Get The App

કેનેડામાં રચાયું ભારત વિરોધી મોટું કાવતરું, ગુપ્તચર એજન્સીઓ થઈ અલર્ટ, વાયરલ પોસ્ટરથી હડકંપ

સાંસદ સિમરનજીત સિંહ માનનું કેનેડા અને નિજ્જર સાથેનું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે

ખાલિસ્તાનીઓ 9 ઓક્ટોબરે પંજાબમાં કેનેડા થેંક્સગિવીંગ ડે ઉજવવાની તૈયારીમાં

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
કેનેડામાં રચાયું ભારત વિરોધી મોટું કાવતરું, ગુપ્તચર એજન્સીઓ થઈ અલર્ટ, વાયરલ પોસ્ટરથી હડકંપ 1 - image

India-Canada Row: કેનેડામાં ખાલિસ્તાન તરફી કટ્ટરપંથીઓએ નાપાક પ્રયાસો શરૂ કર્યા છે. તે 9 ઓક્ટોબરે પંજાબમાં કેનેડા થેંક્સગિવીંગ ડે (Canada Thanksgiving Day) ઉજવવાની તૈયારીમાં લાગી ગયા છે. આ માહિતી મળ્યા બાદ કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ પંજાબમાં સક્રિય થઈ ગઈ છે. આ દરમિયાન સાંસદ સિમરનજીત સિંહ માનનું (simranjeet singh Mann) કેનેડા અને નિજ્જર સાથેનું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે.

વાયરલ પોસ્ટરમાં શું લખ્યું છે? 

પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે શીખો અને માનવાધિકાર પ્રેમીઓ 9 ઓક્ટોબરે કેનેડા સાથે થેંક્સગિવીંગ ડે ઉજવે.  આ પોસ્ટર ફતેહગઢ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટરમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલા, સાંસદ સરમનજીત સિંહ માન, હરદીપ સિંહ નિજ્જર, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ઉપરાંત સ્થાનિક એકમના નેતાઓની તસવીરો છે.

ભારત અને કેનેડા વચ્ચે વિવાદ

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ એવા સમયે આયોજિત કરવામાં આવી રહ્યો છે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. ખાલિસ્તાની આતંકવાદના મુદ્દે બંને વચ્ચે કડવાશ વધી ગઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત તનેજાનું કહેવું છે કે સાંસદ માને લોકસભામાં જતા પહેલા ભારતીય બંધારણના શપથ લીધા હતા અને હવે તેઓ એ જ બંધારણની વિરુદ્ધ દેશને વિખેરી નાખવાનું કાવતરું કરી રહ્યા છે પરંતુ તેમની યોજના સફળ નહીં થાય. પંજાબમાં હિન્દુ શીખ ભાઈચારો એક ઉદાહરણ છે. 

કેનેડામાં રાજદ્વારીઓ પર ખતરો વધ્યો 

જ્યારે કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો હવે ભારતીય રાજદ્વારીઓની હત્યા કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. સરે સ્થિત શ્રી ગુરુ નાનક ગુરુદ્વારામાં ત્રણ ભારતીય રાજદ્વારીઓની હત્યાની માંગ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ એ જ ગુરુદ્વારા છે જેના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જર હતા. આ ગુરુદ્વારા સામે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે, ખાલિસ્તાની સમર્થકોએ ફરીથી 'કિલ ઈન્ડિયા' જેવા સૂત્રોચ્ચાર સાથે વાનકુવરમાં ભારતીય દૂતાવાસની સામે કાર રેલીનું આયોજન કરવાની યોજના બનાવી છે.


Google NewsGoogle News