Get The App

પોસ્ટ વિભાગે અચાનક બુકપોસ્ટ સેવા બંધ કરી, પુસ્તક-સામયિક વાંચવા મોંઘા પડી શકે છે

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
India Post


India Post : કોમ્યુનિકેશન મંત્રાલયની અંદર આવતાં પોસ્ટલ વિભાગે બુક પોસ્ટની સેવા બંધ કરી છે. જો કે આ માટે પોસ્ટલ વિભાગે અગાઉથી કોઈ સૂચના આપી ન હતી. અગાઉ ગ્રાહકો બુકપોસ્ટ સેવા દ્વારા પાંચ કિલો સુધીના પુસ્તકો રૂ.80માં રજિસ્ટર્ડ બુક પોસ્ટ કરી શક્તા હતા અને લાખો લોકો માટે મોંઘી કુરીયર સેવા સામે બુકપોસ્ટની સેવા એક આશીર્વાદરૂપ હતી. પોસ્ટ વિભાગે અચાનક આ સેવા બંધ કરતાં પુસ્તક-સામયિક પ્રકાશકો અને વાચકોને ફટકો પડ્યો છે. 

ત્રણ ગણો ભાવ વધારો પ્રકાશકો કે વાચકોને વેઠવાનો આવશે

પોસ્ટ વિભાગની આ સેવા પાછળ લોકો ઓછા ખર્ચે પુસ્તકોની આપ-લે કરી શકે તેવો મુખ્ય ઉદ્દેશ હતો. પરંતુ હવે બુકપોસ્ટની સેવા બંધ થતાં ભારતના લાખો ચોપાનિયા, પુસ્તકો અને પખવાડિકો પર આની મોટી અસર વર્તાશે. નવાઈની વાત એ છે કે, આ સેવા જ્યારે બંધ કરી ત્યારે પોસ્ટલ વિભાગના અધિકારીઓને પણ આ સેવા બંધ થવાનો અણસાર સુદ્ધાં પણ આવ્યો નથી. આ સેવા બંધ થતાં બુકપોસ્ટના ભાવ અને કુરીયરના ભાવ વચ્ચે બહુ મોટો ગાળો હોવાથી પબ્લિકેશન ઇન્ડસ્ટ્રીઝમાં બહુ મોટી નિરાશા છવાઈ ગઈ છે. અત્યાર સુધી એક કિલો રજિસ્ટર્ડ બુકપોસ્ટનો એક કિલોનો ભાવ રૂ.32 હતો. જે રજિસ્ટર્ડ પાર્સલમાં રૂ.78 થશે. એ જ રીતે બે કિલોના પાર્સલના રૂ.45ના બદલે સીધા રૂ.116 થશે અને પાંચ કિલોના પુસ્તકોને મોકલવાના હવે રૂ.80ના બદલે સીધા જ રૂ.229 થશે. આમ ત્રણ ગણો ભાવ વધારો પ્રકાશકો કે વાચકોને વેઠવાનો આવશે.

સેમ્પલ બુક પર પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી

આ ઉપરાંત, સેમ્પલ બુક પર પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટીનો પણ એક સુધારો લગાવવામાં આવ્યો છે. આ ડ્યુટી નોન કમર્શિયલ બુક્સ પર લાદવામાં આવી છે. ભારતમાં અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ દ્વારા નાના સામયિક, સામાજિક ચોપાનીયા, સામાજિક ન્યૂઝ લેટર્સ, વ્યવસાયિક અને ઔદ્યોગિક ચોપાનિયા ચાલી રહ્યા છે. જેમને બુકપોસ્ટની સેવાને લીધે કેટલાક અંશે સામયિક ચલાવવા પોસાતા હતા, પરંતુ હવે તેને ચલાવવા વધુ ખર્ચ થશે.

આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજકીય સન્માન સાથે વિદાય, પુત્રીએ આપ્યો મુખાગ્નિ, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

જો કે, પોસ્ટ વિભાગના અધિકારીઓએ આ વાતને આજના આધુનિક સમયમાં કાગળ અને પોસ્ટિંગને ઇન્ટરનેટના વિકલ્પ સામે બિનજરુરી દર્શાવતા આ નિર્ણયને યોગ્ય હોવાનું જણાવ્યું હતું. બુકપોસ્ટની સેવાને કારણે સરકારને કુરીયર સેવાની સામે કેટલાક અંશે ભાર પણ પડતો હતો. તો બીજી તરફ ભારતમાં અનેક સામાજિક સામયિક  એવા છે, જેમના લવાજમ બુકપોસ્ટના ભાવને આધારે આજીવન સભ્યપદના આધારે ચાલતા હતા તેવા સામયિક હવે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મહત્ત્વના ખુલાસા, દરરોજ ખરીદતો હતો નવા સીમ કાર્ડ

ભારતમાં નિયમિત પોસ્ટલ સેવાની શરુઆત 1766માં રોબર્ડ ક્લાઇવ દ્વારા કરવામાં આવી હતી. આઝાદી પછી ભારત સરકારે લોકો વધુ વાંચન કરી શકે એ હેતુથી બુકપોસ્ટની સેવાઓના ભાવને નિયંત્રિત કર્યા હતા. જેનો લાભ 18મી ડિસેમ્બર 2024થી હવે નહીં મળે. જો કે, આ અંગે કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન વિભાગ દ્વારા કોઈ પ્રેસ કોન્ફરન્સ કે જાહેરાત કરવામાં આવી ન હતી.


Google NewsGoogle News