Get The App

દેશમાં હીટ એન્ડ રનના કેસમાં સજાનો દર પચાસ ટકાથી પણ ઓછો હોવાનો ખુલાસો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
દેશમાં હીટ એન્ડ રનના કેસમાં સજાનો દર પચાસ ટકાથી પણ ઓછો હોવાનો ખુલાસો 1 - image

દેશમાં હીટ એન્ડ રન એટલે કે ટક્કર મારીને ભાગી જવાના અડધાથી પણ વધુ કિસ્સાઓમાં આરોપીને સજા મળતી નથી અથવા કેસ ચુકાદા સુધી પહોંચી શકતો નથી. આવા કેસોમાં સજાનો દર વર્ષમાં 47.9% જ હતો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર વર્ષ 2020 અને 2021ને બાદ કરવામાં આવે તો હિટ એન્ડ રનના મામલાઓમાં છેલ્લા પાંચ વર્ષ માંથી ત્રણ વર્ષમાં સજાનો દર 50%થી નીચે જ રહ્યો છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ અનુસાર અન્ય ગંભીર ગુનાઓમાં પણ સજાનો દર ઘણો જ ઓછો નોંધાયો છે. હત્યાના મામલામાં સજાનો દર વર્ષમાં ફક્ત 43.8% હતો જ્યારે અપહરણના કિસ્સામાં તે વધુ ઘટીને 33.9% જ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર ચુકાદાની રાહ જોઈ રહેલા હીટ અને રનના કેસોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં ઝડપથી વધી છે. કેસમાં વિલંબ થવાની ટકાવારી વર્ષ 2018માં 90.4 ટકા હતી જે વર્ષ 2022માં વધીને 93 ટકા પર પહોંચી ગઈ છે. 

વર્ષ 2022 દરમિયાન દરરોજ સરેરાશ 131 હિટ એન્ડ રન કેસ નોંધાયા હતા. વર્ષ 2018માં આ પ્રકારના અકસ્માતોની સંખ્યા 47,028 નોંધાઈ હતી, તે 2022માં વધીને 47,806 થઈ ગઈ છે. વર્ષ 2022માં હિટ એન્ડ રનના પીડિતોની સંખ્યા 50,815 હતી. કોરોના દરમિયાન આ આંકડામાં ઘટાડો નોંધાયો હતો.વર્ષ 2019માં અસરગ્રસ્તોની સંખ્યા 52,540 જેટલી હતી. 

મહત્વની વાત તે છે કે ગત વર્ષે દેશભરમાં હિટ એન્ડ રનના કુલ કેસમાંથી ત્રીજા ભાગના કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશમાં 8,477 કેસ નોંધાયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં હિટ એન્ડ રનના 3,480, રાજસ્થાનમાં 2,720 અને બિહારમાં 2,367 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી હિટ એન્ડ રનની કુલ ઘટનાઓમાંથી 66 ટકા ઘટનાઓ ટોચના પાંચ રાજ્યોમાં બની છે.

દેશના કુલ 19 મેટ્રોપોલિટન શહેરોમાં દિલ્હીમાં હિટ એન્ડ રનના સૌથી વધુ 696 કેસ નોંધાયા છે. આ પછી લખનૌમાં 355, નાગપુરમાં 294, જયપુરમાં 293 અને બેંગલુરુમાં 222 અકસ્માતના કેસ નોંધાયા છે.



Google NewsGoogle News