દેશમાં એક સમયે યોજવામાં આવી હતી 'નકલી ચૂંટણી', લોકોને જાગૃત કરવા થયો હતો અનોખો પ્રયોગ
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દેશના લોકશાહીના ઈતિહાસની એક રોચક બાબત ઉપર પણ નજર કરવા જેવી છે. દેશમાં પહેલી વખત 25 ઓક્ટોબર 1951થી ફેબુ્રઆરી 1952 સુધીમાં લોકસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. દેશના સંસદની પહેલી સરકાર રચાય તે પહેલાં દેશમાં એક ચૂંટણી થઈ હતી.
મતદાન પ્રક્રિયાની સમજ આપવા કરી નકલી ચૂંટણી
દેશમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ તેની પહેલાં 1951ના શરુઆતના મહિનાઓમાં દેશમાં એક મતદાન કેમ્પેન કરવામાં આવ્યું હતું. જેમાં દેશમાં નકલી ચૂંટણીઓ કરવામાં આવી હતી જેથી લોકોને મતદાનની કામગીરી અને પ્રક્રિયા વિશે સમજ મળે.
અનોખો ચૂંટણી પ્રચાર
દેશમાં પહેલી વખત ચૂંટણી થઈ ત્યારે ચૂંટણી પ્રચાર પણ અનોખો જોવા મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા રખડતા ઢોરની ઉપર કોંગ્રેસને મત આપો તેવું લખીને પ્રચાર કરવામાં આવ્યો હતો. એક તરફ વિવિધ પક્ષો દ્વારા જનસભાઓ કરવામાં આવતી હતી ત્યાં કોમ્યુનિસ્ટ પાર્ટી આધુનિક રીતે ચૂંટણી પ્રચાર કરતી હતી.
રેડિયો મોસ્કો દ્વારા ચૂંટણી પ્રચાર
તે સમયે કોમ્યુનિસ્ટ પાર્ટી એકમાત્ર એવી પાર્ટી હતી જેણે રેડિયો દ્વારા ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે સમયે આકાશવાણી તો નહોતું પણ રેડિયો મોસ્કો ચાલતું હતું. આ રેડિયો સ્ટેશન તાસ્કંદમાં પોતાના ટ્રાન્સમીટર દ્વારા ઓપરેટ થતો હતો. કોમ્યુનિસ્ટ પાર્ટીએ તેના દ્વારા ચૂંટણી પ્રચાર કર્યો હતો.