Explainer: શું છે ભારતમાં ગરીબીની વ્યાખ્યા, તેના માપદંડો કોણ, કેવી રીતે નક્કી કરે છે?
India Poverty History : દેશમાં લોકસભાથી લઈ વિવિધ અહેવાલોમાં ગરીબી રેખાનો મામલો ચર્ચા તો રહ્યો છે. જોકે દેશમાં 1970 પહેલા ગરીબી રેખાની ગણતરી કે આંકલન કરવાની ખાસ સુવિધા ન હતી. તે સમયે કોને ગરીબ માનવા અને કોને નહીં, તે સૌથી મોટો પેચીદો પ્રશ્ન હતો. હવે તેનો ઉકેલ લાવવો પણ જરૂરી હતો, તેથી 1971માં બે અર્થશાસ્ત્રી વી.એમ.દાંડેકર અને એમ.રથે પોષણને આધાર તરીકે ધ્યાનમાં લઈ કેલરીના વપરાશના આધારે ગરીબીનું મૂલ્યાંકન કરી ગરીબીની વ્યાખ્યાનું સંશોધન કર્યું હતું.
બંને અર્થશાસ્ત્રીઓએ ગરીબી રેખાનો તર્ક આપ્યો
1971માં બંને અર્થશાસ્ત્રીઓએ તર્ક આપ્યો કે, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં દૈનિક જરૂરિયાત 2,250 કેલરીના ખર્ચના આધારે ગરીબી રેખા નક્કી કરવી જોઈએ. તેમને આ ફૉર્મૂલાના આધારે જાણવા મળ્યું કે, ગામડાઓની એક તૃતીયાંશ અને શહેરની અડધી વસ્તીને કેલરીના આધારે પૂરતો ખોરાક મળતો નથી.
ગરીબી માટે કયા ધોરણો નક્કી કરાયા?
1960-61માં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (National Sample Survey Organisation - NSSO)એ ઘર ખર્ચ અને દૈનિક ભોજન જરૂરીયાતના આધારે રિપોર્ટ બનાવ્યો હતો. આ રિપોર્ટમાં એનએસએસઓએ ગ્રામીણ ક્ષેત્રના પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક 170.80 રૂપિયા (મહિને ઓછામાં ઓછા 14.20 રૂપિયા) જ્યારે શહેરમાં રહેતા પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક 271.70 રૂપિયા (મહિને ઓછામાં ઓછા 22.60 રૂપિયા) અંદાજીત આવક હોવાનું સૂચન આપ્યું હતું. તેમણે આ બાબતોને ધ્યાને લઈ સાર કાઢ્યો હતો કે, તે સમયે ગામડાની 40 ટકા અને શહેરની 50 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. ત્યારબાદ વર્ષ 1977-78માં દેશની કુલ વસ્તીના 51.2 ટકા લોકો ગરીબી રેખા નીચે હોવાનું સામે આવ્યું હતું.
સરકારની જેમ ગરીબી રેખાના પણ સંશોધન બદલાતા રહ્યા
ત્યારબાદ જેમ જેમ સરકારો બદલાતી ગઈ તેમ તેમ ગરીબી રેખા પર સંશોધન થતું રહ્યું. 1979માં યોજના આયોગ દ્વારા વાઈ.કે.અલઘની આગેવાની હેઠળ રચાયેલી સમિતિએ રિપોર્ટમાં સૂચન આપ્યું કે, ગ્રામીણ અને શહેરી બંનેમાં પોષણની જરૂરિયાતોના આધારે ગરીબીનો આધાર નક્કી થવો જોઈએ. 1981ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી 71.54 કરોડ પર પહોંચી ગઈ હતી. તે સમયે દેશમાં 42.9 કરોડ લોકો એટલે કે 60% લોકો ગરીબી રેખા નીચે જીતવા હતા.
22 વર્ષ બાદ ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો
વર્ષ 1977-78માં દેશની કુલ વસ્તીના 51.2 ટકા લોકો ગરીબી રેખા નીચે હોવાનું સામે આવ્યું હતું, જોકે વર્ષ 1999-2000 આવતા-આવતા આ આંકડો સત્તાવાર 26.1 ટકા પર આવી ગયો. યોજના આયોગે એનએસએસઓના 55માં રાઉન્ડના આંકડાના આધારે જુલાઈ-1999થી જૂન-2000માં આ ગણિત રજૂ કર્યું હતું. ગરીબી ઘટવાની આ ગતિમાં ખરેખર નોંધપાત્ર પ્રગતિ હતી.
ગરીબી રેખાનું ગણિત જાણવા 2005માં ફરી સમિતિ બનાવાઈ
હવે વાત કરીએ 2005માં બહાર પડાયેલ ગરીબી રેખાના ગણિતની... યોજના આયોગે 2005માં ગરીબી રેખાની ગણતરી અને ધારા-ધોરણોની રીતોની સમીક્ષા કરવાનું વિચાર્યું અને જાણીતા રાષ્ટ્રીય આંકડાકીય આયોગ (National Statistical Commission)ના પૂર્વ પ્રમુખ સુરેશ તેંડુલકરની અધ્યક્ષામાં નિષ્ણાતોની એક સમિતી બનાવી.
