શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં
India Halts Indus Waters Treaty After Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત સરકારે પાકિસ્તાન સામે આકરા પગલાં ભર્યાં છે, જેમાંનું એક છે પાકિસ્તાન સાથેની ‘સિંધુ જળ સંધિ’ (IWT – ઈન્ડસ વોટર્સ ટ્રીટી) પર લગાવવામાં આવેલી રોક. 23 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. ત્યારે ચાલો જાણીએ કે સિંધુ જળ સંધિ શું છે અને ક્યારે લાગુ કરવામાં આવી હતી.
સિંધુ જળ સંધિ (IWT) ક્યારે થઈ હતી?
નવ વર્ષની વાટાઘાટો પછી 19 સપ્ટેમ્બર, 1960 ના દિવસે પાકિસ્તાનના કરાંચી શહેરમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા સિંધુ જળ સંધિ (IWT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમાં વિશ્વ બેંકે મધ્યસ્થી કરી હતી. આ સંધિમાં ભારત અને પાકિસ્તાનમાં બંનેમાં વહેતી છ નદીઓના પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું હતું.
સિંધુ જળ સંધિમાં કઈ નદીઓનો સમાવેશ થાય છે?
સિંધુ જળ સંધિમાં સિંધુ નદી અને તેની પાંચ ઉપનદીઓ સતલજ, બિયાસ, રાવી, ઝેલમ અને ચિનાબના પાણીની વહેંચણી કરવામાં આવી હતી. આ નદીઓ જમ્મુ-કાશ્મીર, લદાખ અને હિમાચલ પ્રદેશમાં થઈને વહે છે.
કયા દેશને કેટલું પાણી મળે છે?
સિંધુ જળ સંધિ હેઠળ પશ્ચિમ તરફની ત્રણ નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમનું પાણી પાકિસ્તાનને ફાળે ગયું હતું. પૂર્વ તરફની ત્રણ નદીઓ રાવી, બિયાસ અને સતલજનું પાણી ભારતને ફાળવવામાં આવ્યું હતું. અલબત્ત, પાકિસ્તાનને ફાળે ગયેલી ત્રણ નદીઓનો ઉદ્ભવ ભારતમાં જ થતો હોવાથી, એ નદીઓનું 20 % પાણી ભારત વાપરી શકશે, એવા કરાર થયા હતા. આ પાણી ભારત ખેતી માટે ઉપયોગમાં લઈ શકશે, પણ એ નદીઓ પર બંધ બાંધીને પાણી રોકવાની ભારતને છૂટ નથી.
સિંધુ જળ સંધિનો ભંગ કરવાથી પાકિસ્તાનને કેટલું અને કેવું નુકસાન થશે?
સિંધુ જળ સંધિના ભંગથી પાકિસ્તાનને નીચે મુજબનું નુકસાન થઈ શકે છે.
1) ખેત ઉત્પાદન ઘટશેઃ ત્રણ નદીઓનું જે કંઈ પાણી પાકિસ્તાનમાં જાય છે એનો 93 ટકા હિસ્સાનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. 4.7 કરોડ એકર જમીનમાં ફેલાયેલી પાકિસ્તાનની 90 % ખેતીલાયક જમીન પર આ પાણીથી ખેતી થાય છે, તેથી એ પાણી બંધ થાય તો પાકિસ્તાનની ખેતીને પ્રતિકૂળ અસર થશે. પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકમાં કૃષિનો જે ફાળો છે એનો ૨૩ ટકા હિસ્સો પ્રભાવિત થઈ શકે છે. પાકિસ્તાનની ગ્રામીણ વસ્તીના 68 % લોકો ખેતી પર નિર્ભર છે, એમને નુકશાન થશે.
2) વીજ ઉત્પાદન ઘટશેઃ સિંધુ નદી પ્રણાલીના પાણી પુરવઠામાં ઘટાડો થતાં પાકિસ્તાનના તારબેલા અને મંગલ જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પર અસર થશે. વીજ ઉત્પાદનમાં ૩૦ થી ૫૦ ટકાનો ઘટાડો થશે, જેને લીધે ઉદ્યોગ અને રોજગાર પર નકારાત્મક અસર પડશે. વીજ ઉત્પાદન બંધ થઈ જશે અને શહેરી વિસ્તારોમાં અંધારું છવાઈ જશે.
3) શહેરીજનો પાણી વિના ટળવળશેઃ પાકિસ્તાન પહેલાથી જ ભૂગર્ભજળના ઘટાડાનો સામનો કરી રહ્યું છે. કરાંચી જેવા મહાનગરો તો નદીના પાણીના ટેન્કરો પર જ આધાર રાખે છે. તેથી સિંધુ નદીઓના પાણીના પ્રવાહમાં કોઈપણ અવરોધ આવતાં પાકિસ્તાનના શહેરોમાં અરાજકતા ફેલાશે.
