ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી: દિલ્હીમાં નોંધાયો પ્રથમ કેસ
Monkeypox Virus case: છેલ્લા કેટલાક સમયથી જે બાબતની ચિંતા હતી તે અંગે ફળીભૂત થઈ છે. ભારતમાં મંકીપોક્સે દેખા દીધી છે. આજે મંકીપોક્સ વાયરસનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. એક દિવસ પહેલા જ દિલ્હીના આ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં આઈસોલેટ રાખવામાં આવ્યો હતો. તેના સેમ્પલની તપાસ બાદ હવે આ દર્દીને એમપોક્સ વાયરસ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે.
જોકે એક રાહતની વાત એ છે કે આ દર્દી હાલમાં જ વિદેશથી ભારત પરત ફર્યો છે એટલેકે ભારતમાં લોકલ ટ્રાન્સમિશનનો હજી કોઈ કેસ નથી, આ દર્દી બહાથી વાયરસ લઈને આવ્યો છે. હાલમાં દર્દીને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કડક તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. હાલ દર્દીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પણ મંકીપોક્સ વાયરસ પર ચાંપતી નજર છે અને લોકોને ન ગભરાવાની સલાહ આપવામાં આવી રહી છે.
તંત્ર એક્શનમાં :
આઇસોલેટેડ દર્દીને હોસ્પિટલમાં સંપૂર્ણ પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવી રહી છે જેથી કોઇપણ રીતે વાયરસ ફેલાવાનું જોખમ ન રહે. આ સાથે, આરોગ્ય વિભાગ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરી રહ્યું છે અને તેની અસર જાણવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે 14 ઓગસ્ટના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંકીપોક્સ રોગના હાલના પ્રકોપને આંતરરાષ્ટ્રીય ચિંતા જણાવીને ‘હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મંકી પોક્સના કેસોમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને WHO દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનામાં પૂર્વ આફ્રિકન દેશો બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં તેના કેસમાં ઝડપથી વધારો થયો છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપ્યા કડક નિર્દેશ, દિલ્હીમાં મળ્યો પહેલો શંકાસ્પદ કેસ