દેશનું સૌપ્રથમ 'CenCOPS' તૈયાર, સાયબર સિક્યુરિટી સિસ્ટમ બનશે મજબૂત, ડિસેમ્બરમાં કરાશે ઉદ્ઘાટન
સાયબર ઓપરેશનલ અને સુરક્ષા કેન્દ્ર ભારતીય વાયુસેનાના હેરિટેજ સેન્ટરની બિલ્ડિંગમાં બનવામાં આવ્યું છે
India's First Cyber Operations and Security Center : આજના આ ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા એક મોટી સમસ્યા બનતી જાય છે. સાયબર સુરક્ષાને લઈ સરકાર દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યા છે. એવામાં દેશનું પહેલું સાયબર ઓપરેશનલ અને સુરક્ષા કેન્દ્ર 'CenCOPS' થોડા સમયમાં શરુ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા ડિસેમ્બરમાં ચંદીગઢ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સાયબર ઓપરેશનલ અને સુરક્ષા કેન્દ્ર ભારતીય વાયુસેનાના હેરિટેજ સેન્ટરની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું છે. તેના અમલીકરણથી ભારતની સાયબર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ સેન્ટર દ્વારા સાયબર ક્રાઈમના કેસોને ઉકેલવામાં પણ સરળતા મળશે. આ સાથે પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને પણ સાયબર ક્રાઇમ સાથે જોડાયેલ કેસોના નિવારણ માટે મદદ પૂરી પાડવામાં આવશે.
હેકિંગની કોશિશ પર એલર્ટ આપશે
CenCOPS દ્વારા ડેટાને સુરક્ષિત રાખવામાં આવશે. આ માટે કેન્દ્ર ઘણા વિભાગો સાથે મળીને કામ કરશે. આમાં ઘણી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને પણ સામેલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ડેટા હેકર્સથી સુરક્ષિત રહેશે અને સંવેદનશીલ માહિતી લીક ન થાય તે અંગે ધ્યાન રાખશે. ઉપરાંત કોઈપણ પ્રકારની હેકિંગની કોશિશ પર પણ એલર્ટ આપશે.
DRDO કમાન્ડ સંભાળશે
આ કેન્દ્ર કાર્યરત થયા બાદ પ્રથમ ત્રણ વર્ષ માટે DRDO દ્વારા ચાલવામાં આવશે. તેની કામગીરી ઉપરાંત, DRDO કાયદા અમલીકરણ વ્યાવસાયિકોને સઘન તાલીમ પણ આપશે. આ કાર્યક્રમ હેઠળ, સાયબર છેતરપિંડીના મામલાઓને લગતી જટિલતાઓ વિશ્લેષણાત્મક તકનીકોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પણ પ્રદાન કરવામાં આવશે. સાથે જ સાયબર ક્રાઈમને લગતા સંજોગોને સમજવાની અને સંબંધિત ડેટાનું મૂલ્યાંકન કરવાની ટેકનિક પણ શીખવવામાં આવશે.
સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણોનું વિશ્લેષણ કરશે
સેનકોપ્સ સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણોના હાર્ડવેરનું પણ વિશ્લેષણ કરશે. જેમાં મોબાઈલ ફોન, લેપટોપ, કેમેરા અને ડ્રોન વગેરે સામેલ હશે. આવી સ્થિતિમાં, તે ઑનલાઇન સાયબર છેતરપિંડીના કેસોને ઝડપથી ઉકેલવામાં મદદ કરશે. સેનકોપ્સ સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે. વિવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત ડેટાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેથી કરીને અનુમાનિત પોલીસિંગ પ્રયાસો કરી શકાય.