Get The App

ભારતમાં મોટાભાગે રાજકોષીય ખાધવાળા બજેટ રજૂ થયા છે

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
ભારતમાં મોટાભાગે રાજકોષીય ખાધવાળા બજેટ રજૂ થયા છે 1 - image


- કુલ આવક કરતા ખર્ચો વધારે : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે 16.13 લાખ કરોડનું રાજકોષીય ખાધવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું 

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રાજકોષીય ખાધ ધરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો આવક કરતા જાવક વધી જાય ત્યારે ખાધ ઊભી થાય છે. નાણામંત્રી સીતારામને વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ ૧૬.૧૩ લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રીએ વર્ષ ૨૦૨૫ માટે નાણીકીય ખાધનો લક્ષ્યાંક ૪.૮ ટકા જેટલો રાખ્યો છે. તે ઉપરાંત ૨૦૨૬માં ખાધનો આંકડો ઘટાડીને ૪.૪ ટકા સુધી લઈ જવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે. મહત્ત્વની વાત એ છે કે, દુનિયાના ઘણા દેશો દ્વારા ખાધ ધરાવતું જ બજેટ રજૂ કરવામાં આવે છે. દેશો કયા કારણે ખાધ ધરાવતું બજેટ રજૂ કરે છે, તેનાથી અર્થતંત્રનું શું થાય છે, સરકારો આવો નિર્ણય કેમ કરે છે, ભારતમાં શા માટે ખાધવાળું બજેટ મોટાભાગે રજૂ થાય છે. આવા સવાલો ઘણા લોકોના મનમાં ઉઠતા હશે. આ સવાલોનો જવાબ જાણીએ.

ડિફિસિટ બજેટ એટલે કે રાજકોષીય ખાધવાળું બજેટ એવું હોય છે જેમાં સરકારી આવક સામે જાવકનો આંકડો મોટો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સરકાર જેટલું કમાય છે તેના કરતા વધારે ખર્ચ કરતી હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સરકારની આવક જો ૨૦ લાખ કરોડ હોય અને ખર્ચો ૨૩ લાખ કરોડ હોય તો ૩ લાખ કરોડ નુકસાન થયું કહેવાય. તેને રાજકોષીય ખાધ કહેવાય છે. આ ખાધ પુરવા માટે સરકારે લોન લેવી પડે છે અથવા તો અન્ય આર્થિક પગલાં ભરવા પડે છે. ભારતમાં એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે, સરકારો દ્વારા મોટાભાગે ખાધવાળું જ બજેટ રજૂ કરવામાં આવે છે. આ વખતે પણ નિર્મલા દ્વારા ખાધવાળું જ બજેટ રજૂ કરાયું છે. આ ખાધવાળા બજેટથી સરકારને શું ફાયદો થાય છે, લોકોને શું ફાયદો થાય છે અથવા તો અર્થતંત્રને શું ગતિ મળે છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. 

આ દેશો દ્વારા ફિસ્કલ ડેફિસિટ બજેટ રજૂ કરવામાં આવે છે

અમેરિકા : અમેરિકા દ્વારા ૨૦૨૩માં ફિસ્કલ ડેફિસિટ બજેટ રજૂ કરાયું હતું. તે સમયે બજેટ જીડીપીના ૫.૮ ટકા ખાધને રજૂ કરતું હતું. તેનો અર્થ થયો કે તત્કાલિન સમયમાં ૧.૭ ટ્રિલિયન ડોલરની ખાધ રજૂ કરવામાં આવી હતી.

જાપાન : જાપાન દ્વારા પણ ૨૦૨૩ના બજેટમાં ૬ ટકાની ખાધ રજૂ કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, જાપાનમાં વૃદ્ધોની વધી ગયેલી વસતી અને તેમની પાછળ સ્વાસ્થ્ય અને પેન્શન માટે કરવામાં આવતો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. તે ઉપરાંત આર્થિક મંદીથી બહાર આવવા મોટું પેકેજ આપવું પડયું જેના કારણે દેશની ખાધ વધી ગઈ.

બ્રિટન : બ્રિટનમાં ઘણા સમયથી આર્થિક સ્થિતિ ડામાડોળ ચાલી રહી છે. બ્રિટન દ્વારા બજેટમાં જીડીપીના ૫.૧ ટકાની ખાધ રજૂ કરવામાં આવી હતી. બ્રેક્ઝિટ બાદ આર્થિક ભીંસ, એનર્જી ક્રાઈસીસ, સ્વાસ્થ્ય સેવાઓનો વધતો ખર્ચ જેવા મુદ્દા બ્રિટન માટે ખૂબ જ મહત્ત્વના બની રહ્યા અને તેની ખાધમાં વધારો થયો.

