ચીનને ચેક-મેટ કરવા ભારતનો માસ્ટર સ્ટ્રોક, ડ્રેગનના પાડોશી ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ મોકલાશે
India-Philippines Brahmos Missile : ભારતે ચીનના પાડોશી દેશ ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. એવું કહેવાય છે કે, 19 એપ્રિલે મિસાઈલની પ્રથમ બેંચની ડિલિવરી કરાશે અને તેને ભારતીય વાયુ સેનાના સી-17 ગ્લોબમાસ્ટર અને રશિયન આઈએલ-76 ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા 19 એપ્રિલે ત્યાં પહોંચાડાશે. આ વિમાન દક્ષિણ ચીન સાગર પરથી પસાર થઈને ફિલિપાઈન્સ પહોંચશે. દક્ષિણ ચીન સાગરના વિવાદીત વિસ્તારમાં ડ્રેગન હંમેશા વિવાદ ઉભો કરતો આવ્યું છે, તેથી બ્રહ્મોસ મિસાઈલને ચીન (China)ને નિયંત્રણ કરવામાં મદદ મળશે.
19 એપ્રિલે ફિલિપાઈન્સ પહોંચશે મિસાઈલ
યુરેશિયન ટાઈમ્સે ભારતીય વાયુસેનાના એક અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે, બ્રહ્મોસ મિસાઈલ શુક્રવારે ફિલિપાઈન્સ પહોંચ્યા બાદ તેની સંપૂર્ણ સિસ્ટમ આગામી સપ્તાહ સુધીમાં એક્ટિવ થઈ શકે છે. ત્યારબાદ મિસાઈલની સિસ્ટમ જાણવા માટે ફિલિપાઈન્સ સશસ્ત્ર દળને તાલીમ અપાશે. મનીલા બુલેટીને ડિલીવરી સંબંધિત એક સૂત્રનો ટાંકીને કહ્યું કે, આ મિસાઈલ ક્લાર્ક આંતરરાષ્ટ્રીય વિમાની મથકે 19 એપ્રિલે પહોંચવાની સંભાવના છે.
ફિલિપાઈન્સે ભારત પાસેથી મિસાઈલ કેમ ખરીદી?
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય મિસાઈલ સિસ્ટમ કથિર રીતે ચીનના આક્રમણનો મુકાબલો કરવા માટે મોકલવામાં આવી રહી હોવાની પુષ્ટી કરવામાં આવી છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, ભારતીય મિસાઈલથી ફિલિપાઈન્સ સેના (AFP)માં પણ ઉત્સાહ છે. જોકે એએફપી અને રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગે હજુ સુધી આ બાબતની પુષ્ટી કરી નથી. જોકે ફિલિપાઈન્સ સેના વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસને ફિલિપાઈન્સ મરીન કૉર્પ્સ (PMC)માં સામેલ કરવા માટે ઉત્સુક હતી.
મિસાઈલોથી ફિલિપાઈન્સની નેવી વધુ મજબૂત થશે
ફિલિપાઈન્સને દક્ષિણ ચીની સમુદ્રની જળસીમાને લઈને ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ મિસાઈલોથી ફિલિપાઈન્સની નેવી વધુ મજબૂત થશે અને ચીનને પડકાર ફેંકવામાં સક્ષમ બનશે. કૂટનીતિની રીતે પણ આ સોદો ખૂબ જ મહત્વનો સાબિત થશે. ઉલ્લેખનિય છે કે, 2022ના રિપોર્ટ મુજબ ભારત-ફિલિપાઈન્સ વચ્ચે 37.4 કરોડ ડોલર એટલે કે અંદાજે 28 અબજ રૂપિયાનો કરાર થયો છે. તે સમયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ અને ફિલિપાઈન્સની નેવી વચ્ચે કરાર થયો હતો.
બ્રહ્મોસ મિસાઈલની તાકાત
બ્રહ્મોસ મિસાઈલ ભારત-રશિયાનું સંયુક્ત સાહસ છે. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ લડાકુ વિમાનો, યુદ્ધજહાજ અને સબમરીન એમ ત્રણેય રીતે લોંચ થઈ શકે છે. તેને જમીન પરથી કે યુદ્ધજહાજ-લડાકુ વિમાનના પ્લેટફોર્મ પરથી ફાયર કરી શકાય છે.