ભારતનો આફ્રિકાને કચડી વિરાટ વિજય
- કોહલીની તેના જન્મ દિને ચાહકોને રિટર્ન ગિફ્ટ : સચિનના વન ડે સદીના રેકોર્ડની બરાબરી કરી
- કોહલીની ૪૯મી સદી સાથે સિધ્ધી
- ભારતે વર્લ્ડ કપમાં સળંગ આઠમી જીત મેળવી ઃ ૩૨૭ના પડકાર સામે દ.આફ્રિકા ૮૩માં ખખડયું : જાડેજાની પાંચ વિકેટ
કોલકાતા: ભારતે વર્લ્ડ કપમાં સળંગ તેની આઠમી મેચ જીતતા ભારત પછીની આ વર્લ્ડ કપની સૌથી ધરખમ મનાતી અને પોઇન્ટ ટેબલમાં બીજુ સ્થાન ધરાવતી સાઉથ આફ્રિકાને દયનીય રીતે ૨૪૩ રનથી પરાજય આપ્યો હતો. ભારતે કોહલીની તેંડુલકરના વન ડે ૪૯ સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી (૧૦૧*)ની મદદથી ૫૦ ઓવરોમાં પાંચ વિકેટે ૩૨૬ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા માત્ર ૮૩ રનમાં ખખડી ગયું હતું. જાડેજાએ ૩૩ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
આ મેચ કોહલી અને ભારતીય ક્રિકેટ માટે એ રીતે યાદગાર રહી હતી કે કોહલીએ તેંડુલકરના સૌથી વધુ ૪૯ વન ડે સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. જોગાનુજોગ કોહલીનો આજે ૩૫મો જન્મદિન પણ હોઈ તેણે પોતાને અને દેશના ક્રેકિટ ચાહકોને જ આ સદી દ્વારા રિટર્ન ગિફ્ટ આપી હોય તેવું લાગ્યું. ભારત આજના વિજય સાથે ૮ મેચ ૮ વિજય અને ૧૬ પોઇન્ટ સાથે ટોચ પર છે. સાઉથ આફ્રિકા આ પરાજય છતા ૧૨ પોઇન્ટ સાથે બીજુ છે. હવે ભારત પ્રથમ સેમી ફાઈનલ લિસ્ટ તરીકે ચોથા નંબરે જે ક્વોલીફાય થશે તેના સામે પ્રથમ સેમી ફાઈનલ રમશે તે નિશ્ચિત થઇ ગયું છે.
કોહલી ન્યુઝીલેન્ડ સામે ૯૫ અને શ્રીલંકા સામે ૮૮ રનમાં આઉટ થઇ ગયો હતો. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે પણ તે સદીની નજીક (૮૫) પહોંચ્યો હતો. પણ આજે કદાચ તેના જન્મદિને જ આ અવસર તેના માટે લખાયો હોય તેમ લાગ્યું.
આજે સાઉથ આફ્રિકા સામે ૪૯મી ઓવરમાં રબાડાની બોલિંગમાં તેણે એક રન લઇને સદી પુરી કરી હતી.
કોલકતાના ઇડન ગાર્ડન પર બેટિંગ માટે કઠીન પીચ પર આ સદી નોંધાઈ હતી. તે વન ડાઉન આવીને છેક સુધી અણનમ રહ્યો તેના લીધે ભારત ૩૨૮ રન કરી શક્યું હતું. કોહલીએ ૧૧૯ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૧૦૦ રન પુરા કર્યા હતા. તે ૧૨૧ બોલ રમી ૧૦૧ રને અણનમ રહ્યો હતો. સદી પુરી થતા જ તેણે હેલ્મેટ ઉતારી હતી અને તેના બેટને કિસ કરી હતી તે પછી ઇડન ગાર્ડનના તેને ઉભા થઇને અભિવાદન આપતા પ્રેક્ષકોનો આભાર માનીતી મુદ્રા બતાવી હતી. તમામ પ્રેક્ષકોએ મોબાઈલ ફોનની લાઇટ ઓન રાખીને આ અવસરને ઝગમગાટ આપ્યો હતો.
આ પીચ બેટિંગ માટે અઘરી હતી. જે રીતે સાઉથ આફ્રિકાની ઇનિંગ સસ્તામાં સમેટાઈ તેના પરથી એ સ્પષ્ટ બન્યું હતું કે કોહલીની સદી કેવા વિપરીત સંજોગોમાં બની હતી.
સ્પિનર મહારાજા અને શામ્સી કંઇ પ્રભાવ પાડી શક્યા હતા. રોહિત શર્માએ ૪૦ રનની આક્રમક બેટિંગથી ૫.૫ ઓવરમાં જ સ્કોર ૬૨ રન પહોંચાડયો હતો. ગીલ મહારાજાના ક્લાસિક સ્પિન બોલમાં બોલ્ડ થયો તે પછી શ્રેયસ ઐયર (૭૭) અને કોહલીએ ત્રીજી વિકેટની ૧૩૪ રનની ભાગીદારી નોંધાવી હતી જે ભારતના મોટા સ્કોર માટે મહત્વની હતી.
રાહુલ (૮) અને સુર્યકુમાર (૨૨) સફળ નહતા રહ્યા. જાડેજાએ ૧૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૯ રન ફટકારતા આખરી ચાર ઓવરમાં ભારતે ૪૧ રન ઉમેર્યા હતા.
સાઉથ આફ્રિકાએ આ વર્લ્ડ કપમાં ૩૦૦ પ્લસ રન જ મહત્તમ ખડક્યા હોઈ ભારતના ચાહકોને પણ ઇંતેજાર હતો કે સાઉથ આફ્રિકાના કોક, દુસેન, કલાસેન, મિલર અને માર્કરામ જેવા બેટ્સમેનો ભારત સામે કેવું રમે છે.
સિરાજે આ વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી ચુકેલ કોકને (૫) બોલ્ડ કર્યો. ૨૨ રને બવુમાની બીજી વિકેટ પડી અને જાડેજા-શમીએ ધાક જમાવી. કુલદિપ યાદવે બે વિકેટ ઝડપી.
ભારત સામે શ્રીલંકા ૫૫ રને હવે સાઉથ આફ્રિકા ૮૩ એમ થ્રી ફિગર વગર ઓલ આઉટ થયા છે.