ભારતની પહેલી લોકસભા ચૂંટણી કેવી હતી? જાણો 1951 થી અત્યાર સુધીમાં શું-શું થયા ફેરફાર

દેશમાં પહેલીવાર 1951માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારથી અત્યાર સુધી 18 ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે

આ સમયગાળા દરમિયાન, ચૂંટણી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફારો થયા, જો કે સુધારા હજુ પણ ચાલુ છે

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
ભારતની પહેલી લોકસભા ચૂંટણી કેવી હતી? જાણો 1951 થી અત્યાર સુધીમાં શું-શું થયા ફેરફાર 1 - image


First General Election: દેશમાં થોડા જ સમયમાં લોકસભાનું ચૂંટણી યોજાશે. દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાય છે. દેશમાં પહેલીવાર 1951માં ચૂંટણી યોજાઈ હતી અને હાલ પણ દેશમાં એ જ પરંપરાથી આગળ વધી રહ્યો છે. આઝાદીના 76 વર્ષ બાદ ભારત જ્યારે 18મી લોકસભાની ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહીની ચૂંટણીલક્ષી યાત્રા પર એક નજર કરીએ.

દેશની પહેલી સામાન્ય ચૂંટણી

આ વર્ષે દેશની દેશની 18મી લોકસભા ચૂંટણી હશે. 17મી લોકસભાની ચૂંટણીનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઇ જશે. એવામાં જો  ભારતની પહેલી લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તે વર્ષ 1951માં યોજાઈ હતી. તેમજ પહેલી લોકસભાનું ગઠન 17 એપ્રિલ 1952માં થયું હતું. 

વર્ષ 1951માં પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઘણા પડકાર હતા. એ સમયે ભારતની આબાદી 35 કરોડ હતી, જેમાંથી લગભગ 85 ટકા લોકો અશિક્ષિત હતા. લોકો સુધી સીધું  જ પહોંચી શકાય તેવું સંચારનું કોઈ જ માધ્યમ નહિ. તેમજ ટીવી પણ ન હતા અને રેડિયો પણ ખૂબ ઓછા લોકો પાસે હતા તેમજ અખબાર પણ ખૂબ ઓછા છપાતા હતા. આ ઉપરાંત લોકોમાં લોકતંત્ર બાબતે કોઈ જ જાગૃતિ ન હતી, કારણ કે તેમજ પહેલા ક્યારેય લોકતંત્ર જોયું જ ન હતું. એવી પરિસ્થિતિમાં ચૂંટણી કરાવવી ખરેખર પડકારજનક હતું.  

વિવિધ સંચાર માધ્યમો દ્વારા આપી જાણકારી 

મત કેવી રીતે આપવાનો છે અને ક્યાં આપવાનો છે તે સમજાવવા માટે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની એક ફિલ્મ બનાવવમાં આવી હતી. આ ફિલ્મ 30 હજારથી પણ વધુ સિનેમાઘરોમાં આ ફિલ્મ મફતમાં દેખાડવામાં આવી હતી. આ સિવાય ઓલ ઇન્ડિયા રેડિયોમાં પણ ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયાને લગતા ઘણા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. તેમજ અખબારોમાં પણ વિજ્ઞાપન દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવી હતી. તે સમયે ચૂંટણીમાં 25 લાખ સ્ટીલના બેલેટ બોક્સ અને  180 ટન કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે દરેક પાર્ટીના અલગ બેલેટ બોક્સ રહેતા. તે સમયે ચૂંટણીમાં રૂ. 10 લાખનો ખર્ચ થયો હતો. 

85 ટકા લોકો અશિક્ષિત 

પ્રથમ લોકસભા ચૂંટણી સમયે મતદાનની ઉંમર 21 વર્ષ હતી. પ્રથમ લોકસભા ચૂંટણીમાં 17.3 કરોડ મતદાતા હતા અને 45 ટકા મતદાન થયું હતું. 489 સીટ પર 53 રાજકીય પક્ષોએ પોતાની કિસ્મત અજમાવી હતી. ચૂંટણીમાં 364 સીટ જીતીને કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી. 37 સીટ સાથે બીજી સૌથી વધુ સીટો અપક્ષ ઉમેદવારે જીતી હતી. તેમજ ભારતીય જનસંઘને 3 સીટ મળી હતી. જવાહરલાલ નહેરુને પ્રધાનમંત્રી અને સદનના નેતા ચૂંટવામાં આવ્યા હતા. એ સમયે કોઈ પણ ઔપચારિક રીતે સદનના નેતા તરીકે પસંદ કરવામાં આવતા ન હતા. સદનના નેતાના પદની માન્યતા વર્ષ 1969થી આપવામાં આવી હતી. 

ચૂંટણી પ્રક્રિયામાં થયો ફેરફાર 

પહેલી લોકસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારને મતદાન કેન્દ્ર પર પોતાના નામ અને ચૂંટણી ચિન્હ ધરાવતી એક અલગ કલરની મતદાન પેટી આપવામાં આવતી હતી. જેથી અશિક્ષિત લોકો પણ સરળતાથી મતદાન કરી શકે. પહેલી લોકસભા ચૂંટણી 68 ચરણમાં યોજાઈ હતી. જયારે 2019ની લોકસભા ચૂંટણી માત્ર 7 ચરણમાં 50 જ દિવસમાં પૂરી થઇ ગઈ હતી. 

મતદાનમાં ગેરરીતિ થતી અટકાવવી પણ પડકારજનક 

ચૂંટણી પંચ સમક્ષ એક પડકાર મતપેટીઓની લૂંટ અને નકલી મતદાનને રોકવાનો પણ હતો. એક જ વ્યક્તિ વારંવાર મતદાન ન કરે તે માટે લાંબો સમય ટકી રહે એવી શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેશનલ ફિઝિકલ લેબોરેટરીની મદદથી વિકસાવવામાં આવેલી આ શાહીનો ઉપયોગ સૌપ્રથમવાર 1962ની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો અને તે હજુ પણ મતદાતાના મતદાનનો પ્રાથમિક પુરાવો છે.

બેલેટ પેપરથી ઈવીએમ સુધીની સફર 

ચૂંટણીના પ્રક્રિયામાં સૌથી મોટો ફેરફાર 1990ના દાયકાના અંતમાં આવ્યો જ્યારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) રજૂ કરવામાં આવ્યા. તે પહેલા બેલેટ પેપર દ્વારા મતદાન દરમિયાન ભારે ગેરરીતિ થતી હતી. મતદાન પેટીઓની લૂંટથી માંડીને બૂથ કેપ્ચરિંગ દ્વારા છેતરપિંડીથી મતદાન સુધી, ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા સમાચારો દરેક વખતે હેડલાઇન્સ બન્યા હતા. 2004માં પ્રથમ વખત ઈવીએમએ બેલેટ પેપરને સંપૂર્ણપણે બદલી નાખ્યું. તે જ વર્ષે, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં, સંપૂર્ણ રીતે ઈવીએમ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ઈવીએમની સાથે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ (VVPAT) પણ આવ્યા. VVPAT દ્વારા મતદારને ખબર પડે છે કે તેનો મત યોગ્ય ઉમેદવારને ગયો કે નહીં. આનાથી ઈવીએમ હેકિંગ જેવી અફવાઓ પર પણ શાંત થઇ છે.

ભારતની પહેલી લોકસભા ચૂંટણી કેવી હતી? જાણો 1951 થી અત્યાર સુધીમાં શું-શું થયા ફેરફાર 2 - image


Google NewsGoogle News