INDIA ગઠબંધનેે 13 સભ્યોની કોઓર્ડિનેશન કમિટી બનાવી, 'જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા' નવું સ્લોગન
મુંબઈમાં ચાલી રહેલી બેઠકમાં INDIA ગઠબંધને કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત કરી
સંયોજક અંગે હજુ કોઈ નિર્ણય, સીટ વહેંચણી મુદ્દે ચર્ચા થશે
મોદી સરકારને ઘેરવા માટે આજે મુંબઈ ખાતે વિપક્ષી મહાગઠબંધનની ત્રીજી બેઠક મળી છે. આ બેઠકમાં કહેવામાં આવી રહ્યું કે, વિપક્ષી મહાગઠબંધનના સંયોજક અને લોગો અંગેનો પણ નિર્ણય લેવાય શકે છે. INDIA ગઠબંધનના સાથી પક્ષોની મુંબઈમાં બેઠક ચાલી રહી છે. સતત બીજા દિવસે આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં 13 સભ્યો સાથેની કોઓર્ડિનેશન સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે હજુ સુધી સંયોજક અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
કોને કોને મળ્યું સ્થાન?
મુંબઈમાં ચાલી રહેલી બેઠકમાં INDIA ગઠબંધને કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત કરી દીધી છે. આ 13 સભ્યોની કોઓર્ડિનેશન સમિતિમાં સંજય રાઉત, સ્ટાલિન, લલન સિંહ, મહેબુબા મુફ્તી, ડી.રાજા, ઓમર અબ્દુલ્લાહ, શરદ પવાર, કે.સી.વેણુગોપલ, તેજસ્વી યાદવને પણ આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. અભિષેક બેનરજી, રાઘવ ચઢ્ઢા, હેમંત સોરેનને પણ આ સમિતિના સભ્યો બનાવાયા છે.
ખડગેના પ્રહાર- મોંઘવારી મુદ્દે મોદી સરકારને ઘેરી
INDIA ગઠબંધનના સાથી દળોએ બેઠક પૂર્ણ કર્યા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમાં વિવિધ નેતાઓએ તેમના મંતવ્યો રજૂ કરીને બેઠકમાં થયેલી ચર્ચા વિશે થોડી ઘણી માહિતીઓ આપતાં મોદી સરકાર સામે પણ નિશાન તાક્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી સરકાર કોઈપણ વસ્તુના ભાવમાં એક સાથે 100 રુપિયાનો વધારો કરે છે અને પછી લોકોને રાહત આપવાના નામે માત્ર રૂપિયા 2નો જ ઘટાડો કરે છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ઉદ્યોગપતિઓ સાથે જ ચાલે છે. બંધારણીય સંસ્થાનોનો સત્યાનાશ કરી રહ્યા છે.
#WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai
— ANI (@ANI) September 1, 2023
"All parties conducted this meeting well. A structure was formed for the alliance during talks at my residence earlier, in the Patna meeting an agenda was set and now in Mumbai, everyone has kept… pic.twitter.com/3KKlz20UG8
બેઠકમાં આ ત્રણ પ્રસ્તાવ પાસ થયા
1. બેઠકમાં વિપક્ષી દળોએ સંકલ્પ લીધો કે આગામી લોકસભા ચૂંટણી જ્યાં સુધી સંભવ હોય સાથે મળીને લડાશે. જુદા જુદા રાજ્યોમાં સીટ વહેંચણી મુદ્દે જલદી ચર્ચા શરૂ કરાશે અને એકબીજા સાથે સહયોગી ભાવના અપનાવતા તેના પર વહેલી તકે નિર્ણય લેવાશે.
2. બેઠકમાં સંકલ્પ લેવાયો કે વિપક્ષી દળો જાહેર ચિંતા તથા મહત્ત્વના મુદ્દાઓ પર દેશના જુદા જુદા ભાગોમાં જલદીથી જલદી જાહેર રેલીઓ યોજશે.
3. ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંકલ્પ લીધો કે જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા થીમ સાથે જુદી જુદી ભાષાઓમાં તેમની સંબંધિત કમ્યુનિકેશન અને મીડિયા રણનીતિઓ તથા અભિયાનોનું સમન્વય કરાશે.