ફ્રાન્સ : ફ્રાન્સમાં પેન્સન સુધારા બિલનો વિરોધ થયો જેના કારણે સરકારે પહેલાં જેવી સિસ્ટમ લાગુ કરવી પડી. તે ઉપરાંત ઊર્જા સબસિડીમાં વધારો કરવો પડયો, સામાજિક સુરક્ષા પાછળ ખર્ચ વધારવો પડયો. આ બધા પરિબળોએ અર્થતંત્ર ઉપર બોજ વધારી દીધો. તેના પગલે ફ્રાન્સ દ્વારા પણ ગત બજેટમાં ૪.૯ ટકાની ખાધ રજૂ કરાઈ હતી. 

બ્રાઝિલ : બ્રાઝિલના બજેટમાં સૌથી વધારે ખાધ જોવા મળી હતી. બ્રાઝિલ દ્વારા બજેટમાં ૭ ટકાની ખાધ રજૂ કરાઈ હતી. સામાજિક કલ્યાણ યોજનાઓ, રાજકીય અસ્થિરતા અને આર્થિક મંદીના કારણે સરકારી ખર્ચમાં તોતિંગ વધારે થયો છે. તેના પગલે સરકારી ખાધ પણ વધી ગઈ છે. 

આર્થિક વિકાસને ગતિ મળતી હોવાનું અનુમાન

આર્થિક જાણકારોના મતે ખાધવાળું બજેટ રજૂ કરવાનો મોટો ફાયદો એવો છે કે, તેનાથી આર્થિક વિકાસને વેગ મળે છે. સામાન્ય સંજોગોમાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ અને અન્ય વિકાસ યોજનાઓમાં મોટાપાયે રોકાણ કરવામાં આવે છે. આ સેક્ટરમાં કરવામાં આવેલું રોકાણ લાંબા સમયે અર્થતંત્રને મજબૂત બનાવે છે અને વેગ આપે છે. તે ઉપરાંત મોટાપાયે સરકારી ખર્ચ થવાથી આ સેક્ટર મજબૂત બને છે અને તેમાં રોજગાર વધે છે તથા સર્વિસની ડિમાન્ડ અને માર્કેટ ડિમાન્ડ વધે છે. જે ઈકોનોમીને વેગ પૂરો પાડે છે. સરકારની આવકની વાત કરીએ તો મોટી આવક ટેક્સ દ્વારા જ આવે છે. તેની સામે ખર્ચ કરવાના ઘણા માર્ગો છે. સામાન્ય સંજોગોમાં આર્થિક મંદી આવે ત્યારે સરકારને થતી રેવન્યૂ ઘટી જાય છે. આવક ઘટવાના કારણે અર્થતંત્ર ઉપર ભાર પડે છે. આ સંજોગોમાં ખર્ચમાં તો ઘટાડો થવાનો જ નથી. આર્થિક મંદીમાં સરકાર ખર્ચો વધારી દે છે જેથી ડિમાન્ડ વધારી શકાય અને ઈકોનોમીમાં સ્થિરતા લાવી શકાય. આ રીતે સરકારને અને અર્થતંત્રને સરેરાશ ફાયદો થાય છે. 

સરકારી દેવું વધે છે જે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે

અર્થતંત્રના જાણકારો કહે છે કે, સરકાર દ્વારા ખાધની અવગણના કરીને જો કામ કરવામાં આવે તો જોખમ પણ રહેલું છે. સૌથી પહેલાં તો સરકાર દ્વારા આવકની સામે જાવક વધારે હોવાના કારણે લોન લેવાની સ્થિતિ આવે છે. સરકારે જેટલી વધારે લોન લે છે તેટલું જ વ્યાજ તેણે ભરવું પડે છે. આ રીતે સરકાર ઉપર બોજ વધતો જાય છે. આર્થિક ભારણ પણ બેવડાતું જાય છે. તે ઉપરાંત લોન લીધા બાદ વ્યાજની અને મુડી ચુકવણી ફરજિયાત કરવી પડે છે. તેમાં વિલંબ કરવામાં આવે તો સ્થિતિ વધારે વણસી શકે છે. વ્યાજની વધારે ચુકવણી કરવાના કારણે ભવિષ્યના ખર્ચા ઓછા કરવા પડે છે અને અર્થતંત્ર ઉપર દબાણ ઊભું થાય છે. જાણકારોના મતે ચૂંટણી સમયે કરાતા અયોગ્ય વાયદા, રાજકીય દબાણને કારણે અપાતા લાભ, સબસીડીઓ, મફત આપવાની યોજનાઓ અને સામાજિક કાર્યક્રમોના કારણે સરકારી ખર્ચ મોટાપાયે વધી જાય છે. તે ઉપરાંત ઘણા દેશોએ મોટાપાયે લોન લીધી હોય છે. તેમને વ્યાજ અને દેવા પાછળ મોટો ખર્ચ થતો હોય છે. તેવી જ રીતે સંરક્ષણ પાછળ પણ મોટો ખર્ચો કરવો પડે છે. તેના પગલે બજેટ ખાધમાં જવા લાગે છે.


Google NewsGoogle News