કેનેડાના 41 રાજદૂતોને હાંકી કઢાયા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા, કહ્યું - 'આંતરિક મુદ્દામાં કરતા હતા દખલગીરી'

કેનેડાએ 41 રાજદૂતો મામલે ભારત પર કરેલા ગંભીર આક્ષેપો બાદ વિદેશ મંત્રાલયે પણ આપ્યો સણસણતો જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, અમે વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ લીધો આ નિર્ણય

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
કેનેડાના 41 રાજદૂતોને હાંકી કઢાયા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા, કહ્યું - 'આંતરિક મુદ્દામાં કરતા હતા દખલગીરી' 1 - image

નવી દિલ્હી, તા.20 ઓક્ટોબર-2023, શુક્રવાર

India-Canada Relations : ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિર્જર (Hardeep Singh Nijjar)ની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ (India-Canada Controversy) સતત વધી રહ્યો છે. કેનેડાએ ભારત પર ગંભીર આરોપ લગાવી પોતાના 41 રાજદ્વારીઓને ભારતમાંથી પરત બોલાવી લીધા હોવાનું જણાવ્યું છે, તો ભારતે પણ કેનેડાના આરોપોનો સણસણતો જવાબ આપી ‘ભારતમાંથી જનારા 41 કેનેડીયન રાજદ્વારી’ અંગે મહત્વની પ્રતિક્રિયા આપી છે.

‘ભારતમાં કેનેડાના રાજદ્વારીઓ વધુ’

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ નિવેદનમાં જણાવ્યું કે, કેનેડા સરકારે 19મી ઓક્ટોબર ગુરુવારે રાજદ્વારીઓ અંગે નિવેદન આપ્યું હતું, જે અમારા ધ્યાને આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કેનેડાના રાજદ્વારીઓ વધુ છે, તેઓ આપણા આંતરિક મુદ્દામાં સતત દખલગીરી કરે છે.

અરિંદમ બાગચીએ શું કહ્યું ?

બાગચીના જણાવ્યા મુજબ નવી દિલ્હી અને ઓટાવામાં એકબીજાના રાજદ્વારીઓની હાજરી સમાન હોવાની ગેરંટી છે. આ મામલે અમે ગયા મહિનાથી કેનેડાની સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. આ સમાનતાને લાગુ કરવાનો અમારો નિર્ણય યોગ્ય છે. અમે વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ આ નિર્ણય લીધો છે, તેથી અમે આ મામલાને આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના કોઈપણ પ્રયાસનો અસ્વિકાર કરીએ છીએ.

કેનેડાએ શું કહ્યું ?

કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલી (Canadian Foreign Minister Melanie Joly)ના જણાવ્યા મુજબ ભારતે તેમના દેશના 41 રાજદ્વારીઓને અપાતી રાહત પરત લેવાની ધમકી આપી હોવાના કારણે અમે ભારત સ્થિત કેનેડાના આ રાજદ્વારીઓને તેમના પરિવાર સાથે પરત બોલાવી લીધા છે. જોલીએ ગુરુવારે કહ્યું હતું કે, ‘હું એ વાતની પુષ્ટિ કરી શકું છું કે, ભારતે 20મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે દિલ્હીમાં કાર્યરત 21 કેનેડાઈ રાજદ્વારીઓ સિવાયના અન્ય તમામ રાજદ્વારીઓ અને તેમના પરિવારોને મળતી રાજદ્વારી રાહત એકતરફી હટાવવાની પોતાની યોજનાની ઔપચારિક જાણકારી આપી છે.

કેનેડા અને ભારત વિવાદનું મુખ્ય કારણ ?

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (PM Justin Trudeau)એ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે, બ્રિટિશ કોલંબીયામાં 18મી જુને હરદીપ સિંહ નિજ્જરની થયેલી હત્યા પાછળ ભારતીય એજન્ટનો હાથ હોઈ શકે છે. ભારતે પણ ટ્રુડોના આરોપોને રદીયો આપતા કહ્યું હતું કે, નિજ્જરની હત્યા રાજકીય પ્રેરિત છે.


Google NewsGoogle News