ભારતને સૌથી મોટી સફળતા : મીડિયમ રેન્જની અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
મિસાઈલનું ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડથી પરીક્ષણ કરાયું
મિસાઈલ ઊંચા લક્ષ્યને ભેદવામાં સફળ રહી : અગાઉ અગ્નિ-5નું પરીક્ષણ કરાયું હતું
નવી દિલ્હી, તા.01 જૂન-2023, ગુરુવાર
સંરક્ષણ ક્ષેત્રે ભારતે વધુ એક મોટી સફળતા મેળવી છે. ભારતે આજે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-1નું સફળ પ્રક્ષેપણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, મિસાઇલ ખુબ જ ઉચ્ચ સ્તરની ચોક્સાઈ સાથે લક્ષ્યને ભેદવામાં સફળ રહી છે. ટ્રેનિંગ લોન્ચમાં મિસાઇલના તમામ સંચાલન અને ટેક્નીકલ માપદંડોને સફળતાપૂર્વક સત્યાપિત કરવામાં આવ્યા. આ મિસાઈલનું ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડથી પરીક્ષણ કરાયું છે.
મિસાઈલ ઊંચાઈ ઉપરના લક્ષ્યને ભેદવામાં સફળ થઈ
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, એક જૂન-2023ના રોજ ઓડિસાના એ.પી.જે.અબ્દુલ કલામ આઈલેન્ડ પરથી સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ દ્વારા એક મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું... આ મિસાઈલ ખુબ જ ઊંચાઈના લક્ષ્યને ભેદવામાં સફળ રહી છે. આ પ્રક્ષેપણ દ્વારા મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરાઈ હતી.
અગાઉ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું હતું
ઉલ્લેખનિય છે કે, ભારત છેલ્લા બે દાયકાથી વિવિધ બેલેસ્ટિક મિસાઈલો, ચોક્કસ નિર્દેશિત યુદ્ધ શસ્ત્રો અને સંબંધિત ટેકનોલોજી વિકસાવીને તેની વ્યૂહાત્મક ક્ષમતાને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારતે અગ્નિ શ્રેણીની મિસાઈલોના વિવિધ વેરિયન્ટ વિકસાવ્યા છે. ગત ડિસેમ્બરમાં ભારતે પરમાણુ-સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, જે 5000 કિમી દૂર સુધીના લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે. અગ્નિ 1થી 4 મિસાઈલો 700 કિમીથી 3500 કિમીની રેન્જ ધરાવે છે અને તે પહેલાથી જ તૈનાત કરવામાં આવી છે.