Get The App

મહાદેવ એપ કેસમાં ભારતના હેડ સહિત બેની ધરપકડ, પૂછપરછમાં આરોપીનો ચોંકાવનારો ખુલાસો

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
મહાદેવ એપ કેસમાં ભારતના હેડ સહિત બેની ધરપકડ, પૂછપરછમાં આરોપીનો ચોંકાવનારો ખુલાસો 1 - image


Mahadev Betting App Case : ઉત્તર પ્રદેશ STFએ મહાદેવ ગેમિંગ એપ અને અન્ય બેટિંગ એપ દ્વારા અબજો રૂપિયાની છેતરપિંડી કરનારા ગેંગના બે આરોપીઓની લખનઉથી ધરપકડ કરી છે. આ સાથે આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. બંને આરોપીનું નામ અભય સિંહ અને સંજીવ સિંહ છે.

પકડાયેલો આરોપી કંપનીનો હેડ નિકળ્યો

પકડાયેલો આરોપી અભય ભારતમાં આવેલી મહાદેવ બુક ગેમિંગ કંપનીની ઓફિસનો હેડ છે. જ્યારે સંજીવ તેનો પિતરાઈ ભાઈ છે. સંજીવ દુબઈથી એપનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓ વોટ્સએપ અને ટેલીગ્રામનો ઉપયોગ કરવા કોર્પોરેટ સિમકાર્ડને પોર્ટ કરાવી દુબઈ મોકલતા હતા. આ ઉપરાંત આ સિમકાર્ડ માટે તેઓ નકલી દસ્તાવેજો ઉપયોગ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે.

પૂછપરછમાં આરોપીનો ચોંકાવનારો ખુલાસો

અભયે પૂછપરછમાં કહ્યું કે, ‘મારી માસીનો દિકરો અભિષેક સિંહ દુબઈમાં રહે છે. તેણે જ મને ફોન કરીને કહ્યું કે, તારે તારા વિસ્તારના ગરીબ અને અભણ લોકોના નામે સીમકાર્ડ ખરીદવાના છે અને તેના બદલે તને 25,000 પગાર મળશે. આ ઉપરાંત પ્રતિ સિમકાર્ડ દીઠ રૂપિયા 500 પણ મળશે. તારે સિમકાર્ડને અન્ય કંપનીમાં પોર્ટ કરવાના છે.’

આરોપીઓ આવી રીતે ચલાવતા હતા ‘નકલી સિમકાર્ડ’ નેટવર્ક

તેણે કહ્યું કે, ‘અભિષેક સાથે વાત થયા બાદ મેં મારા ગામની આસપાસના લોકોના નામ પર સિમકાર્ડ પોર્ટ કરવાનું કામ શરૂ કર્યું હતું. હું દરેક સિમકાર્ડનો યુપીસી કોડ ચેતન જોશીને આપતો હતો. ચેતન અભિષેક સાથે કામ કરતો અને છત્તીસગઢના ભિલાઈનો હતો. હું લગભગ એક મહિનામાં 30થી 35 સિમકાર્ડ એક્ટિવ કરાવી દેતો હતો.’

‘અમને એક સિમકાર્ડ એક્ટિવ કરવાના રૂ.2000 મળતા હતા’

આરોપી અભયે કહ્યું કે, ‘જાન્યુઆરી-2023માં મારી સેલેરી 25000થી વધારી 75000 કરાઈ હતી અને મને કોર્પોરેટ સિમકાર્ડ (પોસ્ટપેડ સિમ)નું પણ કામ સોંપાયું હતું. મેં આ સિમકાર્ડના KYC માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા અને પછી નકલી કંપની રજિસ્ટર્ડ કરવાનું કામ શરૂ કર્યું હતું. આ માટે હું અને ચેતન કેટલીક કંપનીના ડોક્યુમેન્ટ અને નકલી આધાર કાર્ડનો પણ ઉપયોગ કરતા હતા. આ સિમકાર્ડ એક્ટિવ થયા બાદ અને સિમ દીઠ 2000 રૂપિયા મળતા હતા. આ તમામ કામનું સુપરવિઝન પિન્ટુ નામનો વ્યક્તિ હતો. અમે મહિનામાં લગભગ 150થી 200 સીમકાર્ડ એક્ટિવ કરાવી દુબઈ મોકલતા હતા.’

‘આરોપીઓની કંપનીમાં કામ કરવા ભારતથી 12 હજાર લોકો ગયા’

ઉલ્લેખનિય છે કે, વિવિધ એજન્સીઓ દ્વારા મહાદેવ બેટિંગ એપ કેસમાં થયેલા કૌભાંડની તપાસ ચાલી રહી છે. આરોપીઓની કંપનીમાં કામ કરવા માટે લગભગ 10થી 12 હજાર કર્મચારીઓ ભારતથી દુબઈ ગયા છે અને તેઓ ગેમિંગ એપના બેંક એકાઉન્ટ, વોટ્સએપ-ટેલીગ્રામ એકાઉન્ટ અન્ય અન્ય સર્વિસનું કામ કરે છે. લખનઉ એસટીએફે કહ્યું કે, ‘આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ફોરેન્સિંગ ટેસ્ટિંગ કરાવાશે. હાલ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.’


Google NewsGoogle News