તમારી ફેશનના કારણે પણ વકરે છે ગ્લોબલ વૉર્મિંગ, ચાલો સમજીએ કપડાં પાછળના ગાંડપણથી થતું નુકસાન

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
Garment Market


Impact of Pollution from India Garment Market : વસ્ત્રો માનવજાતના વ્યક્તિત્વને નિખારે છે, તમે જે પહેરો છો એનાથી સમાજમાં તમારી કિંમત અંકાય છે. પણ, શું તમે જાણો છો કે માનવજીવન માટે અનિવાર્ય એવા વસ્ત્રો પાછળનું ગાંડપણ પૃથ્વીના પર્યાવરણને હદબહાર ખોરવી નાંખવામાં કારણભૂત બન્યું છે?

છેલ્લા થોડા દાયકાઓમાં ભારતના લોકોની ખરીદશક્તિ ખાસ્સી વધી છે. વાહન વિનાનું ઘર હવે શોધ્યું નહીં જડે. એક ઘરમાં એકથી વધુ ટીવી હોવાની હવે કોઈને નવાઈ નથી લાગતી. મોબાઇલ વિનાના હાથની કલ્પનાય કરી શકાય એમ નથી. એવું જ કંઈક વસ્ત્રો બાબતે પણ થયું છે. ભૂતકાળમાં ક્યારેય નહોતી થતી એટલી હદે વસ્ત્રોની ખરીદી ભારતમાં થઈ રહી છે. ઓનલાઇન સ્ટોર્સના અવિશ્વસનીય ડિસ્કાઉન્ટ્સ, સોશિયલ મીડિયાની દેખાદેખી અને સેલિબ્રિટીઓની ફેશન સેન્સની આંધળી નકલ જેવા ઘણાં પરિબળોને કારણે આમ આદમી હવે કપડાં પાછળ પુષ્કળ ખર્ચ કરતો થયો છે. અગાઉની જેમ હવે ફક્ત લગ્નપ્રસંગે કે પછી તહેવારોમાં વસ્ત્રોની ખરીદીનું ચલણ રહ્યું નથી. લલચામણા ‘સૅલ’ના બહાને મન ફાવે ત્યારે કપડાંની શોપિંગ કરી લેવામાં આવતી હોય છે. નવું કંઈ દેખાયું કે તરત ખરીદીને પહેરી લેવાની સૌને ઉતાવળ આવી છે. સારું કમાતા હોવ ને આમ ખર્ચતા હોવ એનો કોઈને વાંધો ન હોવો જોઈએ, પણ તમારું કપડાં પાછળનું ગાંડપણ કેવા દુષ્પરિણામો નોતરી રહ્યું છે, એય જાણી લેવું જરૂરી છે.

નિર્દોષ લાગતાં કપડાં કઈ રીતે નુકસાન કરે છે?

સામાન્ય સમજ એવી છે કે વાહનોનો ધુમાડો અને મિથેન જેવા ગેસનું ઉત્સર્જન જ ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત છે, પણ આ વિચાર અધકચરો છે. આપણા દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રત્યેક ચીજ એની બનાવટ દરમિયાન એવા એવા તબક્કામાંથી પસાર થતી હોય છે કે એનાથી પ્રદૂષણ થાય અને સરવાળે એ ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપે. આવી ચીજોમાં વાહનો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી લઈને પેન, પેન્સિલ જેવી નાનામાં નાની ચીજ આવી જાય છે. જોકે, મોટાભાગની ચીજો એવી હોય છે જેની ખરીદી આપણે વારંવાર નથી કરતાં. જેમ કે, કાર કે ટીવી કે ફર્નિચરજેવી ચીજો આપણે દર ચાર-છ મહિને નથી ખરીદતા. પણ કપડાંની વાત આવે ત્યારે આપણે પૈસા સામુ જોતા નથી. રોજેરોજ નવા કપડાં પહેરવાની લ્હાયમાં આડેધડ ખરીદી કરતાં રહીએ છીએ. પણ આપણે એ નથી જાણતા કે પ્રત્યેક કપડાની બનાવટમાં હજારો લીટર પાણીનો વપરાશ થતો હોય છે, અને એના નિર્માણ થકી સર્જાતું કેમિકલયુક્ત પાણી નદી-દરિયામાં ઠલવાઈને ભયંકર પ્રદૂષણ ફેલાવતું હોય છે. કુલ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં કાપડ ક્ષેત્ર 2 થી 8 ટકા ફાળો ધરાવે છે. મહાસાગરોમાં ભળતા માઇક્રોફાઈબર પ્રદૂષણમાં 9 ટકા હિસ્સો કપડાં ઉદ્યોગનો હોય છે.

