24 વર્ષમાં ભારતીયોની વસતી 40 કરોડ વધી, તો પણ ભાગવતે કેમ વધુ બાળકો પેદા કરવાનું કહ્યું?
India Population Fertility Rate: RSS ચીફ મોહન ભાગવતે વસતી વૃદ્ધિ દરમાં થઈ રહેલા ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે. રવિવારે એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, 'એક મહિલાએ તેના જીવનમાં ઓછામાં ઓછા ત્રણ બાળકોને જન્મ આપવો જોઈએ. જો કોઈ સમાજનો જન્મ દર (ફર્ટિલિટી રેટ) 2.1થી નીચે આવે તો તે સમાજ આપોઆપ ખતમ થઈ જાય છે. ઘણી ભાષાઓ અને સંસ્કૃતિઓ પહેલાથી જ લુપ્ત થઈ ચૂકી છે. તેથી પ્રજનન દર 2.1થી ઉપર રાખવો જરૂરી છે. જો તે 2.1થી નીચે આવી જાય તો તે સમાજના લુપ્ત થવાનું જોખમ વધી જાય છે. આપણા દેશમાં વસતી નીતિ 1998 અથવા 2002માં બનાવવામાં આવી હતી. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, ફર્ટિલિટી રેટ 2.1થી નીચે ન હોવો જોઈએ. તેથી દરેક દંપતીએ ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરવા જોઈએ'
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) પ્રમાણે ભારતમાં કુલ પ્રજનન દર 2.2થી ઘટીને 2.0 પર આવી ગયો છે. કુલ પ્રજનન દરનો અર્થ છે કે સ્ત્રી તેના જીવનકાળમાં કેટલા બાળકોને જન્મ આપે છે અથવા આપી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના દસ્તાવેજ પ્રમાણે પ્રજનન દર 2.1 હોવો જોઈએ. એનું કારણ એ છે કે, પેઢીઓ આગળ વધી શકે.
2050 સુધીમાં ભારતની વસતીમાં 20.8% ભાગીદારી વૃદ્ધોની હશે
જ્યારે 1990-92માં પ્રથમ વખત સર્વે કરવામાં આવ્યો ત્યારે દેશમાં પ્રજનન દર 3.4 હતો. એનો અર્થ એ કે તે સમયે એક મહિલા સરેરાશ 3થી વધુ બાળકોને જન્મ આપતી હતી. પરંતુ ત્યારબાદથી પ્રજનન દર સતત ઘટી રહ્યો છે. પ્રજનન દર ઘટવાની અસર એ થાય છે કે, વૃદ્ધોની વસતી ઝડપથી વધે છે. ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્રએ 'ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023' જારી કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 2050 સુધીમાં ભારતની વસતીમાં 20.8% ભાગીદારી વૃદ્ધોની હશે. વૃદ્ધ એટલે જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, 2010થી ભારતમાં વૃદ્ધોની વસતી ઝડપથી વધી રહી છે. આ કારણે વસતીમાં 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો હિસ્સો ઘટી રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે.
રિપોર્ટ પ્રમાણે 1 જુલાઈ 2022 સુધી દેશમાં વૃદ્ધ લોકોની વસતી 14.9 કરોડ હતી. તે સમયે વસતીમાં વૃદ્ધોનો હિસ્સો 10.5% હતો. પરંતુ 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 34.7 કરોડ થવાનો અંદાજ છે. જો આમ થશે તો તે સમયે ભારતની 20.8% વસતી વૃદ્ધોની હશે. જ્યારે આ સદીના અંત સુધીમાં એટલે કે 2100 સુધીમાં ભારતની 36%થી વધુ વસતી વૃદ્ધ હશે. આ રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, 2022થી 2050 દરમિયાન ભારતની વસતી 18% વધી જશે. જ્યારે વૃદ્ધોની વસતી 134% વધવાનો અંદાજો છે. જ્યારે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસતી 279% વધી શકે છે.
પ્રજનન દર 2050 સુધીમાં 1.7 સુધી પહોંચવાનો અંદાજો
નીતિ આયોગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 1950ના દાયકામાં ભારતમાં દરેક મહિલાએ સરેરાશ 6 બાળકોને જન્મ આપ્યો હતો. વર્ષ 2000 સુધીમાં આ પ્રજનન દર ઘટીને 3.4 થઈ ગયો. 2019-21 વચ્ચે કરવામાં આવેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS-5)માં સામે આવ્યું છે કે, ભારતમાં પ્રજનન દર ઘટીને 2 પર આવી ગયો છે. એટલે કે હવે ભારતીય મહિલાઓ સરેરાશ 2 બાળકોને જન્મ આપી રહી છે. પ્રજનન દર 2050 સુધીમાં 1.7 સુધી પહોંચવાનો અંદાજો છે.
