ચીનની હરકતો સામે ભારતનું મોટું પગલું, LAC પર મોકલ્યાં 10000 જવાનો, પાડોશીના પેટમાં તેલ રેડાયું
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વિવાદિત સરહદ પર વધુ સૈનિકો તૈનાત કરવાનું ભારતનું પગલું "તણાવ ઘટાડવા માટે અનુકૂળ નથી"
India And China Relation News | ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ સરહદ પર ઘણા વર્ષોથી ચાલી રહેલો તણાવ ઘટે તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન ચીનની કાર્યવાહીને જોતા ભારતે વધુ સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જોકે ચીનને આ વાત પસંદ નથી આવી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વિવાદિત સરહદ પર વધુ સૈનિકો તૈનાત કરવાનું ભારતનું પગલું "તણાવ ઘટાડવા માટે અનુકૂળ નથી".
ભારતે અપનાવ્યો આ પ્લાન
અહેવાલો અનુસાર, ભારતે તેની પશ્ચિમી સરહદેથી 10,000 સૈનિકોની ટુકડી ખસેડી છે અને તેને ચીન સાથેની વિવાદિત સરહદને મજબૂત કરવા માટે ઉત્તરીય સરહદની નજીક તહેનાત કરી દીધી છે. ભારતના આ વ્યૂહાત્મક પગલાથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે "અમે સરહદ અને તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ. એલએસીને લઈને ભારતના પગલાં શાંતિ સ્થાપિત કરવાની તરફેણમાં નથી.
થશે આ મોટા ફેરફાર
ઉલ્લેખનીય છે કે ચીન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને બરેલી સ્થિત ઉત્તર ભારત (UB) વિસ્તારને સંપૂર્ણ આર્મી કોરમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલમાં તે એક મુખ્યરૂપે વહીવટી, તાલીમ અને અન્ય શાંતિ રક્ષા હેતુઓ માટે રચાયેલું છે. તેને હવે વધારાની આર્મી, આર્ટિલરી, એવિયેશન, એર ડિફેન્સ અને એન્જિનિયર બ્રિગેડ સાથે સંપૂર્ણ કોરમાં રૂપાંતરિત કરવામાં આવશે.