ભારતભરમાં સૌએ 'મકર-સંક્રાંતિ' ઉજવી : આટલી ઠંડીમાં પણ સેંકડો લોકોએ હરિદ્વારમાં ગંગા સ્નાન કર્યું
- ઉ.પ્ર.ના મુ.મં. યોગી આદિત્યનાથે ગંગા સ્નાન કર્યું : દ.ભારતમાં આ ઉત્સવ 'પોંગલ' તરીકે અને આસામમાં 'બીહૂ' તરીકે ઉજવાય છે
નવી દિલ્હી : દેશભરમાં મકર-સંક્રાંતિનો ઉત્સવ ધૂમ-ધામથી ઉજવાયો. આ પવિત્ર દિવસે શ્રધ્ધાળુઓએ ઠંડીની પરવાહ કર્યા સિવાય જ દેશની વિવિધ નદીઓમાં ડૂબકી મારી સ્નાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહેલી સવારે ગંગામાં સ્નાન કરી પૂજા-પાઠ કર્યા હતા.
કડકડતી ઠંડીમાં પણ સેંકડો શ્રધ્ધાળુઓએ હરિદ્વારમાં ગંગામાં ડૂબકી મારી સ્નાન કર્યું હતું.
દક્ષિણ ભારતમાં આ પર્વ 'પોંગલ' તરીકે ઉજવવામાં આવે છે, ત્યાં પણ ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીમાં સ્નાન કરવું તે ઘણું શુભ માનવામાં આવે છે.
આસામમાં આ પર્વ 'બીહૂ' તરીકે ઉજવાય છે. ત્યારે ત્યાં મહાનદી બ્રહ્મપુત્રામાં અનેક લોકો સ્નાન કરે છે. તો અન્ય અનેકો વિવિધ નદીઓમાં સ્નાન કરી પવિત્ર થઈ પૂજન-અર્ચન પણ કરે છે.
આટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં પણ વસતા હિન્દુઓ જ્યાં ગંગા અને બ્રહ્મપુત્રા મળે છે તે 'ગોઆનંદક' (ગોઆલંદો)ના બંને કાંઠે તટ ઉપર રહી સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે. જ્યારે પાકિસ્તાન સ્થિત હજી પણ બાકી રહેલા હિન્દુઓ પણ સિંધુ અને તેની શાખા નદીઓમાં સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે.
મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તરમાં પ્રવેશે છે તેથી આજથી માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે.
ગ્રેગેરિયન (પશ્ચિમ) પંચાંગ પ્રમાણે સૂર્ય ૨૨ ડીસેમ્બરે ઉત્તરમાં પ્રવેશે છે તેમ મનાય છે. પરંતુ ભારતમાં ૧૪મી જાન્યુઆરીએ તે ઉત્તરમાં પ્રવેશે છે તેમ મનાય છે. તે અંગે કેટલાક વિદ્વાનો જણાવે છે કે વાતાવરણને લીધે સૂર્યનાં કીરણો અર્ધગોળાકારમાં મરડાય છે, તેથી પૃથ્વી ઉપરથી જોતાં સૂર્ય રેન્જેન્શ્યલી (સીધી લીટી)માં ૨૨મી ડીસેમ્બરે મકરમાં પ્રવેશતો હોય તેમ લાગે છે. પરંતુ વાસ્તવમાં હજી તે ઘણો પાછળ હોય છે. તે ૧૪-૧૫ જાન્યુ.એ જ 'મકર'માં પ્રવેશે છે. ૨૨મી ડીસેમ્બરે થતો તેનો પ્રવેશ એક 'પેરેલેક્સ' (દ્રષ્ટિ-ભ્રમ) છે.