ફરી મિત્ર બનશે ભારત અને કેનેડા? બંને દેશોના સંબંધો અંગે વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટ વાત
India-Canada Relations: કેનેડાના વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોની વિદાઈ થઈ ચૂકી છે. માર્ક કાર્નેએ નવા વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આગામી ચૂંટણીઓની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ કેનેડા સાથેના સંબંધો સુધારવા અંગે ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો ભારતના હિતોની વિરુદ્ધ કામ કરતા તત્ત્વો સામે નક્કર કાર્યવાહી કરવામાં આવશે તો જ કેનેડા સાથેના સંબંધોમાં મોટા સુધારાની આશા રહેશે. જોકે, કેનેડાની નવી સરકાર તરફથી એવો કોઈ સંકેત મળ્યો નથી કે ભારત સાથેના સંબંધોને પાટા પર લાવવા માટે હાલની નીતિઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે. નિષ્ણાતો માને છે કે ચૂંટણી પછીની નવી સરકાર જ બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "ભારત-કેનેડા સંબંધો ત્યારે બગડ્યા જ્યારે ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓને ત્યાં લાઇસન્સ આપવામાં આવ્યું. અમે પરસ્પર વિશ્વાસ અને સંવેદનશીલતાના આધારે સંબંધોને પુનર્જીવિત કરવાની આશા રાખીએ છીએ."
ટ્રુડોએ ભારત પર લગાવ્યો હતો આરોપ
પૂર્વ વડાપ્રધાન ટ્રુડોએ 2023ના અંતમાં ભારત પર આરોપ લગાવ્યો હતો કે તેની એજન્સીઓએ કેટલાક કેનેડિયન નાગરિકોની હત્યા કરી છે. આમાં હરજીત સિંહ નિજ્જરની હત્યાનો પણ સમાવેશ થાય છે. નિજ્જર એક ખાલિસ્તાની આતંકવાદી હતો જે ભારતીય તપાસ એજન્સીઓને વોન્ટેડ હતો. બાદમાં આ વિવાદ એટલો વધી ગયો કે બંને દેશોએ પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા. ભારતે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા અને ટ્રુડો પર રાજકીય કારણોસર ભારત વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવ્યો.