દેશમાં એક તરફ વધુ બાળકો પેદા કરવા પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગની મહિલાઓ ઓછા બાળકો ઇચ્છે છે. NFHS-5 પ્રમાણે મોટાભાગની ભારતીય મહિલાઓ માત્ર એક જ બાળક ઇચ્છે છે. હાલમાં દેશમાં પ્રજનન દર 2.0 છે, જ્યારે મહિલાઓ 1.6 ઇચ્છે છે.
સર્વે પ્રમાણે જેમને બે બાળકો છે તેમાંથી 86% સ્ત્રી-પુરુષો હવે ત્રીજું બાળક નથી ઇચ્છતા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેઓ ઓછું ભણે છે તેઓ વધુ બાળકો ઇચ્છે છે. પરંતુ એવું નથી. ક્યારેય સ્કૂલમાં ન ગયેલી મહિલાઓમાં પ્રજનન દર 2.8 છે, જ્યારે તેઓ 2.2 ઇચ્છે છે.
ભારતીય સમાજમાં છોકરાઓનું છોકરીઓ કરતાં વધુ મહત્ત્વ
ભારતીય સમાજમાં છોકરાઓને છોકરીઓ કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવે છે. મોટાભાગના દંપતીઓને માત્ર છોકરો જ જોઈએ છે. છોકરાની ઇચ્છા સ્ત્રીઓને વધુ બાળકો પેદા કરવા મજબૂર કરે છે. સર્વે પ્રમાણે જે મહિલાઓને પુત્ર નથી તેમાંથી 35% મહિલાઓ ત્રીજું સંતાન ઇચ્છે છે. માત્ર 9% મહિલાઓ જ એવી છે કે જેમને બે છોકરાઓ છે અને તેઓ હજુ પણ બીજું બાળક ઇચ્છે છે.
તેમ છતાં ઝડપથી વધી રહી છે વસતી
છેલ્લી વખત 2011માં વસતી ગણતરી થઈ હતી, ત્યારે ભારતની વસતી 121 કરોડથી વધુ હતી. 2001ની તુલનામાં 2011માં ભારતની વસતી 17.7% સુધી વધી ગઈ હતી. 2001માં દેશની વસતી 102 કરોડ હતી. 2001ની તુલનામાં 2011માં વસતી વૃદ્ધિ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. 1991થી 2001 વચ્ચે જ્યારે ભારતની વસતી 22%થી વધુ વધી હતી, તો બીજી તરફ 2001 અને 2011 વચ્ચે તેમાં 18%થી ઓછો વધારો થયો હતો.
જો કે, વસતી વૃદ્ધિ દરમાં કેટલાક દાયકાઓથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. સૌથી વધુ લગભગ 25% વસતી 1961 અને 1971ની વચ્ચે વધી હતી. હાલમાં ભારતની અંદાજિત વસ્તી 140 કરોડની આસપાસ છે. જો 2011 સાથે સરખામણી કરવામાં આવે તો ભારતની વસ્તી અત્યાર સુધીમાં લગભગ 16% વધી ગઈ છે.
2063 સુધીમાં ભારતની વસતી 1.67 અબજ થઈ જશે
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પ્રજનન દર ઘટી રહ્યો છે તો પછી વસતી કેમ વધી રહી છે? આનો જવાબ છે યુવા વસતી. કેન્દ્ર સરકારનો 'યુથ ઇન ઇન્ડિયા 2022' રિપોર્ટ દર્શાવે છે કે 2021 સુધીમાં ભારતમાં 27% વસતી 15થી 29 વર્ષની વયના યુવાનોની હતી. તેવી જ રીતે 37% વસતી 30થી 59 વર્ષની વય જૂથની હતી. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં જણાવાયું છે કે, યુવાઓ વધુ બાળકો પેદા કરી રહ્યા છે, જેના કારણે ભારતની વસતી વધી રહી છે. 2063 સુધીમાં ભારતની વસતી 1.67 અબજ થઈ જશે. ત્યાબાદ વસતીમાં ઘટાડો શરુ થઈ જશે. કારણ કે પ્રજનન દર ઘટી રહ્યો છે અને યુવાનોની વસતી પણ ઘટી જશે.