‘શિખોને આતંકીઓ સાથે સરખાવવા બિલકુલ ખોટું', ભારત-કેનેડા વિવાદ અંગે સુખબીર સિંહ બાદલ PM મોદીને લખશે પત્ર

અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહે બાદલે કહ્યું , શિખ લોકો સૌથી વધુ દેશભક્ત, આઝાદી દરમિયાન સૌથી વધુ બલિદાન આપ્યું

કેટલાક લોકો જે કરી રહ્યા છે, તેના માટે સમુદાયને દોષી ન ઠેરવવો જોઈએ, બંને દેશોએ તાકીદે વિવાદ ઉકેલવો જોઈએ : બાદલ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
‘શિખોને આતંકીઓ સાથે સરખાવવા બિલકુલ ખોટું', ભારત-કેનેડા વિવાદ અંગે સુખબીર સિંહ બાદલ PM મોદીને લખશે પત્ર 1 - image

ચંડીગઢ, તા.21 સપ્ટેમ્બર-2023, ગુરુવાર

ભારત અને કેનેડાના સંબંધો વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આ મામલે હવે અકાલી દળના અધ્યક્ષ અને સાંસદ સુખબીર સિંહ બાદલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હાલ જે વિવાદ ઉભો થયો છે, તેના કારણે ભારત-કેનેડાના સંબંધોમાં મોટો પ્રભાવ પડી રહ્યો છે. શિખોને આતંકવાદ સાથે સરખાવવામાં આવી રહ્યા છે... એક ખોટી ધારણા ઉભી કરવામાં આવી રહી છે અને તેને રોકવાની જરૂર છે.

બંને દેશ વચ્ચે તુરંત સમાધાનની જરૂર

બાદલે વધુમાં જણાવ્યું કે, ભારત અને કેનેડાની સરકારોએ વિવાદનો તુરંત નિવેડો લાવવો જોઈએ... બંને દેશોના ટોચના સ્તરે સંબંધો પર વિચારવાની જરૂર છે. દેશના લોકોએ આનું પરિણામ ભોગવવું ન જોઈએ...

પીએમ મોદીને લખશે પત્ર

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રહ્યો છું... કારણ કે આ વિવાદને તુરંત ઉકેલવાની જરૂર છે... જો આ હાથમાંથી નિકળી જશે તો ઘણા ભારતીયો, ખાસ કરીને શિખો અને પંજાબના લોકો પ્રભાવિત થશે.

અમિત શાહને મલ્યા બાદલ

ભારત-કેનેડાના સંબંધોમાં વિવાદ વચ્ચે બાદલે આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને બંને દેશોના વિવાદોનો તુરંત ઉકેલ લાવવા આશા વ્યક્ત કરી... તેમણે કહ્યું કે, કેનેડામાં મોટી સંખ્યામાં પંજાબીઓ રહે છે અને તેમના માટે બગડતા સંબંધોથી ચિંતિત છે. બેઠક બાદ બાદલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, બંને દેશો વચ્ચેના વિવાદના કારણે મોટી સંખ્યામાં શિખો સહિત પંજાબીઓ પરેશાન થયા હોવાનું સાંભળવું ચિંતિત કરવા જેવી બાબત છે. તેમણે કહ્યું કે, પંજાબીઓમાં ગભરાટની ભાવના ઉભી થઈ છે. બંને સરકારો, ભારત અને કેનેડાની સરકારોએ વિવાદનો ઝડપી ઉકેલ શોધવો જોઈએ.

શિખ લોકો સૌથી વધુ દેશભક્ત

સુખબીર સિંહ બાદલે વધુમાં કહ્યું કે, શિખ લોકો સૌથી વધુ દેશભક્ત છે, જેમણે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સૌથી વધુ બલિદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો જે કરી રહ્યા છે, તેના માટે સમુદાયને  દોષી ન ઠેરવવો જોઈએ... તેમણે કહ્યું કે, બંને દેશો સાથે સંકળાયેલ મુદ્દો વધવાના બદલે ઉકેલવો જોઈએ... તેમણે કહ્યું કે, કેનેડામાં 18 લાખથી વધુ ભારતીયો છે અને તેમાં સૌથી વધુ પંજાબીઓ છે...


Google NewsGoogle News