મકાનોના ભાવમાં ધરખમ વધારો, આ શહેરોમાં ડબલ ડિજિટમાં કિંમતો વધતા માગ 11 ટકા ઘટી
Image: FreePik |
Housing Price Rise, Demand Down: ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં દિલ્હી-એનસીઆર અને બેંગ્લુરૂમાં મકાનોની કિંમત વાર્ષિક ધોરણે 29 ટકા વધી છે. રિયલ એસ્ટેટ એડવાઝર એનારોકના આંકડાઓ અનુસાર, ઉત્પાદન ખર્ચમાં સતત વૃદ્ધિ અને લકઝરી ઘરોના પુરવઠોમાં વધારો થતાં મકાનોની કિંમત વધી છે.
શું કહે છે રિપોર્ટ?
એનારોકના રિપોર્ટ મુજબ, દિલ્હી-એનસીઆરમાં મકાનોની સરેરાશ કિંમત જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 29 ટકા વધી રૂ. 7200 પ્રતિ વર્ગફૂટ થઈ છે. જે એક વર્ષ પહેલાં સમાન ગાળામાં રૂ. 5570 પ્રતિ વર્ગફૂટ થઈ હતી. બેંગ્લુરૂમાં ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ઘરની કિંમત 29 ટકા વધી રૂ. 8100 પ્રતિ વર્ગફૂટ થઈ છે. જે ગતવર્ષે રૂ. 6275 પ્રતિ વર્ગફૂટ હતી.
આ શહેરે તોડ્યો રેકોર્ડ
હૈદરાબાદમાં મકાનોની કિંમતોમાં સૌથી વધુ 32 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જે ગતવર્ષે રૂ. 5400 સામે વધી આ ત્રિમાસિકમાં રૂ. 7150 પ્રતિ વર્ગફૂટ થઈ છે. મુંબઈમાં સરેરાશ કિંમત રૂ. 13150 પ્રતિ વર્ગફૂટ સામે 24 ટકા વધી રૂ. 16300 પ્રતિ વર્ગફૂટ થઈ છે. પુણેમાં ભાવ રૂ. 6550 સામે 16 ટકા વધી રૂ. 7600 પ્રતિ વર્ગફૂટ થયો છે. ચેન્નઈમાં ભાવ 16 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6680 પ્રતિ વર્ગફૂટ થયો છે. કોલકાતામાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભાવ 14 ટકા વધી રૂ. 5700 પ્રતિ વર્ગફૂટ થયા છે. જે ગતવર્ષે રૂ. 5000 પ્રતિ વર્ગફૂટ હતા.
આ પણ વાંચોઃ સોનાની આયાત ઓગસ્ટમાં ત્રણ ગણાથી વધુ વધીને વિક્રમી 10.1 અબજ ડોલરની સપાટીએ
ભાવમાં વૃદ્ધિ પાછળનું કારણ
બેંગ્લુરૂ સ્થિત રિયાલ્ટી ફર્મ વૈષ્ણવી ગ્રુપના ડિરેક્ટર દર્શન ગોવિંદ રાજૂએ જણાવ્યું હતું કે, મકાનોની કિંમત છેલ્લા થોડા ત્રિમાસિકથી સતત વધી રહી છે. જેની પાછળનું કારણ કુલ ઉત્પાદન ખર્ચમાં વધારો છે. જમીનોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ લકઝરી ઘરોની માગ વધતાં ભાવમાં ઉછાળો નોંધાયો છે.
આ 7 શહેરોમાં ભાવ વધ્યા
ટોચના સાત શહેરોમાં સરેરાશ રહેણાંક મિલકતના ભાવમાં વાર્ષિક ધોરણે સામૂહિક રીતે 23 ટકાનો વધારો થયો છે. તે 2023ના ત્રીજા ત્રિમાસિકમાં પ્રતિ ચોરસ ફૂટ રૂ 6,800થી વધી 2024ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ 8,390 પ્રતિ ચોરસ ફૂટ થયા છે.
મકાનો વેચાણ 11 ટકા ઘટ્યા
જુલાઈ-સપ્ટેમ્બરમાં મકાનોના વેચાણ 11 ટકા ઘટીને 1,07,060 યુનિટ થયા હતાં. ગત વર્ષ 1,20,290 યુનિટ મકાન વેચાયા હતા. ટોચના સાત શહેરોમાં નવા મકાનોના પુરવઠામાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઇ-સપ્ટેમ્બરમાં નવા મકાનોની ઓફર 93,750 યુનિટ રહી હતી, જે 2023માં સમાન સમયગાળામાં 1,16,220 યુનિટ હતી.