કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 8મા પગાર પંચની રચનાને સરકારની મંજૂરી
8th Pay Commission Approved: કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબર આપી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેની લાંબા સમયથી રાહ જોતા હતા, તે આઠમા પગાર પંચની ભલામણો કેબિનેટ બેઠકમાં સ્વીકારી લેવાઈ છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી.
આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર થઈ અને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી. ટુંક સમયમાં જ તેના માટે કમિટીની રચના થશે અને 8માં પગાર પંચને બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.
લાંબા સમયથી થઈ રહી હતી માગ
જણાવી દઈએ કે, અગાઉ જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ચૂક્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનોએ આના માટે કેબિનેટ સચિવને મળીને 8મા પગાર પંચની રચના કરવાની માગ કરી હતી અને સતત આ સંગઠન સરકારની સામે 8મા પગાર પંચની રચનાનું પ્રેશર બનાવી રહ્યા હતા. ગત એક વર્ષમાં અનેક વખત કર્મચારી યૂનિયન કેન્દ્ર સરકાર પાસે સ્થિતિ સ્પષ્ટ કરવાની માગ કરી ચૂક્યા છે. ગત બજેટ બાદ જ્યારે નાણા સચિવ ટીવી સોમનાથને આ અંગે સવાલ કર્યો હતો તો તેમણે કહ્યું હતું કે, 'હજુ આ કામ માટે આપણી પાસે જરૂરી સમય છે.'
7મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016થી લાગૂ
દેશમાં 7મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016થી લાગૂ થયું હતું. તેનાથી લગભગ 1 કરોડ લોકોને લાભ મળ્યો હતો. સામાન્ય રીતે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફેરફારો કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરાય છે. ત્યારે આશા છે કે, કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગૂ કરી દેશે. તેનાથી લઘુતમ વેતન અને પેન્શનમાં મોટો ફેરફાર આવવાની શક્યતા છે.