VIDEO : ભારત-પાકિસ્તાનના નૌકાદળનું દિલધડક રેસ્ક્યુ, પોરબંદરના ડૂબતા જહાજમાંથી 12 જવાનોને બચાવ્યા
India-Pakistan Navy Rescue Operation in Arabian Sea : ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે લાંબા સમયથી રાજદ્વારી અને વેપારના સંબંધો નથી, તેમ છતાં બંને દેશોના નૌકાદળે ભેગા મળીને આજે એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે, જેના કારણે ડૂબી રહેલા પોરબંદરના જહાજમાંથી 12 જવાનોના જીવ બચાવવામાં સફળતા મળી છે.
ભારતે પાકિસ્તાનની મદદ લઈ ક્રૂ સભ્યોને બચાવ્યા
મળતા અહેવાલો મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડ(ICG)ને માહિતી મળી હતી કે, ભારતીય MSV અલ પિરાનપીર જહાજ ઉત્તર અરબ સાગરમાં ડૂબી ગયું છે અને તેમાં સવાર 12 ક્રૂ સભ્યો જીવ બચાવી એક નાની બોટમાં દરિયા વચ્ચે ફસાઈ ગયા છે. ત્યારબાદ આઇસીજીએ તુરંત કાર્યવાહી કરી ક્રૂ મેમ્બરોને શોધવા તેમજ રેસ્ક્યુ ઓપરેશન કામગીરી શરુ કરી દીધી હતી.
ભારત-પાકિસ્તાને ગજબનું સાહસ દેખાડ્યું
આ દરમિયાન આઇસીજીએ પાકિસ્તાન દરિયાઈ સુરક્ષા એજન્સી(Pakistan Maritime Security Agency, MSA)ની મદદ લઈને તમામ 12 સભ્યોને બચાવી લીધા છે. ક્રૂ મેમ્બરોને બચાવવા માટે બંને દેશોએ ગજબનું સાહસ દેખાડ્યું હતું. બંને નૌકાદળે સાધી મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (MRCC) સાથે સંકલન કરી ઓપરેશન પાર પાડ્યું હતું.
ગુજરાતના પોરબંદરથી રવાના થયું હતું જહાજ
મૈકેનાઈઝ્ડ સેલિંગ વેસલ અલ પિરાનપીર નામનું જહાજ ગુજરાતના પોરબંદરથી ઈરાનના અબ્બાસ બંદરે જવા માટે રવાના થયું હતું. જોકે બુધવારે દરિયામાં મોજા ઉછળતાં અને પૂરના કારણે જહાજ ડૂબી ગયું હતું. ત્યારબાદ આઇસીજીના એમઆરસીસી મુંબઈને જહાજ ફસાઈ ગયું હોવાનો કૉલ મળ્યો હતો. પછી ગાંધીનગર સ્થિત કોસ્ટ ગાર્ડના પ્રાદેશિક મુખ્યાલય(ઉત્તર પશ્ચિમ)ને ઍલર્ટ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ઈસરોએ રચ્યો ઈતિહાસ, યુરોપીય અંતરિક્ષ એજન્સીનું PROBA-3 મિશન કર્યું લોન્ચ
ક્રૂ મેમ્બરો પાકિસ્તાની ક્ષેત્રમાં પહોંચી ગયા હતા
જહાજ ફસાયું હોવાની માહિતી મળ્યા બાદ પેટ્રોલિંગ માટે તહેનાત કોસ્ટ ગાર્ડનું 'સાર્થક' જહાજ રવાના થયું હતું અને તેઓની શોધખોળ શરુ કરી દીધી હતી. એનઆરસીસીએ પાકિસ્તાનનો પણ સંપર્ક કર્યો હતો અને તેઓને તેમના દરિયાઈ વિસ્તારમાં ઍલર્ટ રહેવા કહ્યું હતું.
જહાજ ડૂબ્યા બાદ ક્રૂ સભ્યોએ નાની બોટનો સહારો લીધો
જહાજ ડૂબી ગયા બાદ 12 ક્રૂ સભ્યોએ જીવ બચાવવા માટે એક નાની બોટનો સહારો લીધો હતો. આ બોટ દ્વારકાથી લગભગ 270 કિલોમીટર દૂર પાકિસ્તાની વિસ્તારમાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ ક્રૂ સભ્યોને બચાવવા માટે પાકિસ્તાનના એમએસએ એરક્રાફ્ટ અને વેપારી જહાજ એમવી કૉસ્કો ગ્લોરીનો સહારો લીધો હતો. આમ બંને દેશોના સાહસથી તમામ ક્રૂ સભ્યોને બચાવી લેવાયા છે.