Get The App

ભારત-કેનેડા વચ્ચે વિવાદ વકર્યો, ટ્રુડોના નેતાની RSS પર પ્રતિબંધની માંગ, વિદેશમંત્રીએ પણ આપી આડકતરી ધમકી

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ભારત-કેનેડા વચ્ચે વિવાદ વકર્યો, ટ્રુડોના નેતાની RSS પર પ્રતિબંધની માંગ, વિદેશમંત્રીએ પણ આપી આડકતરી ધમકી 1 - image

India-Canada Diplomatic Row : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. કેનેડાએ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતીય હાઈ કમિશનરનું નામ જોડીને વિવાદ વધાર્યો હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપી દેશમાંથી કેનેડના છ ડિપ્લોમેટને હાંકી કાઢ્યા છે. હવે આ મામલે કેનેડીયન વિદેશ મંત્રી મેલાની જોલીએ ભારતને આડકતરી ધમકી આપી છે. આ ઉપરાંત જસ્ટિન ટ્રુડોના નેતાએ પણ આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

‘અમારી પાસે તમામ વિકલ્પો ખુલ્લા’ કેનેડાના વિદેશ મંત્રીની શેખી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને વિદેશ મંત્રી જોલીએ નિજ્જર હત્યાકાંડ મુદ્દે આજે (15 નવેમ્બર) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન જોલીને પૂછવામાં આવ્યું કે, ‘શું ભારત પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે?’ તો તેમણે કહ્યું કે, ‘આજે અમે એક મોટો નિર્ણય લીધો છે. અમારી પાસે જે વિકલ્પો હતા, તેમાં રાજદ્વારીઓને હાંકી કાઢવાનો સૌથી મોટો વિકલ્પ છે અને અમે કોઈપણ દેશ વિરુદ્ધ આ વિકલ્પનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ અમારી પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે.’

આ પણ વાંચો : પહેલા પિતાએ આપ્યો હતો આશરો, હવે પુત્ર બન્યો 'ઢાલ': ટ્રુડોએ કેનેડાને ખાલિસ્તાનીઓનો ગઢ બનાવી દીધું

કેનેડામાં RSS પર પ્રતિબંધ લગાવવાની ધમકી

વિદેશ મંત્રી જોલી પહેલા ટ્રુડો સરકારમાં પૂર્વ સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના વડા જગમીત સિંહે પણ ભારત પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમણે કેનેડામાં આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. બીજીતરફ કેનેડાના નેતાઓ અને મંત્રીઓની ધમકી અંગે હજુ સુધી ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડશે તો તેની સીધી અસર આર્થિક સંબંધો પર પડશે.

કેનેડાનું ભારતમાં 11.9 અબજ ડૉલરનું રોકાણ

સરકારી ડેટા મુજબ વર્ષ 2019 અને 2023 વચ્ચે કેનેડિયન કંપનીઓએ ભારતમાં કુલ 11.9 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. તાજેતરના વર્ષોમાં કેનેડિયન પેન્શન ફંડોએ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કરવાનું શરૂ કર્યું છે. જો બંને દેશો વચ્ચે લાંબો સમય વિવાદ ચાલશે તો તેની અસર આ તમામ રોકાણો પર પડી શકે છે અને તેના કારણે બંને દેશોને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : ભારત સરકાર ખુદ કરાવશે પન્નુ કેસમાં અમેરિકન આરોપીની તપાસ, US જશે ભારતીય તપાસ કમિટી

...તો કેનેડાના અર્થતંત્રને થશે નુકસાન

નિષ્ણાતોના મત મુજબ, જો કેનેડીયન સરકાર ભારત પર પ્રતિબંધો લાદશે તો આર્થિક પડકારોનો સામનો કરી રહેલી કેનેડાની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ શકે છે. આ વિવાદના કારણે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ શકે છે. વિશ્વભરમાં ભારત ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યો છે, તેથી જો કેનેડા કોઈ ઉલટો નિર્ણય કરશે અથવા ભારત દ્વારા કોઈ આકરો નિર્ણય લેવાશે તો તેના કારણે કેનેડીયન અર્થતંત્રને ફટકો પડી શકે છે. ભારત અને કેનેડા બંનેમાં વેપાર કરતી કંપનીઓને પણ અસર પડી શકે છે, તેનાથી કેનેડાના આર્થિક પડકારો પણ વધશે અને ટ્રુડો સરકાર માટે સંકટ સર્જાશે.


Google NewsGoogle News