ચીનની આ ખતરનાક ચાલને જોતા ભારતે ટાળ્યું અગ્નિ મિસાઈલનું પરીક્ષણ
ચીની સેનાએ ટ્રેકિંગ શિપને હિંદ મહાસાગરમાં મોકલતા ભારતે પરીક્ષણ ટાળ્યું
ભારતે બંગાળની ખાડીમાં 10 અને 11 નવેમ્બર માટે નો-ફ્લાય ઝોન જાહેર કર્યો હતો
નવી દિલ્હી, તા. 8 નવેમ્બર 2022, મંગળવાર
ભારતે બંગાળની ખાડીમાં પોતાના અગ્નિ મિસાઈલનું પરિક્ષણ ટાળી દીધું છે. માનવામાં આવે છે કે, ચીનના જાસૂસી જહાજ યૂઆન વાંગ-6 દ્વારા ખતરો હોવાનું મનાતા ભારતે આ પરીક્ષણને મોકૂફ રાખ્યું છે. ચીનની સેનાએ પોતાના મિસાઈલ અને સેટેલાઈટની ટ્રેકિંગ કરતા આ જહાજને ઈન્ડોનેશિયા પાસેથી હિંદ મહાસાગરમાં મોકલ્યું છે. આ અગાઉ ભારતે કહ્યું હતું કે, તે તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ચીનના જાસૂસી જહાજને ઘૂસવા દેશે નહીં. દક્ષિણ ચીન સાગરમાં પોતાની દાદાગીરી દેખાડી રહેલું ચીન હવે હિંદ મહાસાગર પર નજર ટેકવી રહ્યું છે.
ચીનનું જાસૂસી જહાજ કેટલું શક્તિશાળી ?
ચીનના યુઆન વાંગ-6 જાસૂસી જહાજ 22,000 ટનનું છે. આ જહાજમાં વિશાળ એન્ટેના તેમજ અત્યાધુનિક સર્વેલન્સ સાધનો અને સેન્સર ટેકનોલોજીથી સજ્જ છે. જે ઇલેક્ટ્રોનિક જાસૂસી, સેટેલાઇટનું લોન્ચિંગની દેખરેખ અને લાંબા અંતરની મિસાઇલોના ભ્રમણકક્ષાના માર્ગને ટ્રેક કરવા માટે અસરકારક છે. ચીનનું આ જહાજ ઈન્ડોનેશિયાના બાલી નજીક જોવા મળ્યું હતું. અગાઉ ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે, ભારત ચીનના જહાજ પર ગંભીરતાથી નજર રાખી રહ્યું છે. ચીનનું આ જહાજ 400 ક્રૂ મેમ્બર સાથે PLAના સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સનો એક હિસ્સો છે. યુઆન વાંગ-6 જાસૂસી જહાજ સુંડા સ્ટ્રેટ દ્વારા હિંદ મહાસાગરમાં ઘૂસ્યું છે.
અગાઉ ભારતે નોટિસ જારી કરી હતી
અગાઉ ભારતે નોટમ અથવા નોટિસ જારી કરી હતી અને બંગાળની ખાડીમાં 10 નવેમ્બર અને 11 નવેમ્બર માટે નો-ફ્લાય ઝોનની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, ભારતે તાજેતરમાં જ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. અહેવાલો મુજબ ભારતની સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અગ્નિ મિસાઈલનું યુઝર ટ્રાયલ કરવાની તૈયારીમાં હતી.
હિંદ મહાસાગરમાં લોજિસ્ટિક સપોર્ટ બેઝ શોધી રહ્યું છે ચીન
ચીની નૌકાદળ 355 યુદ્ધ જહાજ અને સબમરીનથી સજ્જ છે અને આ માટે ચીન હિંદ મહાસાગરમાં લોજિસ્ટિક સપોર્ટ બેઝ શોધી રહ્યું છે. આ પહેલા ચીને આફ્રિકન દેશ જીબુતીમાં પોતાનું પહેલું વિદેશી સૈન્ય મથક બનાવ્યું હતું. ચીન કંબોડિયા, સેશેલ્સ અને મોરેશિયસમાં તેના યુદ્ધ જહાજો માટે લોજિસ્ટિક સપોર્ટ બેઝ બનાવવા માંગે છે, જેમાં પાકિસ્તાનના કરાચી અને ગ્વાદરમાં પહેલાથી જ ચીન માટે સુવિધા ઉપલબ્ધ છે.