ભારતીય સેનાનું ફાઈટર પ્લેન હવે રસ્તો નહીં ભટકે! તૈયાર કરાયો સ્વદેશી ડિજિટલ મેપ, અગાઉથી જ મળી જશે અલર્ટ
હવે કોઈ ફાઈટર વિમાન રસ્તો નહી ભટકે. હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડે સ્વદેશી ડિજિટલ મેપ કર્યો તૈયાર
પાયલટ ઉડાન ભરતી વખતે તેના કોકપીટ ડિસ્પ્લે પર નકશો જોઈ શકશે જેના કારણે નેવિગેશન જોવામાં મળશે મદદ
Made In India Digital Map For IAF Fighter Planes: હાલમાં બાઈક, કાર કે બસ ચલાવતી વખતે રસ્તાઓ શોધવા માટે ગૂગલ મેપના લોકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્લેન પણ ગૂગલ લોકેશનના સહારે ઉડાન ભરશે. પહેલા લડાકુ વિમાનમાં મેન્યુઅલ મેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ ડિજિટલ મેપ લડાકુ વિમાનના પાઈલટ માટે ઘણી મુશ્કેલીઓ હળવી કરશે. મુખ્ય એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ફાઇટર જેટ ટૂંક સમયમાં ડિજિટલ નકશાથી સજ્જ કરવામાં આવશે જેથી પાઇલોટ્સ રસ્તો ભટકે નહિ. જેના કારણે હવે કોઈ પાઈલટ ભૂલથી પણ સરહદ પાર નહીં કરે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો ડિજિટલ મેપ
HALના અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ હવે કોઈ પાઈલટ ભૂલથી પણ સીમા ઓળંગશે નહીં. હવે પાઇલોટ્સ ગ્રુપ કેપ્ટન અભિનંદનની જેમ તેઓ રસ્તો ભૂલશે નહીં. હવે કોઈપણ પાઈલટ પાસે મેન્યુઅલ મેપ નહીં હોય. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે પાઇલટ્સ માટે ડિજિટલ મેપ તૈયાર કર્યો છે. તેના સોફ્ટવેર અને હાર્ડવેર, બધું જ સ્વદેશી છે. આ લોકલ મેપ વિસ્તારની સાથે પહાડી વિસ્તારની પણ માહિતી આપશે. આ સિસ્ટમ દ્વારા પાયલોટને ખબર પડશે કે એરક્રાફ્ટને કેટલી ઉંચાઈ પર રાખવું જોઈએ અને તે કેટલુ નીચે જઈ શકે છે.
મેપ 2D તેમજ 3Dમાં ઉપલબ્ધ હશે
મેપ 2D અને 3Dમાં ઉપલબ્ધ હશે. જો પાયલોટ પહાડી વિસ્તારોમાં હોય તો તેમને અગાઉથી એલર્ટ કરવામાં આવશે. જેનાથી ઊંચા પહાડી વિસ્તારોમાં અકસ્માતની શક્યતા ઘટાડી શકાય. ડિજિટલ મેપ દુશ્મનના સૈન્ય મથકો અને એર ડિફેન્સ સિસ્ટમ વિશે પણ જણાવશે. ડિજિટલ મેપ ભારતમાં ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઈન અને પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે.