ભારતનો આ જિલ્લો ખેડૂતો માટે ‘સુસાઈડ કેપિટલ’ બન્યું, એક વર્ષમાં 132ની આત્મહત્યા
Maharashtra Farmers Suicide Data : ખેડૂતોની આત્મહત્યા પર સતત ચર્ચા ચાલી રહી છે, સરકારો બદલાતી રહે છે, પરંતુ ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ અટકવાના નામ લેતા નથી. દરેક સરકાર પોતાને ખેડૂતોની હિતેચ્છુ ગણાવે છે, છતાં ખેડૂતો પોતાનો જીવ આપી રહ્યા છે. શા માટે તેમની અવગણના કરવામાં આવે છે? આ એક મોટો પ્રશ્ન છે. સૌથી મોટો ચિંતાનો વિષય દેશનું મહારાષ્ટ્ર રાજ્ય છે, જ્યાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. એટલું જ નહીં રાજ્યનું યવતમાલ જિલ્લો ‘સુસાઈડ કેપિટલ’ તરીકે બદનામ થઈ ગયું છે. જોકે આ વખતે તેનાથી પણ વધુ અમરાવતી જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા દર વર્ષે વધી
મહારાષ્ટ્ર સરકારના ડેટા મુજબ છેલ્લા પાંચ મહિનામાં (જાન્યુઆરીથી મે) અમરાવતી જિલ્લામાં 143, જ્યારે યવતમાલમાં 132 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વર્ષ 2021 પહેલા યવતમાલ ‘સુસાઈડ કેપિટલ’ તરીકે બદનામ હતું. જોકે ત્યારબાદ સૌથી વધુ અમરાવતીમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. અહીં વર્ષ 2021માં 370, 2022માં 349 અને 2023માં 323 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જ્યારે યવતમાલમાં 2021માં 290, 2022માં 291 અને 2023માં 302 ખેડૂતોએ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
આત્મહત્યાનું કારણ ઊપજમાં ઘટાડો?
યવતમાલની સરહદે અમરાવતીમાં કપાસ અને સોયાબીનની ખેતી થાય છે. જિલ્લાના કેટલાક ભાગોમાં પ્રખ્યાત નાગપુરી નારંગીની પણ ખેતી કરવામાં આવે છે. સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે, અમરાવતીના ખેડૂતોએ જ્યારે સોયાબીનની ખેતી શરૂ કરી, તો ઊપજમાં ઘણો ઘટાડો થયો હતો. ગત વર્ષે સોયાબીનના પ્રતિ ક્વિન્ટર ભાવ ગગડીને 4000 પર પહોંચી ગયા હતા. બેંકની લોન ન મળવાના કારણે ઘણાં ખેડૂતો નાની ફાઈનાન્સ કંપનીઓ અને શાહુકાર પર નિર્ભર રહે છે, જેના કારણે તેમણે કડક વસૂલીનો સામનો કરવો પડે છે.
રાજ્યના છ જિલ્લામાં સૌથી વધુ આત્મહત્યાઓ
મહારાષ્ટ્ર સરકાર વર્ષ 2021થી વિદર્ભના છ જિલ્લાઓ - અમરાવતી, અકોલા, યવતમાલ, વાશિમ, બુલઢાણા અને વર્ધામાં આત્મહત્યા કરનારા ખેડૂતોનો ડેટા મેઈન્ટેન કરે છે. આ છ જિલ્લામાં આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા વધુ છે. છેલ્લા બે દાયકામાં આ જિલ્લાઓમાં 22000થી વધુ આત્મહત્યાઓ થઈ છે. આ વર્ષના પાંચ મહિનામાં કુલ 486 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અમરાવતીમાં 143માંથી 33 ખેડૂતોએ કૃષિ સંકટના કારણે આત્મહત્યા કરી છે, જ્યારે 100 કેસની તપાસ ચાલી રહી છે. યવતમાલમાં 132માંથી 34 ખેડૂતોએ પણ કૃષિ સંકતના કારણે જીવન ટૂંકાવ્યું છે, જ્યારે 66 કેસ તપાસ હેઠળ છે.
(નોંધ : જો તમને અથવા તમારા પરિચિતને મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, તો આ બાબત ખુબ જ ગંભીર મેડિકલ ઈમરજન્સી છે અને તેમણે તુરંત ભારત સરકારના જીવનસાથી હેલ્પલાઈન નં.18002333330 પર સંપર્ક કરવો જોઈએ. તમે ટેલિમાનસ હેલ્પલાઇન નં.1800914416 પર પણ કૉલ કરી શકો છો. અહીં તમારી ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે અને નિષ્ણાંતો તમને આત્મહત્યા કરવાના વિચારોમાંથી બહાર લાવવા માટે મહત્વપૂર્ણ સલાહ આપશે.)