'...તો જ વિઝા સેવા શરૂ થશે' જયશંકરે કેનેડા સામે મૂકી શરત, વિયેના કન્વેન્શનના ઉલ્લંઘનનો મૂક્યો આરોપ

તાજેતરમાં નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો હતો

વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડા પર કર્યા ગંભીર પ્રહાર

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
'...તો જ વિઝા સેવા શરૂ થશે' જયશંકરે કેનેડા સામે મૂકી શરત, વિયેના કન્વેન્શનના ઉલ્લંઘનનો મૂક્યો આરોપ 1 - image

image : Twitter


India vs Canada Controversy | વિદેશ મંત્રી એસ જયશંકરે (Foreign minister S Jaishankar) કહ્યું છે કે જો ભારત કેનેડામાં (Canada Visa) તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો તે ટૂંક સમયમાં કેનેડાના લોકો માટે વિઝા સેવા શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે ભારત દ્વારા વિઝા સેવા થોડા અઠવાડિયા માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની (Indian diplomat) સુરક્ષાની ચિંતા હતી. કેનેડા રાજદ્વારીઓ માટે સલામત વાતાવરણ પૂરું પાડી શક્યું નથી, જે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ 

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા છે. તેનું કારણ છે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની (Khalistani Hadeep singh Nijjar) હત્યા, જેનો કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો હતો. કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને ઓટાવા છોડવા પણ કહ્યું હતું. ભારતે શરૂઆતમાં નિજ્જરની હત્યામાં કોઈ સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ કેનેડિયન રાજદ્વારીને નવી દિલ્હી છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.

વિદેશ મંત્રીએ બીજું શું કહ્યું?

જયશંકરે કહ્યું કે જો અમે કેનેડામાં અમારા રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોઈશું, તો અમે વિઝા સેવા શરૂ કરવાનું વિચારીશું. હું આશા રાખું છું કે આ ખૂબ જ જલ્દી થવું જોઈએ. તેમણે કહ્યું કે થોડા અઠવાડિયા પહેલા ભારતે કેનેડામાં વિઝા આપવાની પ્રક્રિયા બંધ કરી દીધી હતી. તેનું કારણ એ હતું કે અમારા રાજદ્વારીઓ માટે કાર્યાલયે જવું સલામત નહોતું. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમારે અસ્થાયી રૂપે વિઝા સેવા બંધ કરવી પડી હતી.

જયશંકરે આશા વ્યક્ત કરી 

વિદેશ મંત્રીએ આશા વ્યક્ત કરી કે સુરક્ષાની સ્થિતિમાં સુધારો થશે. તેમણે કહ્યું કે જો સુરક્ષામાં સુધારો થશે તો રાજદ્વારીઓ માટે વિશ્વાસ સાથે કામ કરવું શક્ય બનશે. રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ વિયેના સંમેલનનું સૌથી મૂળભૂત પાસું છે. જયશંકરે કહ્યું કે અત્યારે કેનેડામાં આવા ઘણા પડકારો છે, જેના કારણે અમારા લોકો સુરક્ષિત નથી. અમારા રાજદ્વારીઓની સુરક્ષા પણ ખતરામાં છે. રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ થતાં જ વિઝા સેવા શરૂ થશે.

'...તો જ વિઝા સેવા શરૂ થશે' જયશંકરે કેનેડા સામે મૂકી શરત, વિયેના કન્વેન્શનના ઉલ્લંઘનનો મૂક્યો આરોપ 2 - image




Google NewsGoogle News