આ છે ભારતનો સૌથી મોંઘો રસ્તો, આવવા - જવા પર લાગે છે આટલો ખર્ચ
Mumbai-Pune Expressway: દેશના એક શહેરમાંથી અન્ય શહેરમાં જવા માટે હાઈવે અથવા એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવો પડે છે. અને આ રાષ્ટ્રીય માર્ગ પરથી પસાર થવા માટે ટોલ ચાર્જ ચૂકવવો પડે છે. દરેક હાઇવે અથવા એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાજાના ચાર્જ પણ અલગ-અલગ હોય છે.
અન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોની તુલનાએ વધુ ટોલ
મીડિયા રિપોર્ટ પ્રમાણે બે મોટા શહેરોને જોડતો મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway)સૌથી મોંઘો રસ્તો છે. આ અન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોની તુલનાએ વધુ ટોલ ટેક્સ વસૂલ કરે છે, જેના કારણે તે ભારતનો સૌથી મોંઘો એક્સપ્રેસ વે કેહવામાં આવે છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ફોર-વ્હીલર માટે બે શહેરો વચ્ચે વન-વે મુસાફરી માટે 320 રૂપિયા ટોલ વસુલવામાં આવે છે.
રિપોર્ટ પ્રમાણે પ્રતિ કિલોમીટર ટોલ 3.40 રૂપિયા છે, જે દેશના અન્ય એક્સપ્રેસ વેના સરેરાશ ટોલ ટેક્સની તુલનામાં 1 રૂપિયા પ્રતિ કિલોમીટર વધુ છે.મહારાષ્ટ્ર રાજ્ય રોડ વિકાસ નિગમ દ્વારા બનાવવામાં આવેલ મુંબઈ-પુણે એક્સપ્રેસવે દેશનો પ્રથમ એક્સેસ કંટ્રોલેડ રોડ છે.
બે શહેરો વચ્ચેની મુસાફરીનો સમય 3 કલાકથી ઘટીને માત્ર 1 કલાક થયો
આ એક્સપ્રેસવેના કારણે બે શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય 3 કલાકથી ઘટીને માત્ર 1 કલાક થઈ ગયો છે. ટોલમાં વાર્ષિક 6% વધારો કરવામાં આવે છે, પરંતુ દર ત્રણ વર્ષે પછી તેને 18% ના દરે લાગુ કરવામાં આવે છે.
માહિતી મુજબ છેલ્લે એપ્રિલ 2023માં ટોલ ટેક્સમાં સુધારણા કરવામાં આવ્યા હતો. જેમા ટોલ રૂ. 270 થી વધારીને રૂ. 320 તેમજ મિની બસ અને ટેમ્પો જેવા વાહનો માટે હાલમાં રૂ. 420 હતા તેના બદલે રૂ. 495 કરવામાં આવ્યો હતો. ડબલ-એક્સલ ટ્રક માટેનો ટોલ રૂ. 585 હતો, જેને વધારીને રૂ. 685 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બસ માટે ટોલ ટેક્સ 797 રૂપિયા હતો, જે વધારીને 940 રૂપિયા કરવામાં આવ્યો છે.