આઝાદ ભારતનું પહેલું કૌભાંડ, જેનો પર્દાફાશ વડાપ્રધાન નહેરુના જમાઈએ કર્યો હતો
ઈન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીએ રાજકારણમાં એન્ટ્રી કરતા જ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને મુશ્કેલીમાં મુકી દીધા હતા
ફિરોઝ ગાંધી સાંસદ હોવા ઉપરાં જવાહરલાલ નહેરુના જમાઈ હતા, છતાં ફિરોઝે પોતાની સરકારમાં થયેલા કૌભાંડ પર્દાફાશ કર્યો હતો
LIC-Mundhra Scam : જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. નહેરુ અને અન્ય અનેક મહાન નેતાઓના નેતૃત્વમાં આઝાદ ભારત આગળ વધી રહ્યું હતું, જોકે એક સમય એવો આવ્યો કે, તેમના જમાઈ ફિરોઝ ગાંધીએ જ તેમને મુશ્કેલીમાં નાખી દીધા હતા. ફિરોઝ ગાંધીએ સંસદ એવો મુદ્દો ઉઠાવ્યો કે નાણામંત્રીએ રાજીનામું આપવું પડ્યું અને આઝાદ ભારતનું પ્રથમ કૌભાંડ (India First Scam) સામે આવ્યું. આ કૌભાંડને એલઆઈસી-મુદ્રા કૌભાંડ તરીકે ઓળખવામાં આવે છે.
ફિરોઝ ગાંધી કોણ હતા
ફિરોઝ ગાંધી (Feroze Gandhi) માત્ર એક રાજનેતા જ નહીં પણ સ્વતંત્રતા સેનાની અને નિર્ભય પત્રકાર પણ હતા. ફિરોઝ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi)ના પતિ હતા. એવું મનાય છે કે, જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) ઈન્દિરા અને ફિરોઝના સંબંધોથી ખૂબ નારાજ હતા, તેથી જ બંને વચ્ચે મતભેદ હતા. તે જ સમયે જ્યારે ફિરોઝ ગાંધી રાજકારણમાં આવ્યા ત્યારે તેમણે વડાપ્રધાન નહેરુ માટે મુશ્કેલી ઊભી કરી હતી. ફિરોઝ રાજકારણી હોવા ઉપરાંત પત્રકાર પણ હતા તેથી તેઓ હોશિંયાર અને ચાલાક પણ કહેવાતા હતા.
ફિરોઝે રાજકારણમાં આવતા જ ચૂંટણી જીતી
ફિરોઝ ગાંધી નેશનલ હેરાલ્ડ અને નવજીવન જેવા અખબારો સાથે સંકળાયેલા હતા. આ દરમિયાન તેમને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે 1952માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી પ્રથમ ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેઓ આ બેઠક પરથી ઘણી વખત ચૂંટાતા આવ્યા. વર્ષ 1956માં રાજકીય ક્ષેત્રે એક મોટી ઘટના બની હતી, જેના કારણે વડાપ્રધાન નહેરુ પર મુશ્કેલી આવી ચઢી હતી. આ દરમિયાન રાયબરેલી બેઠકના સાંસદ અને તેમના જમાઈ ફિરોઝ ગાંધીએ એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમણે 1956માં એલઆઈસી-મુન્દ્રા કૌભાંડને ઉજાગર કરી આખા દેશમાં સનસની મચાવી દીધી હતી. ફિરોઝ ગાંધી પોતે સત્તાધારી પાર્ટીના સાંસદ હોવા છતાં પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેમના સસરા નહેરુ સરકારમાં વડાપ્રધાન હતા, તેમના પર જ ફિરોઝ ગાંધીએ કૌભાંડના ગંભીર આક્ષેપો કરી આક્રમક પ્રહારો કર્યા હતા.
સંસદમાં નહેરુ અને ફિરોઝ આમને-સામને
વર્ષ 1957માં ફિરોઝ ગાંધીએ સંસદમાં નિચલા ગૃહ લોકસભામાં કૌભાંડ મુદ્દે જોરદાર ભાષણ આપ્યું હતું. ફિરોઝે માત્ર સંસદમાં જ નહીં સંસદની બહાર પણ મુદ્દો ઉછાળી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સસરા અને જમાઈ વચ્ચે ઉગ્ર વિવાદ અને કૌભાંડના કારણે વડાપ્રધાન નહેરુની વિશ્વસનીયતા પર સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા હતા. કૌભાંડનો મુદ્દો એવો ગરમાયો કે, નહેરુ પર દબાણ આવ્યું અને તેમણે નાણામંત્રી ટી.ટી.કૃષ્ણામચાલીનું રાજીનામું લઈ લીધું હતું.