દાવા-પ્રતિદાવા

ફૅશન ઇન્ડસ્ટ્રીમાં વૈશ્વિક સ્તરે પગદંડો જમાવી ચૂકેલી કપડાં બનાવતી મોટી બ્રાન્ડ દાવા કરતી હોય છે કે અમે તેલ અને પેટ્રોલિયમમાંથી બનેલા કૃત્રિમ ધાગામાંથી કૃત્રિમ વસ્ત્રો બનાવવાને બદલે કુદરતી ફાઇબરનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી વસ્ત્રો બનાવીએ છીએ, એટલે અમારા વસ્ત્રો ખરીદીને તમે પર્યાવરણ પર કોઈ બોજ નથી નાંખતા. પણ, જાણકારોના મતે આવા બધા દાવા પોકળ હોય છે. આવા દાવા મોટી કંપનીઓની માર્કેટિંગનો જ એક હિસ્સો હોય છે.

તમે શું ફાળો આપી શકો?

તમને થશે કે હું એકલો કે પછી મારો ચાર-પાંચ જણનો પરિવાર આમાં શું કરી શકીએ? જવાબમાં એમ કહેવાનું કે ઘણું કરી શકાય એમ છે. ટીંપેટીંપે સરોવર ભરાય એ ન્યાયે આપણે આપણાથી શરૂઆત કરીશું અને પછી એના વિશે આપણા ઓળખીતા-પાળખીતાઓને જણાવતા રહીશું તો લાંબે ગાળે એક મોટો ફરક પડશે. હરકોઈ અનુસરી શકે એવા કેટલાક મુદ્દાઓ જોઈએ.

1. તમારી જરૂરિયાત સમજો

કપડાંની ખરીદી તમારી જરૂરિયાત મુજબ કરો, આડેધડ નહીં. ટ્રેન્ડ છે, ફૅશનમાં છે, બધાં ખરીદે છે માટે તમે પણ ધરાર નવું કપડું ખરીદી લો, એ ખોટું. તમારે કયા કપડાની કેવી અને કેટલી જરૂરિયાત છે, એ બરાબર નક્કી કરીને ખરીદો.  

2. ઓછું ખરીદો, સારું ખરીદો

આજના જમાના ખરીદી પર સદંતર ચોકડી મારવાનું તો શક્ય નથી, પણ ખરીદીનું પ્રમાણ ઓછું તો કરી જ શકાય. ઉચ્ચ-ગુણવત્તાયુક્ત વસ્ત્રો ખરીદવાનો આગ્રહ રાખો, જેથી એ વસ્ત્રો લાંબા સમય સુધી ટકે. બની શકે કે એવા વસ્ત્રોની કિંમત વધુ હોય, પણ એ લાંબો સમય ટકશે જેથી છ મહિના વાપરીને ફેંકી દેવા પડે એવા સસ્તા અને બિનટકાઉ કપડાંની સરખામણીમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત વસ્ત્રોની કિંમત વાજબી લાગશે. ટકાઉ કપડાં સાચવીને રાખો, કેમ કે જે-તે પ્રકારના વસ્ત્રોની ફૅશન બે-ત્રણ વર્ષે પાછી આવતી જ હોય છે.

3. બદલાતી મોસમ સાથે બદલાતો વોર્ડરોબ

માન્યું કે મોસમ બદલાય એ પ્રમાણે કપડાંની જરૂરત સૌને પડતી હોય છે, પણ એના માટે દર વર્ષે દર સિઝનમાં નવા કપડાં ખરીદવાની જરૂર નથી. એક જેકેટ કે સ્વેટર વર્ષો વર્ષ સુધી શિયાળામાં વાપરી શકાય છે, એ જ પ્રકારે એક રેઇનકોટ પણ ઘણાં ચોમાસા ખેંચી શકે એમ છે. માટે દરેક સિઝનમાં નીતનવીન વસ્ત્રો ખરીદવાનો મોહ ટાળો. એક પરિવારમાં બે જણની કદ-કાઠી સમાન હોય તો આવા ઓછા વપરાતા સિઝનલ વસ્ત્રો શૅર કરીને પણ વાપરી શકાય. ઓનલાઇન સ્ટોર ધરાવનાર વેપારીઓ તો વર્ષમાં દસ સિઝન બતાવીને જાતભાતનું વેચવાની કોશિશ કરશે, એમના ભરમાવ્યા ન ભરમાઓ.  

