પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ... છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના
India-Pakistan War And Air Strike History : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ કારતાપૂર્વકનો હુમલો કરીને 28 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ દેશભરમાં આક્રોશ છે. હુમલા બાદ લોકોનું કહેવું છે કે, ભારતે પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઈએ અને બદલો લેવો જોઈએ. કેટલીક હદ સુધી લોકોની વાતો યોગ્ય પણ છે, કારણ કે પાકિસ્તાન વારંવાર આવી કાયર હરકતો કરતો રહે છે. આવી સ્થિતિમાં ભારતે પાકિસ્તાનને સબક શિખવાડવો જરૂરી છે. અગાઉ પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન અમેરિકન હથિયારો લઈને ભારત સામે પડ્યું હતું, જોકે તમામ વખતે ભારતે જવાબ આપ્યો હતો. તો જાણીએ કે, પાકિસ્તાન કયા અમેરિકન હથિયારો લઈને ભારત સામે પડ્યું હતું અને ભારતે તે હથિયારોનો કેવી રીતે નાશ કર્યો હતો?
ભારતે અમેરિકાના તમામ દાવા કર્યા ફેલ
એક સમયે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સારા સંબંધો હતા, જોકે હવે તેવું નથી. તે વખતે પાકિસ્તાન અમેરિકા પાસેથી સૈન્ય હથિયારોની પણ ખરીદી કરતું હતું. અગાઉ અમેરિકાએ તેને અનેક વખત હથિયારો આપ્યા હતા અને દાવો કરાતો હતો કે, આ હથિયારો કોઈપણ ન તોડી શકે. જોકે ભારતે અમેરિકાના તમામ દાવા ફેલ કરી દીધા અને તે હથિયારોને તોડી પાડ્યા હતા. દાવા બાદ બનેલી આવી ઘટનાઓના કારણે વિશ્વભરમાં અમેરિકાનું નામ ખરાબ થયું હતું. સૌથી મોટી વાત એ છે કે, હથિયારો ખરીદનાર પાકિસ્તાને પણ અમેરિકા સામે આંગળી ચિંધી હતી.
1965નું યુદ્ધ : મોર્ડન અમેરિકન પેટન ટેંક
1965 India-Pakistan War : બીજા વિશ્વ યુદ્ધ બાદ 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્કોથી યુદ્ધ થયું હતું. આ યુદ્ધ વિશ્વનું સૌથી મોટું યુદ્ધ મનાતું હતું. પાકિસ્તાન પાસે મોર્ડન અમેરિકન પેટન ટેન્ક (Modern American Patton Tank) હતી, જ્યારે ભારત પાસે બ્રિટનમાં બનેલી સેન્ચુરિઅન તેમજ બીજા વિશ્વ યુદ્ધની શરમન ટેન્ક જ હતી. પાકિસ્તાનની ફર્સ્ટ આર્મ્ડ ડિવિઝને લગભગ 200 ટેન્ક સાથે ભારત પર હુમલો કર્યો હતો. દુશ્મન દેશની ટેન્કો અને સેના ભારતીય સરહદની અંદર લગભગ 10-12 કિલોમીટર સુધી આવી ગઈ હતી. તે વખતે ભારતીય સેનાએ પાકિસ્તાનને દોડાવી-દોડાવીને માર્યું હતું. બંને દેશો વચ્ચે ભયાનક યુદ્ધ ચાલ્યું હતું, ત્યારે વીર અબ્દુલ હમીદે RCL જીપથી પાકિસ્તાની ટેન્કને ઉડાવી દીધી હતી. આ ઘટના જોઈને વિશ્વભરના લોકો ચોંકી ગયા હતા.
1971નું યુદ્ધ : અમેરિકાનું પીએનએસ ગાજી યુદ્ધજહાજ
1971 India-Pakistan War : ડિસેમ્બર-1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જાહેરાત થઈ હતી. બંને દેશોની સેનાઓ સામસામે આવી ગઈ હતી. આકાશ, જમીન અને દરિયામાં ભયાનક યુદ્ધ થયું હતું. પાકિસ્તાન પાસે અમેરિકાએ ભાડે આપેલું એડવાન્સ પીએનએસ ગાઝી યુદ્ધજહાજ (Advanced PNS Ghazi warship) હતું, જે તેની પાસે લોંગ રેન્જનું એક માત્ર યુદ્ધ જહાજ હતું. આ યુદ્ધ જહાજનો ખાતમો બોલાવવા ભારતે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત યુદ્ધજહાજને દરિયામાં ઉતાર્યું હતું. જોકે બાદમાં યુદ્ધજહજને ચકમો આપવા ભારતીય નેવીએ જૂના આઈએનએસ રાજપૂતને દરિયામાં મોકલ્યું હતું. જેમાં આઈએનએસ રાજપૂતે દરિયામાં ભયાનક પ્રહાર કરતા અમેરિકન યુદ્ધજહાજ હંમેશા માટે દરિયામાં સમાઈ ગયું હતું. આ ઘટનામાં 93 પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના મોત થયા હતા.
ભારતની એરસ્ટ્રાઈક-2019 : પાકિસ્તાનના F16 ફાઈટલ પ્લેનનો ખાતમો
2019 Balakot Airstrike : 14 ફેબ્રુઆરી-2019ના રોજ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા ખાતે CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાત્રિના સમયે પાકિસ્તાનના બાલાકોટ ખાતે એરસ્ટ્રાઈક કરી હતી. ભારતના આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300 કરતા વધારે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એરસ્ટ્રાઈકના બીજા દિવસે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તે સમયે Mig-21 ઉડાવી રહ્યા હતા જેની મદદથી તેમણે પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું. અભિનંદને Mig-21 વડે F-16ને તોડી પાડ્યું આ કારણે સમગ્ર વિશ્વમાં તેમની ભારે પ્રશંસા થઈ હતી. એનું કારણ એ છે કે, F-16 ખૂબ જ એડવાન્સ્ડ ફાઈટર પ્લેન (American F-16 Advanced Fighter Plane) હતું જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે Mig-21 રશિયા દ્વારા બનાવાયેલું 60 વર્ષ જૂનું વિમાન હતું. ભારતે 1970ના દશકામાં રશિયા પાસેથી Mig-21 ખરીદ્યું હતું.