દેશના મજબૂત વિકાસ માટે 'ધાકડ' સરકાર જરૂરી, ચૂંટણી રેલીમાં PM મોદીએ આપ-કોંગ્રેસને પણ લપેટી
Lok Sabha Elections 2024 | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે, આ લોકસભા ચૂંટણી ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા મજબૂત અને સ્થિર સરકારની પસંદગી કરવા માટે છે. દેશના અર્થતંત્રને એવા લોકોથી બચાવવાનો છે, જેમની આર્થિક નીતિઓથી ભારત દેવાળીયાની સ્થિતિમાં પહોંચી ગયું હતું. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370નો મુદ્દો ઉઠાવતા મોદીએ ફરી કહ્યું કે, તેમની ધાકડ સરકારે કલમ 370ની દિવાલ પાડી દીધી.
લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં સૌપ્રથમ રેલી કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ચૂંટણી એ પરંપરા અને વિચારસરણીને હરાવવા માટે છે, જેણે વર્ષો સુધી પરિવારવાદને પ્રોત્સાહન આપતા ભારતના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. આ ચૂંટણી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન સરળ બનાવવા અને તેમના જીવનમાં ખુશીઓ લાવવા માટેની સરકાર પસંદ માટે છે.
દિલ્હીમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનની ટીકા કરતા મોદીએ કહ્યું, અહીં વિકાસ કાર્યો વચ્ચે ઈન્ડિયા ગઠબંધન દિલ્હીને બરબાદ કરવામાં લાગેલું છે. તેઓ દિલ્હીના લોકોને લૂંટવાની કોઈ તક છોડી નથી રહ્યા. આ લોકો ભ્રષ્ટાચાર ખતમ કરવાના નામે આવ્યા હતા, પરંતુ આજે તેઓ કરોડો રૂપિયાના કૌભાંડના કારણે જેલમાં કેદ છે. તેમણે કોંગ્રેસ અને આપના જોડાણને તકવાદી ગણાવ્યું હતું. કોંગ્રેસ પર વોટ બેન્કના રાજકારણનો આક્ષેપ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસે રાજધાનીના પ્રાઈમ લોકેશન પરની 123 મિલકતો વકફ બોર્ડને સોંપી દીધી હતી.
નેશનલ વોર મેમોરિયલના નિર્માણનો મુદ્દો ઉઠાવતા મોદીએ કહ્યું કે, આઝાદી પછી જવાનો નેશનલ વોર મેમોરિયલની માગ કરતા રહ્યા પરંતુ દેશનું દુર્ભાગ્ય હતું કે મોદી આવ્યો નહીં ત્યાં સુધીની સરકારો દેશના વીર જવાનોના સન્માનમાં વોર મેમોરિયલ બનાવવાનું મહત્વ સમજી નહીં. 'પોલીસ મેમોરિયલ' માટે પણ દેશની પોલીસે 70 વર્ષ રાહ જોવી પડી છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો મુદ્દો ઉઠાવતા મોદીએ કહ્યું કે, તેમની ધાકડ સરકારે કલમ 370ની દિવાલ પાડી દીધી હતી. જેના પરિણામે જમ્મુ-કાશ્મીર હવે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. કોંગ્રેસનો ઈતિહાસ ભારતના દળો અને જવાનોને દગો આપવા માટે જાણિતો છે. આર્મીના જીપ કૌભાંડનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસનું સૌથી પહેલું કૌભાંડ આર્મીમાં હતું.
હરિયાણામાં લોકસભા ચૂંટણીની પહેલી રેલીને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ ખુલ્લેઆમ રામ મંદિરને અર્થહીન માને છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેવી રીતે ઉલટાવી શકાય અને રામલલાને ફરીથી ટેન્ટમાં મોકલી શકાય તે અંગે ચર્ચા કરવાની જરૂર છે.