નહેરુએ નાછુટકે કેબિનેટમાંથી મંત્રીને કાઢવા પડ્યા
ફિરોઝ ગાંધીએ વર્ષ 1957ના એલઆઈસી-મુદ્રા કૌભાંડ મામલે નહેરુજીને એવા ઘેરી લીધા હતા કે, તેમના માટે તમામ સ્થિતિ અસહજ થઈ ગઈ હતી. ફિરોઝ ગાંધી સરકાર પર રોજબરોજ કૌભાંડ મામલે આકરા પ્રહારો કરતા રહેતા હતા. આવી સ્થિતિમાં તત્કાલીન સરકારના વડાપ્રધાન નહેરુએ નાછુટકે પોતાના જ પસંદગીના મંત્રીને કેબિનેટમાંથી બહાર રસ્તો બતાવવો પડ્યો.
એલઆઈસી-મુદ્રા કૌભાંડ કેવી રીતે આચરાયું હતું?
તે સમયે ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ કોલકતાના ઉદ્યોગપતિ અને શેર બજારના સટોડિયા હરિદાસ મૂંદડાની નૉન-પરફોર્મિંગ કંપનીના લાખો રૂપિયાના શેર ખરીદ્યા હતા. આ મામલે તપાસ શરૂ થઈ અને તેમાં એવું સામે આવ્યું કે, હરિદાસ મૂંદડાએ પોતાની શંકાસ્પદ કંપનીઓના શેર ઊંચા ભાવે ખરીદવા સરકારી તંત્રનો ઉપયોગ કરી એલઆઈસીને મજબૂર કરી હતી. આ જ કારણે એલઆઈસીને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારબાદ હરિદાસ મૂંદડાની ધરપકડ કરવામાં આવી અને તેઓ દોષિત હોવાનો પણ ખુલાસો થયો હતો.
હરિદાસે નકલી શેર સર્ટિફિકેટ બનાવી લોન લીધી
હરિદાસે પોતાની કંપનીઓના શેરના ભાવ સટોડિયાઓની મદદથી ઉંચકાવડાવી દીધેલા. નાણાં મંત્રાલયમાં પૈસા ખવડાવીને બેંકો પર દબાણ લાવીને આ શેરો ગિરવે મૂકીને તેણે લોન લીધી ને આ લોનમાંથી કંપનીઓ ખરીદી પણ કંપનીઓ ચલાવવા રોકડ જોઈએ એ જ નહોતી તેથી મુંદ્રાના આંટા આવવા માંડેલા. બીજી તરફ હરિદાસની કંપનીઓ કંઈ કમાલ નહોતી કરી શકતી તેથી કૃત્રિમ રીતે વધારવામાં આવેલા શેરના ભાવ ગગડવા માંડયા. મુંદ્રાએ શેરોમાં ધોવાણ રોકવા માટે પોતાની કંપનીના શેરો ખરીદવા માંડયા પણ તેનાથી બહુ ફરક ના પડયો. હરિદાસે નકલી શેર સર્ટિફિકેટ્સ બનાવડાવીને તેના બદલામાં બેંકો પાસેથી લોન લીધી. એ નાણાં પણ જલદી વપરાઈ ગયાં તેથી મુંદ્રા પાછા ઠનઠન ગોપાલ થઈ ગયા.
સરકારના બેઠેલા લોકો હરિદાસની મદદે આવ્યા
હરિદાસ કોંગ્રેસને છૂટા હાથે ડોનેશન આપતા હતા તેથી સરકારમાં બેઠેલા લોકો તેની મદદે આવ્યા. તેમણે એલઆઈસીનાં નાણાંનું હરિદાસની કંપનીમાં રોકાણ કરાવડાવી દીધું. ઉપરથી આવેલા આદેશના પગલે હરિદાસને બચાવવા માટે એલઆઈસીએ હરિદાસની કંપનીના શેરો ખરીદવા માંડયા. એલઆઈસીની એક વર્ષ પહેલાં જ સ્થાપના થયેલી.
ફિરોઝ ગાંધીને હરિદાસ અને સરકારના કમઠાણનો લોકસભામાં ઘટસ્ફોટ કર્યો
એલઆઈસીનાં નાણાં ક્યાં રોકવાં તેનો નિર્ણય લેવા માટે ઈન્વેસ્ટમેન્ટ કમિટી બનાવાયેલી પણ તેને પૂછયા વિના જ બારોબાર હરિદાસની કંપનીના લાખોના શેર હરિદાસ પાસેથી ખરીદી લેવાયા. એલઆઈસીની મદદ મળતાં સાવ બેસી જવાના આરે આવી ગયેલી હરિદાસની ઘણી કંપનીઓ બચી ગયેલી પણ આ વાત ગમે તે રીતે ફિરોઝ ગાંધી પાસે પહોંચી જતાં તેમણે લોકસભામાં ધડાકો કરી નાંખ્યો. ફિરોઝે ગોટાળાના જડબેસલાક પુરાવા મૂકેલા તેથી નહેરૂ સરકારે આ ગોટાળાની તપાસ માટે જસ્ટિસ એમ.સી. ચાગલાના નેતૃત્વમાં એક તપાસ પંચ રચવું પડયું.
