથી. આ બજેટથી દેશના લોકોને અન્યાય થયો છે.
બજેટ વિરુદ્ધના દેખાવોના ભાગરૂપે કોંગ્રેસના મુખ્યપ્રધાનો ૨૭ જુલાઇએ યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે.
બજેટમાં કોંગ્રેસ શાસિત રાજ્યોની અવગણના કરવાના વિરોધમાં કોંગ્રેસના નેતૃત્ત્વમાં ઇન્ડિયા બ્લોકના સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતોે.
વિરોધ પક્ષના સાંસદોના આરોપનો જવાબ આપતા કેન્દ્રીય નાણાપ્રધાન સિતારમને જણાવ્યુંહતું કે ફેબુ્રઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ અને મંગળવારે રજૂ કરવામાં આવેલા પૂર્ણ બજેટમાં તેમણે અનેક રાજ્યોના નામ લીધા નથી. તો તેનો અર્થ એવો નથી કે આવા રાજ્યોમાં કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલતી નથી.