IAS-IPS નહિ પણ યુવાનો કરવા માંગે છે આ નોકરી, સર્વેમાં થયો ખુલાસો
ગ્રામીણ ક્ષેત્રના યુવાનોની પહેલી પસંદ ડોક્ટર, પોલીસ અને ટીચરની નોકરી
જયારે ચારમાંથી એક યુવાન તેના કરિયર વિકલ્પ બાબતે સ્પષ્ટ નથી
Career option for Students: સમયની સાથે યુવાનોની નોકરી બાબતે રૂચી બદલાતી રહે છે. એક એવો સમય હતો જયારે યુવાનોની કરિયર બનાવવાની પહેલી પસંદગી સિવિલ સેવા હતી. પરંતુ સમય જતા ખાનગીક્ષેત્રે તેમજ અન્ય સરકારી ક્ષેત્રોમાં નોકરીની તકો વધતા યુવાનોની પસંદમાં પણ પરિવર્તન આવ્યું. પરંતુ હાલમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર ગ્રામીણ ક્ષેત્રના યુવાનોની પહેલી પસંદ ડોક્ટર, પોલીસ અને ટીચરની નોકરી છે. આ ઉપરાંત તેઓ આર્મી અને એન્જિનિયરિંગને પણ સારા કરિયર વિકલ્પો તરીકે જુએ છે.
21 ટકા ગ્રામીણ યુવાનો પોતાના કરિયર બાબતે સ્પષ્ટ નથી
એક મીડિયા રિપોર્ટ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં બાળકોના સૌથી ઓછા મનપસંદ ક્ષેત્રોમાં સ્પોર્ટ્સ, કૃષિ, નોકરશાહી અને ઘરેલું કામનો સમાવેશ થાય છે. 13.8 ટકા યુવાનોઓ આર્મીમાં અને 13.6 ટકા યુવતીઓ પોલીસમાં જોડાવા માંગે છે. જ્યારે 16 ટકા યુવા વર્ગ શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે, જ્યારે 14.8 ટકા ડોક્ટર બનવા માંગે છે. તેમજ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે 14-18 વર્ષની વયના 21 ટકા ગ્રામીણ યુવાનોએ પોતાના કરિયર વિષે કઈ વિચાર્યું જ નથી. તેમજ 2.1 ટકા એવા યુવાનો પણ છે કે જેઓ કઈ જ કામ કરવા માંગતા નથી.
રાજ્ય પ્રમાણે યુવાનોની કરિયર પસંદગી
2023ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે યુપીના હાથરસ જિલ્લામાં એક તૃતીયાંશ કરતાં વધુ યુવતીઓ તેમની કામની પસંદગી વિશે કહી શકતી નથી. જ્યારે છત્તીસગઢના ધતમારી અને હિમાચલ પ્રદેશના સોલનની યુવતીઓ શિક્ષક કે ડોક્ટર બનવાને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. તેમજ કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ યુવતીઓ પોલીસમાં કરિયરને વધુ સારો વિકલ્પ માને છે.
રાજસ્થાન અને છત્તીસગઢમાં 30 ટકાથી વધુ યુવતીઓ શિક્ષક બનવા માંગે છે. જ્યારે નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં સેનામાં જોડાવું એ પહેલી પસંદગી છે. જો કે આ ત્રણ રાજ્યોમાં માત્ર 7 ટકા યુવતીઓ જ સેનામાં જોડાવાનું પસંદ કરે છે. ડેટા દર્શાવે છે કે 14-18 વર્ષની વયજૂથના માત્ર 1.4 ટકા યુવાનો ખૂબ મહેનત અને તડકામાં કામ કરવાના કારણે તેમના પ્રાથમિક વ્યવસાય તરીકે ખેતીને અપનાવવા માંગે છે.