હરિદાસે નાણાં મંત્રાલયના અધિકારીઓની મદદથી કૌભાંડ કર્યું
આ તપાસ પંચે 1958ની શરૂઆતમાં આપેલા રીપોર્ટમાં હરિદાસ હરિદાસે નાણાં મંત્રાલયના અધિકારીઓની મદદથી કૌભાંડ કર્યું હોવાનો રીપોર્ટ આપ્યો હતો. સાથે સાથે નાણાં મંત્રી ટી.ટી. કૃષ્ણમાચારી ઉર્ફે ટીટીકેને પણ દોષિત ઠેરવ્યા હતા. ટીટીકેએ દોષનો ટોપલો પોતાના સેક્રેટરી પર ઢોળીને છટકી જવા કોશિશ કરેલી પણ જસ્ટિસ ચાગલાએ ટીટીકેને સીધો દોષિત ગણાવ્યા હતા. તેના પગલે નાણાં મંત્રી ટીટીકેના માથે માછલાં ધોવાવા માંડતાં છેવટે 18 ફેબ્રુઆરી, 1958ના રોજ ટીટીકીએ રાજીનામું આપવું પડેલું.
નહેરુના કહેવાથી હરિદાસને બચાવાયા?
હરિદાસને મદદ નહેરૂના કહેવાથી કરાઈ હોવાનો ને નહેરૂને બચાવવા ટીટીકેને બલિનો બકરો બનાવાયા હોવાની ચર્ચા પણ એ વખતે જોરશોરથી ચાલી હતી. નહેરૂની સીધી કોઈ ભૂમિકા નહોતી તેથી તેમની સામે સીધી આંગળી ચીંધી શકાય તેમ નહોતું તેથી એ બચી ગયેલા. નહેરૂ બીજા જ વર્ષે ટીટીકેને ફરી નાણાં મંત્રી બનાવીને સરકારમાં પાછા લઈ આવેલા. તેના કારણે નહેરૂ અને ટીટીકેની સાંઠગાંઠ હોવાની શંકા દ્રઢ બનેલી પણ કોઈ પુરાવા નહોતા તેથી ટીટીકે પણ નિર્દોષ છૂટી ગયેલા. જસ્ટિસ ચાગલા પંચના આધારે હરિદાસ હરિદાસ સામે કેસ ચાલેલો ને તેમાં તેને 22 વર્ષની સજા થયેલી. હરિદાસની કંપનીઓ બેસી ગયેલી તેથી તેને ફાયદો કરાવવા માટે એલઆઈસીએ રોકેલાં નાણાં કદી પાછાં ના મળ્યાં.
હરિદાસ ભારે ભેજાબાજ, નાણાં ખર્ચીને અધિકારીઓને ખરીદ્યા
એલઆઈસીના હરિદાસ હરિદાસ કેસે કોઈ ભેજાબાજ ધારે તો નાણાં ખર્ચીને અધિકારીઓને ખરીદીને કેવો ખેલ કરી શકે છે એ સાબિત કરેલું. હરિદાસએ એ જમાનામાં નાણાં મંત્રાલયના અધિકારીઓને સાધીને પોતાના ગ્રુપની છ કંપનીઓમાં 1.24 કરોડ રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું. અત્યારે આપણે અબજોનાં કૌભાંડ સાંભળીએ છીએ તેથી આ રકમ બહુ મોટી ના લાગે પણ 1950ના દાયકામાં 1.24 કરોડ રૂપિયાની રકમ આજના 50 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે કહેવાય. હરિદાસએ શેરબજારના સટોડિયાઓનો પણ પોતાના ફાયદા માટે બખૂબી ઉપયોગ કર્યો હતો.
ભારત આઝાદ થયા બાદ હરિદાસે આચર્યું પ્રથમ કૌભાંડ
હરિદાસને હર્ષદ મહેતા, કેતન પારેખ, અબ્દુલ કરીમ તેલગી વગેરે પછીથી અબજો રૂપિયાનાં કૌભાંડો કરનારાંનો બાપ માનવામાં આવે છે કેમ કે ભારતમાં સરકારી તંત્રનો ઉપયોગ ભ્રષ્ટાચાર કરવા કરી શકાય છે એ સૌથી પહેલાં હરિદાસએ સાબિત કરેલું. હરિદાસએ કૌભાંડોથી મેળવેલાં નાણાંની મદદથી 4 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કર્યું હોવાની હવા જમાવી હતી. હરિદાસ દિલ્હીની આલિશાન હોટલ ક્લેરિજના સૌથી મોંઘા સ્યૂટમાં રહેતો ને સૌને ત્યાં જ મળવા બોલાવતો તેથી સૌ તેનાથી અંજાઈ જતા. એલઆઈસી કેસમાંથી હરિદાસ 1970ના દાયકામાં છૂટયો પછી ગુમનામીની જીંદગી જીવ્યો. 2018માં તે ગુજરી ગયો ત્યારે કોઈએ તેની નોંધ સુધ્ધાં નહોતી લીધી.