પાકિસ્તાનને પાણી વિના તરસે મારવું એટલું આસાન છે?
જાળ સંધિ પર રોક લગાવવાથી ‘પાકિસ્તાન તરસથી મરી જશે’ એ મતલબની અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ રહી છે, પણ એ સાચું નથી. આ કંઈ નળની ચકલી ફેરવીને પાણી રોકી દેવા જેવી આસાન વાત નથી. ભારત ઈચ્છે તો પણ પાકિસ્તાનને તાત્કાલિક તરસે મારી શકે એમ નથી.
શા માટે પાકિસ્તાનમાં તાત્કાલિક જળ કટોકટી સર્જી શકવું શક્ય નથી?
માન્યું કે પાકિસ્તાન જતી નદીઓ ભારતમાં ઉદ્ભવતી હોવાથી એનું પાણી રોકી પાડવાનું કામ ભારત કરી શકે, પણ ધસમસતી નદીનું પાણી રોકવું શેનાથી? ભારત પાસે હાલમાં સિંધુ નદીઓના પાણીના પ્રવાહને પાકિસ્તાનમાં જતું રોકવા અને તેને પોતાના ઉપયોગ માટે વાળવા માટે પૂરતી માળખાકીય સુવિધાઓ નથી. નદીઓ પર કોઈ બંધ બાંધેલા નથી. રાતોરાત નદીનો પ્રવાહ બીજી દિશામાં વાળી દેવાય તો તો આપણા દેશમાં જ પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય અને રહેણાંક વિસ્તારોમાં પૂર આવવાથી જાન-માલનું ભયંકર નુકશાન થાય. ભારત પાણીના પ્રવાહમાં વધુમાં વધુ 5 થી 10 % ઘટાડો કરી શકે એમ છે.
ભારત નદીઓ પર વિશાળ બંધ બાંધીને અને જળાશયો સર્જીને નદીઓના પાણી રોકી શકે, પણ એ બધું બાંધવામાં અનેક વર્ષો લાગી જાય, એટલે તાત્કાલિક ધોરણે પાકિસ્તાનને તરસે મારવું શક્ય નથી. અલબત્ત, સંધિ ફોક કરીને પાણીને નામે પાકિસ્તાનનું નાક દબાવવાનું વ્યૂહાત્મક પગલું ભારતે ભર્યું, એ આવકારયોગ્ય તો છે જ.
…તો વિશ્વનું પહેલું ‘પાણી યુદ્ધ’ છેડાઈ શકે
ભારતનું સિંધુ નદીઓનું પાણી રોકવાનું પગલું દુનિયાને પહેલા ‘પાણી યુદ્ધ’ તરફ દોરી જાય એવું બની શકે એમ છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારે તો કહી જ દીધું છે કે સિંધુનું પાણી રોકવું એ યુદ્ધનું આહ્વાન સમાન છે. એનો અર્થ એ કે પાકિસ્તાન નદીઓના પાણી મુદ્દે યુદ્ધ લડવા પણ તૈયાર છે. ભારતના આ પગલાંને અનુસરીને ચીન પણ બ્રહ્મપુત્રા નદીનું પાણી રોકી પાડે તો ભારતને બહુ મોટું નુકશાન થાય એમ છે. તિબેટમાં ઉદ્ભવ પામતી બ્રહ્મપુત્રા નદી ચીનમાંથી થઈને ભારતમાં પ્રવેશે છે અને પછી બાંગ્લાદેશ સોંસરવી બંગાળની ખાડીમાં સમાઈ જાય છે. બ્રહ્મપુત્રાના પાણીની વહેંચણી બાબતે કોઈ સંધિ નથી થઈ તેથી ચીન અવળચંડાઈ કરીને બ્રહ્મપુત્રાનું પાણી રોકી પાડે તો ભારતના પૂર્વીય રાજ્યો પાણી વિના ટળવળી ઊઠે. ચીન બ્રહ્મપુત્રા પર વિશાળ બંધ બાંધવાનું આયોજન કરી જ રહ્યું છે. એ બંધ બની જતાં ચીન પોતાની મનમાની કરી જ શકશે. આ રીતે પાણીને મુદ્દે ભારતને પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ છેડાઈ જાય એવું બની શકે છે. આમ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિશ્વને પહેલા 'પાણી યુદ્ધ' તરફ ધકેલી દેશે.