કોંગ્રેસના પરાજય પછી 'ઇન્ડિયા' ગઠબંધન વેરવિખેર થવાના એંધાણ
- લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ હવે પોતાનું ધાર્યું નહીં કરાવી શકે
- આ પ્રજાનો નહીં કોંગ્રેસનો પરાજય : મમતાએ હારનું ઠીકરું કોંગ્રેસ પર ફોડયું, આવતીકાલની બેઠકમાં હાજર નહીં રહે
- કોંગ્રેસના પરાજયના લીધે ઇન્ડિયા જોડાણના ચહેરા તરીકે નીતિશકુમારને આગળ કરવાની જેડી(યુ)ની તજવીજ
નવી દિલ્હી : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપના હાથે ધૂળ ચાટનારી કોંગ્રેસના ઘા પર મમતાએ મીઠુ ભભરાવતા જણાવ્યું છે કે આ પરાજય પ્રજાનો નથી, કોંગ્રેસનો છે. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા જોડાણના દળો સાથે સીટ વહેંચણીની વ્યવસ્થામાં કમીના લીધે કોંગ્રેસે પરાજય સહન કરવો પડયો. કોંગ્રેસે તેલંગણા જીતી લીધું, પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાને અને છત્તીસગઢ ગુમાવ્યા.
ચાર રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયના લીધે ઇન્ડિયા જોડાણમાં નોન કોંગ્રેસી પક્ષો ગેલમાં આવી ગયા છે. તેઓને આનંદ હવે એ વાતનો છે કે આ પરાજયના લીધે ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસ ઇન્ડિયા જોડાણમાં પોતાનું ધાર્યું નહી કરાવી શકે અને તેમનો હાથ ઉપર રહેશે. તેમા પણ જેડી(યુ)એ તો ઇન્ડિયા જોડાણના ચહેરા તરીકે નીતિશકુમારને આગળ ધરવાની તજવીજ પણ શરૂ કરી દીધી છે. તેથી આગામી સમયમાં નીતિશકુમાર પણ ઇન્ડિયા જોડાણના ચહેરા તરીકે સક્રિય દેખાવવા માંડે તો આશ્ચર્ય નહી થાય. પણ નીતિશકુમારે તે ધ્યાન રાખવાનું છે કે તેમના હાલ પણ ક્યાંક તેલંગણાના કેસીઆર જેવા ન થાય. કોંગ્રેસના પરાજયનું મુખ્ય કારણ એ રહ્યું કે ઇન્ડિયા જોડાણના પક્ષોએ જ તેના વોટ કાપ્યા. ટીએમસીના વડાએ ટીકાની સાથે વ્યૂહરચના અંગે સૂચન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસને વિચારધારાની સાથે-સાથે રણનીતિની પણ જરુર છે. તેમણે જણાવ્યું હતું કે હજી પણ જો સીટ વહેંચણીની વ્યવસ્થા થાય તા ભાજપ ૨૦૨૪માં સત્તા પર નહીં આવે, પરંતુ કોંગ્રેસ તેની મમત છોડવા તૈયાર નથી.
રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો જુદી-જુદી ચૂંટણી લડયા હતા. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે મત વિભાજનના લીધે ભાજપને ફાયદો થયો છે. આજે મમતા બેનરજી હવે ઇન્ડિયા જોડાણની બેઠકમાં હાજરી આપવા માટે જવા તૈયાર નથી તેવી સ્થિતિ આવી ગઈ છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આકરા પરાજયના પગલે સોનિયા ગાંધીએ મીટિંગ બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં ત્રણ રાજ્યોને લઈને મનોમંથન કરવામાં આવશે. પક્ષે મધ્યપ્રદેશમાં સત્તા પરથી દૂર રહેવું પડયુ છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી પડી છે. કોંગ્રેસના પરાજયના પગલે ઇન્ડિયા બ્લોકનો નોન-કોંગ્રેસી હિસ્સો ગેલમાં આવી ગયો છે.
આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોના લીધે ઇન્ડિયા જોડાણમાં નોન-કોંગ્રેસી પક્ષો વધુ મજબૂત બનીને આવે તેવી સંભાવના છે. બિહારમાં જેડી(યુ)એ તો અત્યારથી જ નીતિશકુમારને ઇન્ડિયા જોડાણના વિશ્વસનીય ચહેરા તરીકે દર્શાવવાનું શરુ કરી દીધું છે.
જેડી(યુ)ના નેતા વિજય કુમાર ચૌધરી અને અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જોડાણમાં બિગ બ્રધર છે, પરંતુ તેણે વિશાળ હૃદય પણ બતાવવાની જરુર છે. જો ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ જોડાણના પક્ષોને જોડે લઈને ચાલી હોત તો તે ચોક્કસપણે જીતી હોત.