માલદીવની સાન ઠેકાણે આવી, ચીનમાં ફરી રહેલા પ્રમુખ મુઈજ્જુને હવે ભારત આવવું છે
માલદીવ સરકારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની ભારત યાત્રાનો પ્રસ્તાવ રાખ્યો
રાષ્ટ્રપતિ પહેલા ભારત આવતા, પરંતુ મોઈજ્જૂએ પહેલા અન્ય દેશોની મુલાકાત લીધી
India-Maldives Row : માલદીવે ભારત સાથે વિવાદ સર્જ્યા બાદ હવે તેમના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ (President Mohamed Muizzu) ભારત આવી શકે છે. તેમની સરકારે આ મહિનાના અંતે મુઈજ્જૂની ભારત યાત્રાનો પ્રસ્તાવ રાખ્યો છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ (PM Modi Lakshadweep Visit)ની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંના દરીયાકાંઠાની તસવીરો શેર કરી લોકોએ વિદેશના બદલે દેશમાં જ ફરવાની અપીલ કરી હતી, જેને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ માલદીવ માટે ઝટકો ગણાવ્યો હતો. ત્યારબાદ માલદીવના મંત્રીઓએ ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
મોઈજ્જૂ સરકારનો ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ
મોહમ્મદ મુઈજ્જૂ રાષ્ટ્રપતિ બન્યા બાદ સતત બેકફુટ પર ધકેલાતા જોવા મળી રહ્યા છે. તેમના મંત્રીઓના નિવેદન બાદ ભારત-માલદીવના સંબંધોને પણ ઝટકો લાગ્યો છે. કેટલાક બૉલીવુડ સેલિબ્રિટી અને સામાન્ય લોકો પણ નારાજ થયા છે. ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર #BycottMaldives ખુબ ટ્રેડ થઈ રહ્યું છે. આ મામલે મુઈજ્જૂ સરકારે પણ કાર્યવાહી કરી ટિપ્પણી કરનાર 3 મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હવે મોઈજ્જૂ સરકાર ભારત સાથે બગડેલા સંબંધો ફરી કાયમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અગાઉ પણ પ્રસ્તાવ રખાયો હતો, પણ મોઈજ્જૂ ભારત ન આવ્યા
મુઈજ્જૂ ગત વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ બન્યા હતા. સત્તામાં આવ્યા બાદ તેમણે અત્યાર સુધીમાં તૂર્કેઈ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ચીનનો પ્રવાસ કર્યો હતો, પરંતુ અગાઉના નવનિયુક્ત રાષ્ટ્રપતિ સૌથી પહેલા ભારતનો પ્રવાસ કરતા હતા. મુઈજ્જૂ સરકારના મંત્રીઓના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે વર્તમાન રાજકીય સંકટ ઉભુ થયું, તે પહેલા ભારત મુલાકાતનો પ્રસ્તાવ રખાયો હતો, જોકે તેઓ ભારત આવ્યા ન હતા.