ભારતે ચીનની ઘેરાબંધી શરુ કરી, પાકિસ્તાનને પણ ઝટકો, મોટા ઇસ્લામિક દેશને બ્રહ્મોસ મિસાઇલ વેચશે
India-Indonesia Defense Relation: ભારતે ઇન્ડોનેશિયા સાથેના સંબંધોને ગાઢ બનાવી પાકિસ્તાનની સાથે સાથે ચીનને પણ ઝટકો આપ્યો છે. ભારતે ઇન્ડોનેશિયા સાથે રક્ષા સંબંધોને મજબૂત બનાવી હિન્દ મહાસાગરમાં ચીનને ઘેર્યું છે. બીજી તરફ વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયા સાથે મિત્રતા કેળવી પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે, હિન્દ મહાસાગરમાં ચીનના પડકારને ઉકેલવા ભારત એશિયન દેશો સાથે ગાઢ સંબંધ સ્થાપી રહ્યું છે. ઇન્ડો-પેસિફિક દેશો સાથે રક્ષા અને વેપાર સંબંધો મજબૂત બનાવી ભારત ચીનની દખલગીરી ઘટાડવાના પ્રયાસ કરી રહ્યો છે. આ દિશામાં ઇન્ડોનેશિયા સાથે મજબૂત સંબંધ ચીનનો પ્રભાવ ઘટાડવા મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
પાકિસ્તાનના ષડયંત્રોને નબળા પાડશે
બીજી તરફ પાકિસ્તાન ઇસ્લામિક દેશો સાથે મળી કાશ્મીર અને લઘુમતીના મુદ્દે નવા-નવા ષડયંત્રોને અંજામ આપે છે. પરંતુ ભારતની ઇન્ડોનેશિયા સાથેની મિત્રતા પાકિસ્તાનના આ ષડયંત્રોને નબળા કરશે. વડાપ્રધાન મોદીએ 2018માં ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરવા ભાગીદારી કરી હતી. તદુપરાંત મોદીએ ગત વર્ષે રિયો-ડી-જાનેરિયોમાં રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સાથે મુલાકાત કરી હતી.
દરેક ક્ષેત્રમાં સહયોગ વધાર્યો
ભારત અને ઇન્ડોનેશિયાએ 2018માં રક્ષા સંબંધોને મજબૂત બનાવવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. બાદમાં બંને દેશોની સેનાએ સંયુક્ત યુદ્ધાભ્યાસ શરુ કર્યો હતો. 1997માં અંતરિક્ષ ક્ષેત્રમાં પણ જોડાણ કર્યું હતું. ભારત ઇન્ડોનેશિયાને દવાઓ અને ઉપચાર સાધનોની નિકાસ કરે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તે દરમિયાન રાજનીતિ, રક્ષા, સુરક્ષા સહયોગ, વેપાર વગેરે વિષયો પર ચર્ચા કરશે. અન્ય ઘણા વેપાર કરાર થવાની શક્યતા પણ છે.
ઇન્ડોનેશિયા ચોથી વખત અતિથિ વિશેષ
ભારતે પોતાના 76મા ગણતંત્ર દિવસની ઉજવણી માટે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાંતો ચોથી વખત અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. આ મુલાકાતમાં ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ વેચવાના નિર્ણયને અંતિમ સ્વરૂપ આપી શકે છે. જો કે રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રબોવોની આ પ્રથમ ભારત મુલાકાત છે. સુબિયાંતોની સાથે 352 સભ્યોની માર્ચિંગ અને બેન્ડ ટુકડી પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે. પ્રથમ વખત ઇન્ડોનેશિયાની માર્ચિંગ અને બેન્ડ ટુકડી દેશની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે.
બ્રહ્મોસ ઇન્ડો-પેસિફિક દેશોનું રક્ષણ કરશે
ભારતમાં નિર્મિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના ઘણા દેશોને ચીન સામે સ્વરક્ષણ પૂરુ પાડતાં સુરક્ષા કવચ પ્રદાન કરશે. ફિલિપાઇન્સ બાદ હવે ઇન્ડોનેશિયા પણ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા જઈ રહ્યું છે. મલેશિયા અને વિયેતનામ નામના અન્ય બે દેશોએ તેમાં રસ દાખવ્યો છે, થાઇલૅન્ડ તરફથી પણ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. સૂત્રો મુજબ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 45 કરોડ ડૉલરના બ્રહ્મોસ ખરીદીના સોદાને મંજૂરી મળી શકે છે.
આ પણ વાંચોઃ બજેટમાં બે મોટી જાહેરાતની અપેક્ષા: સ્માર્ટફોનના ભાવ ઘટશે, ખેડૂતોને પણ થશે આ લાભ
ડિફેન્સ એક્સપર્ટ કૅપ્ટન ડી કે શર્માના મતે ફિલિપાઇન્સ હોય કે ઇન્ડોનેશિયા, આ તમામ દેશો હિન્દ મહાસાગર(દક્ષિણ ચીન સમુદ્ર)ના દક્ષિણ ભાગમાં ચીનના જહાજોની ગતિવિધિઓથી પરેશાન છે. ચીનના જહાજો આ દેશોની દરિયાઈ સીમામાં ઘૂસીને એકાધિકાર સ્થાપવાનો પ્રયાસ કરે છે. સ્થિતિ એવી છે કે આ દેશોના માછીમારો તેમના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરી શકતા નથી. અત્યાર સુધી આ દેશોની સંરક્ષણ શક્તિ નબળી હોવાથી તેઓ ચીનના જહાજોની આક્રમકતાનો સામનો કરવા માટે પોતાની તાકાત વધારી રહ્યા છે. આ કારણોસર પહેલા ફિલિપાઇન્સે બ્રહ્મોસ મિસાઇલ ખરીદી હતી અને હવે ઇન્ડોનેશિયા પણ ખરીદવા જઈ રહ્યું છે. ભવિષ્યમાં વધુ દેશોમાંથી તેની ખરીદી થવાની શક્યતા છે.