વિશ્વભરમાં વ્યાપી ગંભીર સંકટો વચ્ચે પણ ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે : રાષ્ટ્રપતિ મુર્મુ
- 24 કરોડ ભારતીયો ગરીબીની રેખા પરથી ઉપર આવ્યા છે
- અંદાજપત્ર સત્રનું ઉદ્ધાટન કરતાં સુશ્રી દ્રૌપદી મુર્મુએ જ્યારે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો ત્યારે સંયુક્ત સત્રમાં સૌ કોઈએ તેને હર્ષનાદોથી વધાવી લીધો
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં પ્રવચન સાથે, આજથી અંદાજપત્ર સત્રનો પ્રારંભ થયો છે. તેઓએ કહ્યું દુનિયા જ્યારે ગંભીર સંકટોમાંથી પસાર થઇ રહી છે ત્યારે ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે. તેઓએ કહ્યું : સંસદનાં નવાં ગૃહમાં મારૂં આ પહેલું સંબોધન છે. અહીં સંસદીય પરંપરાઓનાં ગૌરવ અને એક ભારત શ્રેષ્ઠ ભારતની મહેક છે. રાષ્ટ્રમાં ૨૫ કરોડ ભારતીયો, ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે. ત્રણ તલાક વિરૂદ્ધ મારી સરકારે કડક કાનૂન બનાવ્યા છે. ભારત ચંદ્ર ઉપર તેના દક્ષિણ ધુ્રવ પર પોતાનો ધ્વજ ફરકાવી શક્યું છે. આમ કરનાર આપણે વિશ્વમાં સૌથી પહેલો દેશ બન્યા છીએ. જી-૨૦ની સફળતાએ વિશ્વભરમાં ભારતની ભૂમિકાને સશક્ત કરી છે.
રાષ્ટ્રપતિએ જ્યારે રામ મંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જેની સદીઓથી રાહ જોવાતી હતી તે હવે થઇ શક્યું છે. રાષ્ટ્રપતિએ જ્યારે આમ કહ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સર્વ કોઇએ પાટલીઓ થપથપાવી હર્ષનાદો કર્યા હતા. તેઓએ નારી શક્તિ વંદના અધિનિયમનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું તેથી સંસદનાં બંને ગૃહોમાં મહિલાઓની સંખ્યા વધશે જ. આ સાથે, તેમણે જ્યારે કહ્યું કે અનુચ્છેદ ૩૭૦ હવે એક ઇતિહાસ બની ગયો છે. ત્યારે ફરી તાળીઓના ગડગડાટ થયા હતા. યુવાનો વિષે બોલતાં તેઓએ કહ્યું યુવાનોને માત્ર સરકારી નોકરીઓ જ વધુ નથી મળી પરંતુ સ્ટાર્ટઅપ્સે અનેક યુવાનોનાં કુટુંબમાં પરિવર્તન કરી દીધું છે.
એશિયાઈ રમતોત્સવનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું આપણા યુવાનો અને યુવતીઓ ૧૦૦થી વધુ ચંદ્રકો મેળવી ચુક્યા છે. આરટીઆઈ ફાઇલ કરનારની સંખ્યા જે પહેલાં ૩ કરોડ હતી તે વધીને ૮ કરોડ થઇ છે.
5-G વિષે કહેતાં જણાવ્યું કે 5-G રોલ આઉટ કરનારો ભારત પહેલો દેશ બન્યો છે. આ સાથે તેઓએ મેઇક ઇન ઇંડીયા ડીજીટલ ઇંડીયા અને એક દેશ એક ટેક્ષ કાનૂની તથા બેંકોની વાત કરતાં કહ્યું તેની એનપીએ ઘટીને ૪% જેટલી થઇ છે.
રાષ્ટ્રપતિએ તેઓનાં સંબોધનમાં વિકસિત ભારતના જ ૪ સ્તંભો કહ્યા. વિકસિત ભારત આ ચાર સ્તંભો ઉપર ઉભું છે તે છે (૧) યુવા શક્તિ (૨) નારી શક્તિ (૩) કીસાન શક્તિ (૪) અકિંચન (દરિદ્ર) શક્તિ.
સુશ્રી દ્રૌપદી મુર્મુએ વધુમાં કહ્યું આ વર્ષનાં બીજાં, ત્રણ વર્ષના ગાળામાં વિકાસદર ૭.૫ ટકા સિધ્ધ કર્યો છે. ઉજ્જવલા યોજના પર ૨.૫ લાખ કરોડનો ખર્ચ થયો છે. લગભગ ગામે ગામ વીજળી પહોંચી છે. તેમજ ગરીબોને સસ્તુ અનાજ મળે તે માટે ૨૦ લાખ કરોડનો ખર્ચ કરાયો છે. આયુષ્યમાન યોજના નીચે નિ:શુલ્ક ઉપચારની વ્યવસ્થા થઇ શકી છે. ૧૧ કરોડ ઘરોને પહેલીવાર નળ દ્વારા જળ મળી રહ્યું છે.
આમ રાષ્ટ્રપતિએ તેઓનાં સંબોધનમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સરકારે મેળવેલી સિધ્ધિઓ દર્શાવી હતી.