ભારતની મોટી કાર્યવાહી, ભારતીયની હત્યામાં સામેલ કેનેડાના પોલીસ અધિકારીને ભાગેડુ આતંકી જાહેર કર્યો
India-Canada Conflict: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, ભારતે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના એક અધિકારીને ભાગેડુ આતંકીની યાદીમાં સામેલ કર્યા છે. આ યાદીમાં જે અધિકારીનું નામ સામેલ કરવામાં આવ્યું છે તેની ઓળખ સંદીપ સિંહ સિદ્ધુ તરીકે થઈ છે. આ ભાગેડુ આતંકીને ભારત મોકલવાની માંગ કરાઈ છે.
નિજ્જરની હત્યા બાદ ભારત-કેનેડા સંબંધોમાં તણાવ
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને કેનેડાના રાજદ્વારીઓને પણ દેશનિકાલ કર્યા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આક્ષેપ કર્યો હતા કે, કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી. જોકે, ભારતે આ આરોપો સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
આ પણ વાંચો: જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- મારા પર વ્યક્તિગત હુમલા થયા
કેનેડિયન પોલીસ અધિકારી ગંભીર આરોપોનો સામનો કરે છે
અહેવાલ અનુસાર, CBSA કર્મચારી અને પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)ના સભ્ય સંદીપ સિંહ સિદ્ધુ પર પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. સંદીપ સિંહ સિદ્ધુના પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન આતંકવાદી લખબીર સિંહ રોડે અને અન્ય ISI ઓપરેટિવ સાથે કથિત સંબંધો છે.
સંદીપ સિંહે 2020માં બલવિંદર સિંહ સંધુની હત્યામાં ભૂમિકા ભજવી હતી. શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા બલવિંદર સિંહ સંધુ પંજાબના બળવા દરમિયાન ખાલિસ્તાની આતંકીઓ સામેની લડાઈ અને યુએસ અને કેનેડામાં શીખ ફોર જસ્ટિસ (SFJ)ના નેતૃત્વ હેઠળ ખાલિસ્તાની લોકમતનો વિરોધ કર્યો હતો.