ભારત-કેનેડા વિવાદ વચ્ચે નવું સંકટ, વિઝા મેળવવામાં સર્જાઈ મુશ્કેલીઓ, જાણો કારણ
India-Canada Tensions : ખાલિસ્તાની મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલો વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે અને તેની અસર અને વિઝા પર પણ જોવા મળી રહી છે. કેનેડાએ આક્ષેપ કર્યો છે કે, ભારત સરકાર ત્યાં રહેનારા શીખો વિરુદ્ધ હિંસા ભડકાવવાનું કામ કરી રહી છે, તો બીજી તરફ ભારતે પણ કેનેડાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કેનેડાએ ભારત દ્વારા સાયબર એટેક થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. આ તમામ પરિસ્થિતિ જોતા બંને દેશો વચ્ચે વિવાદ વધુ વકરવાની સ્થિતિ દેખાઈ રહી છે.
કેનેડામાં જવું મુશ્કેલ, જોકે વેપાર પર કોઈ અસર નહીં
બંને દેશોના વેપારની વાત કરીએ તો નિષ્ણાતોના મત મુજબ, વિવાદના કારણે વેપાર પર કોઈ અસર નહી પડે, જોકે કેનેડામાં અભ્યાસ અને કામ કરવા ઈચ્છુક ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. કેનેડાના એક વરિષ્ઠ અધિકારીએ સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતને કહ્યું કે, ‘શીખો વિરુદ્ધ ષડયંત્ર રચવા પાછળ ભારતના ગૃહ મંત્રી અમિત શાહનો હાથ છે.’ જેનો ભારતે જવાબ આપી કેનેડાના આક્ષેપોને રદિયો આપ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે અવારનવાર વાકયુદ્ધ અને આક્ષેપો થવાના કારણે બંને દેશો વચ્ચે વિવાદ વધતો જોવા મળી રહ્યો છે.
કેનેડા જવામાં કેમ ઉભી થઈ મહામુશ્કેલી ?
ભારતમાંથી મોટાભાગના લોકો કેનેડા ભણવા અને કામ કરવા જાય છે. જોકે ગત વર્ષથી ભારતીયોને વિઝા મેળવવામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમાં ભારતમાં કેનેડાના માત્ર ચાર ઈમિગ્રેશન અધિકારી છે. આ પહેલા ઓક્ટોબર-2023માં તેમની સંખ્યા 27 હતી.
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે, ‘અધિકારીઓની સંખ્યા ઘટવાના કારણે વિઝા આપવામાં વિલંબ થઈ રહ્યો છે. મેં મારા સાથીઓને કહ્યું છે કે, સ્થિતિ વધુ ખરાબ થઈ સંભાવના છે, જેના કારણે તેઓએ તૈયાર રહેવું પડશે.’
ભારતમાં કેનેડીયન ઈમિગ્રેશન અધિકારીઓની અછત
ઈમિગ્રેશન અધિકારીઓની સંખ્યા ઓછી હોવાથી સૌથી વધુ અસર કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે. હવે તેઓએ ‘સ્ટડી પરમિટ’ મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડી શકે છે, જેના કારણે તેમનો અભ્યાસ અટકી જવાની સંભાવનાઓ પણ વધી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સુરક્ષાના કારણે કેનેડામાં પણ ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓમાં ઘટાડો થયો છે.
બંને દેશો વચ્ચે સંબંધો કેમ બગડ્યા ?
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં દાવો કર્યો હતો કે, જૂન-2023માં બ્રિટિશ કોલંબિયામાં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હતો. જોકે ભારતે ટ્રુડોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તાજેતરમાં કેનેડાએ આક્ષેપ કર્યો હતો કે, આ હત્યામાં ભારતીય હાઈ કમિશનર પણ સામેલ છે. ત્યારબાદ ભારતે કેનેડામાંથી ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માને તુરંત પરત બોલાવી લીધા હતા, પછી ભારતે કેનેડાના હાઈ કમિશનર સહિત 6 રાજદ્વારીની કરી હકાલપટ્ટી 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવા આદેશ આપ્યો હતો.