‘આખરે પડોશી જ...’ પાકિસ્તાન, ચીન, માલદીવ સાથે વિવાદ છતાં ભારતનો પ્રેમભર્યો સંદેશ
ભારત શક્તિશાળી દેશ, તેથી મુશ્કેલ પરિસ્થિતિમાં બીજાની મદદ કરવી જ પડશે : વિદેશમંત્રી
એસ.જયશંકરે રાતા સમુદ્રનો ઉલ્લેખ કરી કહ્યું, ભારત જવાબદાર દેશ, બીજાની મદદ કરી માન મળ્યું
‘ભારત શક્તિશાળી દેશ છે, વિશ્વમાં પણ તેની પ્રતિષ્ઠા છે, આ જ કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ બીજાની મદદ કરવી પડે.’ આ નિવેદન કરી વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar) ભારત તરફથી વિશ્વભરને પ્રેમભર્યો સંદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘આખરે પડોશી દેશને એકબીજાની મદદની જરૂર પડતી જ હોય છે.’ દરમિયાન ભારતનો ઘણા સમયથી પાકિસ્તાન અને ચીન સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે, તો તાજેતરમાં જ માલદીવે વિવાદ ઉભો કર્યા બાદ તેની સાથે પણ રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી છે, છતાં જયશંકરે ‘ભારત એક જવાબદાર દેશ’ હોવાનું કહી પડોશી દેશો પ્રત્યે નરમ વલણ દાખવ્યું છે.
આપણે બીજાની મદદ કરવી જ પડશે : જયશંકર
મુંબઈમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન વિદેશમંત્રીએ રાતા સમુદ્રના માર્ગ પર જહાજો પર હુમલા (Attack on Commercial Ship in Red Sea) દરમિયાન ભારતીય સેના (Indian Army)ની શ્રેષ્ઠ કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જયશંકરે કહ્યું કે, ‘ભારત (India) એક શક્તિશાળી દેશ છે અને વિશ્વભરમાં તેની પ્રતિષ્ઠા છે, આવી સ્થિતિમાં આપણે બીજાની મદદ કરવી જ પડશે.’ તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં જ ભારતીય સેનાએ રાતા સમુદ્રમાં ઈરાનના વાણિજ્યિક જહાજોને સમુદ્રી લુંટારાઓથી બચાવ્યા છે.
પડોશમાં બનતી ખરાબ વસ્તુઓ તરફ આંખ આડા કાન કરી શકતા નથી : વિદેશમંત્રી
તેમણે કહ્યું કે, ‘ભારતની વધતી ક્ષમતા, આપણા હિત અને આપણી પ્રતિષ્ઠાના કારણે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં બીજાની મદદ કરવી જ પડશે. જો આપણા પડોશમાં ખરાબ ઘટના બની રહી છે અને આપણે કહીએ કે, આપણે તેમાં કશું જ કરી શકતા નથી, તો આપણને જવાબદાર દેશ નહીં કહેવાઈએ.’ તાજેતરમાં જ વાણિજ્યિક જહાજનું અપહરણ કરવાના સમુદ્રી લુંટારાઓના પ્રયાસને ભારતીય સેનાએ ઘણીવાર નિષ્ફળ બનાવ્યા છે. ભારતીય સેનાએ હાલમાં જ ઈરાનનો ઝંડો લાગેલા જહાજને સોમાલિયા તટ પર સમુદ્રી લુંટારાઓથી બચાવ્યા છે. આ જહાજમાં ક્રુ સભ્યોમાં 19 પાકિસ્તાન (Pakistan) પણ સામેલ હતા.
ભારતીય સેનાએ તહેનાત કર્યા 10 યુદ્ધ જહાજ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) બાદ આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર હુમલા વધ્યા છે. આ જ કારણે ભારતીય સેનાએ રાતા સમુદ્ર અને આરબ સમુદ્ર વિસ્તારમાં 10 યુદ્ધ જહાજો તહેનાત કરીને રાખ્યા છે. ગત દિવસોમાં હુથી હુમલાખોરોએ બ્રિટન (Britain)નો ઝંડો લગાવેલા એક જહાજ પર મિસાઈલ હુમલો (Missile Attack) કર્યો હતે. આ જહાજને પણ ભારતીય સેનાએ મદદ કરી હતી.
માલદીવ અંગે જયશંકરે શું કહ્યું?
માલદીવમાં ચાલી રહેલા ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન (Maldives India Out Campaign) અંગે વિદેશમંત્રીએ કહ્યું કે, ‘છેવટે પડોશીઓએ જ એકબીજાની મદદ કરવી પડતી હોય છે. ઈતિહાસ અને ભૂગોળ ખુબ જ શક્તિશાળી તાકાત છે અને તેનાથી કોઈપણ બચી શકતું નથી.’
‘આપણે જે કરી રહ્યા છીએ, તેનાથી આપણને લોકો વધુ માન આપે છે’
વિદેશમંત્રીએ કહ્યું કે, ‘ભારતીય સેનાએ રાતા સાગર અને આરબ સાગર વિસ્તારમાં 10 યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે, કારણ કે ત્યાં આપણે બે સમસ્યાઓ એક સમુદ્રી લુંટારુઓ અને બીજી મિસાઈલ-ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા છીએ. આપણા જહાજોએ તાજેતરમાં જ એક જહાજમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં મદદ કરી અને ક્રુ સભ્યોને બચાવ્યા હતા. આજે આપણે જે કરી રહ્યા છીએ, તેનાથી આપણને લોકો વધુ માન આપે છે અને આપણે મિત્ર સમજે છે.’
વિદેશમંત્રીએ ચીન અંગે શું કહ્યું?
જયશંકરે કહ્યું કે, ‘ચીન (China) આપણો પડોશી દેશ છે અને આપણે ઘણી બાબતો, જેમ કે પ્રતિસ્પર્ધા અને પ્રભાવ મામલે ચીનથી ન ડરવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે, વૈશ્વિક રાજકારણ સ્પર્ધાની રમત છે... તમે તમારો પ્રયાસ કરો અને અમે અમારો પ્રયાસ કરીશું. ચીન એક મોટી અર્થવ્યવસ્થા છે. તેઓ પોતાની રીતે વસ્તુઓ ઘડવાનો પ્રયાસ કરશે. તેથી ચીન શું કરી રહ્યું છે, તે ચિંતા આપણે છોડી દેવી જોઈએ અને આપણે પોતાને કેવી રીતે શ્રેષ્ઠ બનાવીએ, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.