4. ખરીદો નહીં, ભાડે લો

આપણે ત્યાં એવું જોવામાં આવે છે કે વારે-તહેવારે મોંઘા વસ્ત્રો ખરીદી લેવાય છે અને પછી એ વસ્ત્રો કબાટમાં પડ્યા રહે છે, કેમ કે રોજિંદા વપરાશમાં એ કામ નથી લાગતા અને ખાસ પ્રસંગો વારેવારે આવતા નથી. વધુમાં, હજારોમાં ખરીદેલા હોવા છતાં એકના એક કપડાં ખાસ પ્રસંગોમાં વારંવાર પહેરવાનું કોઈને ગમતું નથી. આનો સાદો ઉપાય એ કે કપડાં ભાડે લઈ લો. એમ કરવાથી મોંઘા વસ્ત્રો ખરીદવાનો ખર્ચ બચશે અને પ્રત્યેક પ્રસંગમાં નવા કપડાં પહેરવાનો લાભ મળશે.  

5. કુદરતી ફાઇબરને પ્રાધાન્ય આપો

કપાસ, શણ, રેશમ અને વાંસ જેવા કુદરતી તંતુઓના બનેલા કપડાં પસંદ કરો, કેમ કે એમની બનાવટમાં નહિવત પ્રદૂષણ થતું હોય છે. રમતગમત અને ખાસ પ્રકારના વ્યવસાય માટે તમે સિન્થેટિક અને વોટર રેઝિસ્ટન્ટ વસ્ત્રો પહેરો એ બરાબર, પણ રોજિંદા પહેરવેશ માટે કુદરતી ફાઇબરના બનેલ વસ્ત્રો જ શ્રેષ્ઠ છે.

6. બ્રાન્ડનો મોહ ટાળો

મોંઘી બ્રાન્ડ એટલે હંમેશાં સારા જ કપડાં એવું નથી હોતું, માટે ઇન્ટરનેશનલ બ્રાન્ડમા મોહમાં મોંઘા વસ્ત્રો ખરીદવાને બદલે સ્થાનિક બનાવટના વસ્ત્રો ખરીદો. એનાથી દેશની ઇકોનોમીને વેગ મળશે. ખાદી જેવા વિકલ્પો પર પસંદગી ઉતારીને તમે ગૃહ ઉદ્યોગોને પણ મદદરૂપ થઈ શકો.

7. ફ્રાંસની તો વાત જ અનોખી છે

વસ્ત્રોની ખરીદીમાં રિપેર, રિયુઝ અને રિસાયકલનો મંત્ર અપનાવો. જૂના કપડા ફેંકી દેવાને બદલે તેનું સમારકામ કરી/કરાવીને ફરી વાપરી શકાય. એના રંગો બદલાવીને, થોડુંઘણું નિડલવર્ક કરાવીને, બે-ત્રણ કપડાં ભેગા કરીને કશોક કળાત્મક પહેરવેશ પણ સર્જી શકાય. આના માટે સ્થાનિક દરજી કે પ્રોફેશનલ કોસ્ચ્યુમ ડિઝાઇનરની મદદ લઈ શકાય. નવા કપડાં ખરીદવા કરતાં જૂનાને ઠીકઠાક કરીને પહેરવા વધુ સસ્તું પડશે. ફ્રાંસની સરકારે તાજેતરમાં કપડાં અને જૂતાંની મરમ્મત માટે સબસિડી આપવાનો દેશવ્યાપી યોજના રજૂ કરી છે, જેથી નાગરિકો જૂના કપડાં અને જૂતાં ફેંકી દેતા અટકે. આપણી સરકાર તો આવું પ્રોત્સાહન આપે કે ન આપે, પણ આપણે પોતે જવાબદાર નાગરિક તરીકે આ કામ કરી જ શકીએ.

8. વર્ષો વર્ષ ચાલે એવા વસ્ત્રો પર પસંદગી ઉતારો

કપડાંની વાત આવે ત્યારે જિન્સથી મજબૂત બીજું કશું નહીં. લેધરના વસ્ત્રો પણ વ્યવસ્થિત વાપરો તો લાંબો સમય ટકી રહે. જિન્સ ખરીદો ત્યારે ઓછામાં ઓછી ડિઝાઇન અને પેટર્ન ધરાવતો જિન્સ ખરીદો, જેથી એ દરેક સિઝનમાં પહેરી શકાય અને ટકે ત્યાં સુધી આઉટ-ઑફ ફૅશન નહીં થાય. ડિસ્ટ્રેસ્ડ અને વૉશ્ડ જિન્સ ખરીદવાનું ટાળો કેમ કે એની બનાવટમાં પર્યાવરણને વધુ નુકસાન કરે એવા કેમિકલનો વપરાશ થયો હોય છે. જિન્સ સ્ટ્રેચેબલ ખરીદવાનું રાખો જેથી તમારી વધતી કમર છતાં એક પિસ વર્ષો સુધી પહેરી શકાય.


Google NewsGoogle News