Get The App

ટ્રમ્પના શપથમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ભડક્યું

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પના શપથમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ભડક્યું 1 - image


- ખાલિસ્તાની પન્નુ ટિકિટ લઈ સમારંભમાં પહોંચ્યાનો દાવો

- ભારતની સુરક્ષા પર અસર કરતી પ્રવૃત્તિઓનો મુદ્દો અમેરિકન સરકાર સામે ઉઠાવીશું : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ નહોતું અને તેમના બદલે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોેકે, ટ્રમ્પના શપથ સમારંભમાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હાજરીના અહેવાલોથી ભારત ભડક્યું છે. ભારતે અમેરિકન સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવાશે તેમ જણાવ્યું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારંભમાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુ હાજર રહ્યો હોવા અંગેના કેટલાક મીડિયા અહેવાલ અને તેની તસવીરો સામે આવી છે. ટ્રમ્પના શપથ સમારંભમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ ના અપાયું હોય ત્યારે ભારતના દુશ્મન ખાલિસ્તાની આતંકી પન્નુને કેવી રીતે આમંત્રણ અપાયું અને આવી નીતિ અપનાવી અમેરિકા ભારત સાથે શું ખેલ ખેલી રહ્યું છે તે સવાલો સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે. જોકે, આ વાત સામે આવતા ભારતે પન્નુની હાજરી મુદ્દે વાંધો ઉઠાવ્યો છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત આ મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવશે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી બાબતો ભારત અમેરિકા સમક્ષ ઉઠાવતો રહેશે. કોઈપણ ભારત વિરોધી પ્રવૃત્તિ હોય તો અમે અમેરિકન સરકાર સમક્ષ આ બાબત ઉઠાવીએ છીએ. ભારત વિરોધી એજન્ડા ધરાવતી અને ભારતે જેને આતંકી જાહેર કર્યો હોય તે પન્નુ પ્રમુખ ટ્રમ્પના શપથ સમારંભમાં કેવી રીતે હાજર રહી શકે તે અંગે અમે અમેરિકન સરકારને સવાલ પૂછીશું.

ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ અમેરિકા અને કેનેડા બંનેની નાગરિક્તા ધરાવે છે. તેણે ટ્રમ્પના શપથ સમારંભમાં હાજરી આપી હતી. તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોકે, કેટલાક મીડિયા અહેવાલો મુજબ પન્નુને કાર્યક્રમમાં આમંત્રણ અપાયું નહોતું, પરંતુ તેણે કોઈકના સંપર્ક મારફત ટિકિટ ખરીદીને હાજરી આપી હતી. ટ્રમ્પના શપથની ઊજવણીમાં ભીડ 'અમેરિકા, અમેરિકા'નો સૂત્રોચ્ચાર કરી રહી હતી ત્યારે પન્નુ ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતો દેખાયો હતો.


Google NewsGoogle News