તેંડુલકર સમિતિ ચોંકાવનારા તર્ક લાવ્યા
ત્યારબાદ આ સમિતિએ ખર્ચ કરવાની ક્ષમતાના આધારે ગરીબી રેખા માટેના માપદંડ બનાવ્યા. સમિતિએ ગરીબીના માપદંડ માટે જે રકમ નક્કી કરી, તે ચોંકાવનારી હતી. સમિતિએ 2004-05ના રકમના આધારે એવું નક્કી કર્યું કે, ગામડાઓમાં મહિને 446.68 રૂપિયાથી ઓછી અને શહેરમાં 578.8 રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓ ગરીબ છે.
ગરીબ કોણ અને અમિર કોણ? તેંડુલકર સમિતિએ બનાવ્યો રિપોર્ટ
તેંડુલકર સમિતિના રિપોર્ટનો અર્થ એ હતો કે, ગામડાઓમાં વ્યક્તિ દીઠ દૈનિક 14.88 રૂપિયાની કમાણી અને શહેરોમાં 19.29 રૂપિયાની કમાણી કરનારા પરિવારને ગરીબ માનવામાં આવ્યા. આ રિપોર્ટનો એવો પણ અર્થ હતો કે, આ રકમથી વધુ કમાણી કરનારાઓ ગરીબી રેખાથી ઉપર હતા. સમિતિના નવા રિપોર્ટ બાદ ગ્રામીણ ભારતની કુલ વસ્તીના 32 કરોડ (41 ટકા) લોકો ગરીબી રેખાથી નીચે હતા.
આવી જ રીતે શહેરી વિસ્તારોના 8.71 કરોડ (27.5 ટકા) લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. એટલે કે તે સમયે દેશની કુલ વસ્તીના લગભગ 40 કરોડ (37.2 ટકા) લોકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરતા હતા. સમિતિએ આ મૂલ્યાંકન પર્ચેજિંગ પાવર પૈરિટી (PPP એટલે ખરીદ શક્તિ સમાનતા) સંબંધિત આંતરરાષ્ટ્રીય વિનિમયના સિદ્ધાંતના આધારે કર્યું હતું. વિશ્વ બેંકે આ જ PPPના આધારે 2005માં 1.25 ડોલરથી ઓછી કમાણી કરનારાઓને ગરીબી રેખા નીચે ગણ્યા હતા. ત્યારબાદ આ કમાણીના આંકડામાં 2021માં ફેરફાર કરી 1.99 કરી દેવાઈ હતી.
2009-10માં ગરીબી રેખાના
તેંડુલકર સમિતિની રીત મુજબ 2009-10માં ગામડામાં મહિને 672.8 રૂપિયા (દૈનિક 22.42 રૂપિયા)ની કમાણી અને શહેરમાં મહિને 859.6 રૂપિયા (દૈનિક 28.6 રૂપિયા)ની કમાણી કરનારા લોકોને ગરીબી રેખાથી નીચેના ગણવામાં આવ્યા હતા. આ નવા આંકલન બાદ ગરીબોની સંખ્યા 29.8 ટકા પર પહોંચી ગઈ હતી. એટલું જ નહીં 2011-12માં ગરીબીની આંકડામાં ધરખમ ઘટાડો થયો અને તે 21.9 ટકા પર પહોંચી ગયો. તે સમયે એવું માનવામાં આવ્યું કે, શહેરમાં રહેનારાઓ સામાન અને સેવા પર દૈનિક 33.33 રૂપિયા તથા ગામડાના લોકો 27.20 રૂપિયા ખર્ચ કરતા હોવાથી, તેઓ ગરીબ નથી.
2013માં નવી સમિતિ, ફરી ગરીબીનું ગણિત બદલાયું
વાસ્તવમાં તેંડુલકર સમિતિનું ગણિત ઘણો અસ્પષ્ટ હતો, અને તેનો અહેસાસ યોજના આયોગને પણ થયો હતો. ત્યારબાદ આયોગે વર્ષ 2013માં વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ અધ્યક્ષ સી.રંગરાજનની આગેવાનીમાં નવી સમિતિની રચના કરી અને સમિતિએ 2014માં ગરીબી રેખાનો નવો તર્ક રજુ કર્યો.
નવી સમિતિએ જીવન જરૂરી અને બિનજરૂરી તમામ બાબતોને ધ્યાને લીધી
નવી સમિતિએ ગરીબી રેખાનો આધાર નક્કી કરવા માટે પોષણ, કપડા, મકાન, ભાડું, પરિવહન ખર્ચ, શિક્ષણ અને બિન ખાદ્ય વસ્તુઓને ધ્યાને લીધી. ત્યારબાદ સૂચન આપ્યું કે, ગામડામાં માથાદીઠ દૈનિક 27 રૂપિયા અને શહેરમાં માથાદીઠ દૈનિક 33 રૂપિયાથી વધુ આવક મેળવનારને ગરીબી રેખાથી ઉપર માનવામાં આવશે. પછી દેશની કુલ 29.5 ટકા વસતી ગરીબી રેખા નીચે આવી ગઈ. આમ ગરીબોનો નવો આંકડો સામે આવ્યો હતો.